‘રોજી ક્યારેય ભાડાની નથી હોતી’ રિક્ષાવાળાની આ સ્ટોરી જીવનમાં ઉપયોગી એવી શીખ આપે છે, અચૂક વાંચજો.

0
517

એ રિક્ષાવાળાએ મારું દિલ જીતી લીધું.

મધુવનની મહેક : ડો. સંતોષ દેવકર.

‘એ…… રિક્ષા….! ‘

‘કિધર જાના હૈ?’

‘કાલા ઘોડા ‘

‘બૈઠો… !’

‘કિતના લોગે?’

‘મીટર જો બતાયેગા વહીં’

અઠવાડિયા પહેલાં વડોદરા જવાનું થયેલું. વડોદરામાં કાલાઘોડા એક જાણીતું સ્થળ છે. યુનિર્વિસટીની બિલકુલ નજીક. રિક્ષામાં બેઠો તો જોયું કે રિક્ષા ફ્લ્લી સજાવેલી હતી. બેસવાનું મન થાય તેવી. રિક્ષામાં એક ગમતી મહેક આવી રહી હતી. ધીમું સંગીત પણ ચાલતું હતું.

‘ઠંડું લેશો કે ગરમ ‘ રિક્ષાવાળાએ પૂછયું.

‘કેમ?’ મને આશ્ચર્ય થયું.

રિક્ષામાં ભાઈએ ચા અને લીંબુ શરબતના બે મોટા થરમોસ ભરીને રાખેલા. દરેક પેસેન્જરને ડિસ્પોઝબલ ગ્લાસમાં ઓફર કરે. પીવડાવે ફરજીયાત. મને આશ્ચર્ય થયું.

‘આ ચા-શરબતના પૈસા વધારાના આપવાના?’

‘ના… સાહેબ…. તમારે જે ભાડું થાય તે જ આપવાનું… આ ફેસિલિટીતો મારા તરફ્થી છે.’

મને આનંદ થયો અને આશ્ચર્ય પણ.

મેં કહ્યું, ‘ભાઈ, તારી જ રિક્ષામાં બેસવાનું અને ફરવાનું ગમે એવું લાગે છે.’

‘એમ જ થાય છે સાહેબ, એકવાર જે બેસે છે પછી તે મને જ યાદ કરે છે.’

‘તને ખોટ નથી જતી?’

‘અરે સાહેબ,જ્યારથી આ ફેસિલિટી શરૂ કરી છે ત્યારથી દર વર્ષે મારી આવક બમણી થાય છે. હું નવરો પડતો જ નથી. પેસેન્જર મને ફોન કરીને બોલાવે છે.’

રિક્ષામાં ડ્રાઈવરનું નામ, ફોટો, સરનામું અને ફોન નંબર લખેલું હતું ત્યાં મારી નજર પડી.

મેં મનોમન વિચાર્યું. આટલી કાળઝાળ ગરમીમાં એક ગ્લાસ લીંબુ શરબત મળે અને દુલ્હન જેવી શણગારેલી રિક્ષામાં બેસવાનું મળે પછી જોઈએ શું?

‘રિક્ષા ભાડાની છે કે પોતાની?’

‘તમને શું લાગે છે?’ એણે વળતો સવાલ કર્યો.

‘શણગારેલી રિક્ષા છે. તમારી પોતાની જ હોવી જોઈએ!’

‘ના… સાહેબ, રિક્ષા ભાડાની છે.

આ મારી રોજીરોટી છે, આજીવિકા કયારેય ભાડાની કે પારકી નથી હોતી. એને તો જાતની જેમ જાળવવાની હોય…. આ રિક્ષા મારા પૂરા પરિવારને જાળવે છે. રોજી આપે છે. મારે એને જાળવવાની જ હોય. ન જાળવું તો નગુણો કહેવાઉં.’

મને રિક્ષાવાળા માટે માન ઉપજ્યું. રિક્ષા અને તેના વિચારો બંને ગમી જાય તેવા હતા. રોજીરોટી મળે તે સ્થાનને પવિત્ર ગણવું પછી ભલે તે ભાડાનું કેમ ન હોય! એ રિક્ષા હોય, મકાન હોય કે પછી પોતાનું શરીર હોય! બધું જ ભાડાનું છે. પરંતુ તેને સાચવવું શણગારવું, ગમે તેવું બનાવવું, તેને પ્રેમ કરવો અને છતાં માલિકીપણાનો ભાવ ન આવે તેનું પણ ધ્યાન રાખવું. વાહ… અદ્ભુત… મજા પડી ગઈ.

મેં કહ્યું ભાઈ….. મને હવે વડોદરાના જોવાલાયક સ્થળો પણ બતાવ… તારી જ રિક્ષામાં ફરવું છે આજે. રિક્ષા આગળ વધી. મેં લીંબુ શરબતનો એક ઘૂંટડો પીધો ને રિક્ષાવાળા ભાઈએ કહ્યું, ‘જુઓ સાહેબ, તમે તમારો વિચાર બદલ્યોને? બસ, આ જ મારું કામ છે. મારા ધંધાની આવક એટલે જ દર વર્ષે વધે છે. ખર્ચ કાઢતાં સોળસો-સત્તરસો રોજ ઘરે લઈ જાઉં છું.’

મેં હકારમાં માથું હલાવ્યું એણે આગળ ચલાવ્યું.

‘હું M.A.B.Ed. છું, સાહેબ !

B.Ed. માં મારા સાહેબે કીધેલું કે જીવનમાં કોઈ કામ હલકું કે નીચું નથી. ભણ્યા પછી નોકરી મળે કે ન મળે નાસીપાસ નહિ થવાનું. બૂટપોલીશ કરો, ડ્રાઈવિંગ કરો કે ચાની કિટલી ચલાવો, પરંતુ પ્રમાણિકતા અને નિષ્ઠા ટકાવી રાખજો. સખત પરિશ્રમ તમારો આત્મવિશ્વાસ વધારશે. સંસારમાં આવતા પરિવર્તનને સહર્ષ સ્વીકારજો. ગ્રાહક અને આવક સતત વધતી જ રહેશે.’

રિક્ષાવાળાના મોઢેથી સાંભળેલા અદ્ભુત વાક્યો મને બ્રહ્મજ્ઞાાનના નીતરતા નીર જેવાં લાગ્યાં. હું આજીવન પેસેન્જર બની ગયો હતો. હું મનોમન રિક્ષાવાળાને વંદી રહ્યો.

મિસરી.

‘પરિવર્તન કયારેય પણ પીડાદાયક નથી હોતું, માત્ર પરિવર્તનનો વિરોધ પીડાદાયક હોય છે.’ – ભગવાન બુદ્ધ

– મધુવનની મહેક : ડો. સંતોષ દેવકર.