‘રોટલાના ધણી’ – આ કવિતામાં ગ્રામ્ય જીવનની સાદગી અને સ્વસ્થ જીવન વિષે સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.

0
836

રૂડાં રોટલાના ધણી જ રહેવા દયો અમને,

પિઝાની ઇજા અમારાથી સહન નહિ થાય.

વાળુ ટાંણે ભરેલા બે મરચાં થાળી માં મૂકજો,

પડીકીયું તોડીને મસાલો અમારાથી નહિ ખવાય.

દેશી ગાયનું દૂધ અમને તાંહળી ભરીને આપજો,

ઠંડાપીણા નો વે’વાર અમારાથી નહિ સચવાય.

ઘી માખણ ને મરચે ચોપડેલ રોટલો બઉ ગમે,

ઓનલાઈન મંગાવેલ ખાણું અમથી નઈ જીરવાય.

તાંહળીમાં ચોળી પાંચેય આંગળીએ ખાવા દયો,

કાંટા ચમચીએ તો વળી કેમ કરીને ખવાય?

પલાઠી વાળીને બેસીએ બાજોઠે હોય રોટલા,

આ વળી ટેબલ ખુરશીથી બઉ કંટાળી જવાય.

પીરસાયેલી થાળીએ પરમેશ્વર ને યાદ કરીએ,

ભર્યા ભણાની સેલ્ફીયું લેવી અમને નઈ પોહાય.

સાચું ખાણું આ જ છે, તૃપ્ત આનાથી થવા દયો,

આવે જે અમીનો ઓડકાર, એ ખાણુ કેમ ભુલાય?

– સાભાર વસુર રબારી (ગીરના ચાહકો)