સાત વહુઓ વાળા ઘરમાં રસોઇને લઈને થતી હતી ખટપટ, પછી નવી વહુએ જે કર્યું તે દરેકે જાણવું જોઈએ.

0
7965

એક શ્રીમંત શેઠને સાત પુત્રો હતા. તેમાંથી છ ના લગ્ન થઈ ગયા હતા. અંતે સાતમાં પુત્રના પણ લગ્ન થયા અને ઘરમાં સાતમી વહુ આવી. તે સત્સંગી માં-બાપની દીકરી હતી. બાળપણથી જ સત્સંગમાં જવાથી તેના જીવનમાં પણ સત્સંગ સ્થાયી થઈ ગયો હતો. સાસરિયામાં ઘરનું બધું કામ નોકરો જ કરે છે, જેઠાણીઓ ફક્ત ભોજન બનાવે, પણ એમાં પણ ખટપટ થતી રહે છે. સૌથી નાની વહુને સંસ્કાર મળ્યા હતા કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ અને પ્રેમથી બધા સાથે હળીમળીને જીવન જીવવું જોઈએ. પોતાનું કામ જાતે કરવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

તેણીએ એક યુક્તિ શોધી કાઢી અને વહેલી સવારે સ્નાન કર્યા પછી, શુદ્ધ વસ્ત્રો પહેરીને રસોડામાં પહેલેથી જ પ્રવેશી ગઈ. જેઠાણીઓએ તેને ટોકી પણ તેણીએ ખૂબ પ્રેમથી રસોઈ બનાવી અને બધાને પ્રેમથી ખવડાવ્યું. બધા ખૂબ જ સંતુષ્ટ અને ખુશ થયા.

તે દિવસે સાસુ પોતાની નાની વહુ પાસે ગઈ અને કહ્યું : “વહુ! તું સૌથી નાની છે, તું રસોઈ કેમ બનાવે છે? તારે તો છ-છ જેઠાણીઓ છે.”

વહુએ પૂછ્યું : “મમ્મી! જ્યારે ઘરે કોઈ ભૂખ્યો મહેમાન આવે તો તમે તેને ભોજન કેમ કરાવો છો?”

“વહુ! શાસ્ત્રોમાં લખ્યું છે કે અતિથિ એ ભગવાનનું રૂપ છે. ભોજન મેળવીને તે તૃપ્ત થાય તો ભોજન કરાવનારને મોટું પુણ્ય મળે છે.” સાસુ તેને સમજાવતા બોલી.

“મમ્મી! જો મહેમાનને ખવડાવવું એ પુણ્ય છે, તો શું ઘરના સભ્યોને ખવડાવવું એ પાપ છે? મહેમાનમાં ભગવાનનું સ્વરૂપ હોય તો ઘરના બધા લોકો પણ ભગવાનનું સ્વરૂપ છે ને, કારણ કે ભગવાન વાસ તો દરેક જીવ માત્રમાં છે. અને મમ્મી, અન્ન તમારું, વાસણો તમારા, બધું જ તમારું છે, હું થોડી મહેનત કરીને રસોઈ બનાવીને, બધામાં ભગવદભાવ રાખીને થોડી સેવા કરીશ તો મને પણ પુણ્ય થશે કે નહીં? બધા પ્રેમથી ભોજન કરીને તૃપ્ત થશે, પ્રસન્ન થશે તો કેટલો લાભ થશે. એટલે મમ્મી! તમે મને રસોઈ બનાવવા દો. હું થોડી મહેનત કરીશ તો મારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.”

સાસુએ વિચાર્યું કે વહુની વાત તો સાચી છે. અમે આને સૌથી નાની ગણીએ છીએ પણ તેની બુદ્ધિ સૌથી શ્રેષ્ઠ છે.

બીજા દિવસે સાસુ વહેલી સવારે સ્નાન કરીને રસોઈ બનાવવા બેસી ગઈ. વહુઓએ જોયું તો બોલી – “મમ્મી! તમે શા માટે મહેનત કરો છો?”

સાસુએ કહ્યું : “તમારી ઉંમર કરતાં મારી ઉંમર વધારે છે. હું જલ્દી દુનિયા છોડી જતી રહીશ. તો હું અત્યારે પુણ્ય નહીં કરું તો ક્યારે કરીશ?”

વહુઓ બોલી : “મમ્મી! આમાં શું પુણ્ય છે? આ તો ઘરનું કામ છે.”

સાસુએ કહ્યું : “શું ઘરનું કામ કરવું એ પાપ છે? જ્યારે ભૂખ્યા લોકોને અને સાધુઓને ભોજન કરાવવું એ પુણ્ય છે, તો શું ઘરના સભ્યોને ખવડાવવું એ પાપ કહેવાય? દરેકમાં ભગવાનનો વાસ છે.”

સાસુની વાત સાંભળીને બધી વહુઓને લાગ્યું કે, અમે આ બાબતની ક્યારેય કાળજી લીધી નથી. આ યુક્તિ ખૂબ સારી છે! હવે જે વહુ વહેલા ઉઠતી તે રસોઇ બનાવવા બેસી જતી.

પહેલાં એવો ભાવ હતો કે ‘તું રસોઈ બનાવ…’ ત્યારે છ વારા બંધાતા, પણ હવે ‘હું બનાવીશ, હું બનાવીશ…’ એવો ભાવ થયો તો આઠ વારા બંધાયા. બે વ્યક્તિ વધુ ઉમેરાયા – સાસુ અને નાની વહુ.

કામ કરવામાં તું કર, તું કર…. એવા કરવામાં કામ વધી જતું હતું અને વ્યક્તિ ધટી જતા હતા, પણ હવે હું કરું, હું કરું… ને કારણે કામ હળવું થઈ ગયું અને વ્યક્તિ વધી ગયા.

નાની વહુ ઉત્સાહી હતી, તેણીએ વિચાર્યું કે હવે તો ચોથા દિવસે રોટલી બનાવવાનો વારો આવે છે, તો શું કરવું? ઘરમાં ઘઉં દળવાની પહેલાના વખતની ઘંટી હતી, તે ઘઉં દળવા લાગી. મશીન વાળી ઘંટીનો લોટ ગરમ ગરમ કોથળીમાં ભરવાથી તે બળી જાય છે, તેની રોટલી સ્વાદિષ્ટ નથી લાગતી, પણ હાથથી દળેલો લોટ વધુ ઠંડો અને વધુ પૌષ્ટિક હોય છે અને તેની રોટલી પણ સ્વાદિષ્ટ હોય છે. નાની વહુએ ઘઉં દળીને તેની રોટલી બનાવી તે ખાઈને બધાં કહેવા લાગ્યાં, ‘આજે તો રોટલીનો સ્વાદ જ અનોખો છે!

સાસુએ કહ્યું: “વહુ! તું ઘઉં કેમ દળે છે? આપણી પાસે પૈસાની અછત નથી.”

“મમ્મી! હાથથી ઘઉં દળવાથી કસરત થાય છે અને બીમારી પણ નથી થતી. બીજું, રસોઇ બનાવવા કરતા ઘઉં દળવા વધુ પુણ્યકારક છે.”

જ્યારે સાસુ અને જેઠાણીઓએ આ વાત સાંભળી તો તેમને લાગતું કે નાની વહુ સાચી છે. તેમણે પોતપોતાના પતિઓને કહ્યું : ‘ઘરમાં એક ઘંટી લાવો, અમે બધા ઘઉં દળીશું.’ દરરોજ બધી જેઠાણીઓ ઘંટીમાં અઢી સેર ઘઉં દળવા લાગી.

હવે નાની વહુએ જોયું કે ઘરમાં એઠા વાસણો સાફ કરવા કામવાળી આવે છે. તેણે વિચાર્યું કે, આપણે આપણા એઠા વાસણો જાતે જ સાફ કરવા જોઈએ કારણ કે ભગવાન દરેકમાં છે, તો પછી બીજા કોઈએ આપણા એઠા વાસણો કેમ સાફ કરવા જોઈએ!

બીજા દિવસે તેણીએ બધા વાસણો ધોઈ નાખ્યા. સાસુએ કહ્યું : “વહુ! વિચાર તો કર, વાસણો ધોવાથી તારા દાગીના ઘસાઈ જશે, કપડાં બગડી જશે…”

“મમ્મી! કામ જેટલું નાનું તેટલું તેનું મહત્વ વધારે છે. ભગવાન કૃષ્ણએ પાંડવોના યજ્ઞમાં એઠા પતરાળા ઉપાડવાનું કામ કર્યું હતું.”

બીજા દિવસે સાસુ વાસણ ધોવા બેસી ગઈ. તેને જોઈને બધી વહુઓએ વાસણ ધોવાનું શરુ કરી દીધું.

એક નોકર ઘરમાં સાફ સફાઈ કરવા આવતો તો. હવે નાની વહુએ વહેલી સવારે ઊઠીને સાવરણી લીધી અને સફાઈ કરવા લાગી.

સાસુએ પૂછ્યું : “વહુ! તું સફાઈ કેમ કરે છે?”

“મમ્મી! મને પૂછશો નહીં. હું તમને કહું તો તે કામ મારા હાથમાંથી નીકળી જાય છે.”

“સફાઈ કરવી એ નોકરનું કામ છે, તું શું કામ કરે છે?”

“મમ્મી! રામાયણમાં આવે છે કે મહાન ઋષિ-મુનિઓ જંગલમાં રહેતા હતા, પરંતુ ભગવાન તેમની ઝૂંપડીમાં પહેલા ન ગયા અને શબરીની ઝૂંપડીમાં સૌથી પહેલા ગયા હતા. કારણ કે શબરી દરરોજ છુપી રીતે ઝાડું લગાવતી હતી, પંપાસરોવરનો રસ્તો સાફ કરતી હતી કે જેથી ત્યાં આવતા ઋષિઓના પગમાં કાંકરા ન વાગે.

સાસુએ જોયું કે, આ નાની વહુ તો બધાને લૂ ટી લેશે કારણ કે તે એકલી જ બધાનું પુણ્ય લઇ રહી છે. હવે સાસુ અને વહુ બધા ભેગા મળી સફાઈ કરવા લાગ્યા.

જે ઘરમાં એકબીજા વચ્ચે પ્રેમ હોય છે ત્યાં લક્ષ્મી વધે છે અને જ્યાં મતભેદ હોય છે ત્યાં દરિદ્રતા આવે છે.

શેઠની સંપત્તિ દિવસેને દિવસે વધવા લાગી. તેમણે ઘરની બધી સ્ત્રીઓ માટે ઘરેણાં અને કપડાં લીધા. હવે નાની વહુ સસરા તરફથી મળેલા દાગીના લઈને મોટી જેઠાણી પાસે ગઈ અને કહ્યું : “તમને બાળકો છે, તેમના લગ્ન કરશો ત્યારે ઘરેણાં લેવા પડશે. મારે તો અત્યારે કોઈ સંતાન નથી. તો આ ઘરેણાં તમે રાખો.”

જેઠાણીને દાગીના આપીને નાની વહુએ થોડા પૈસા અને કપડાં નોકરોમાં વહેંચ્યા. જ્યારે સાસુએ આ જોયું તો પૂછ્યું : “વહુ! તું શું કરે છે? તારા સસરાએ બધાને ઘરેણાં આપ્યા છે તો તુંએ તારા ઘરેણાં જેઠાણીને કેમ આપ્યા અને પૈસા અને કપડાં નોકરોમાં કેમ વહેંચ્યા?”

વહુ બોલી : “મમ્મી! આટલું બધું ભેગું કરીને હું એકલી શું કરીશ? આપણી વસ્તુ કોઈ જરૂરિયાતમંદને ઉપયોગી થાય તો આપણને આત્મિક સંતોષ મળે છે અને દાન કરવાનું પુણ્ય મળે છે!”

સાસુને વહુની વાત ગમી ગઈ. તે શેઠ પાસે ગઈ અને બોલી : “હું નોકરોમાં ધોતી અને સાડી વહેંચીશ અને નજીકમાં રહેતા ગરીબ પરિવારના બાળકોની ફી ચૂકવીશ. આપણી પાસે કેટલા પૈસા છે, તે કોઈને મદદરૂપ થાય તો સારું. ન જાણે ક્યારે આપણે દુનિયા છોડીને જતા રહીશું અને આ બધું અહીં જ રહી જશે.” આપણા હાથથી જેટલા પુણ્ય કાર્યો થાય એટલું સારું છે.

શેઠ એ જોઇને ખૂબ ખુશ થયા કે, જે વ્યક્તિ પહેલા હું નોકરોને કંઈક આપતો ત્યારે ઝઘડતી હતી, તે હવે કહે છે કે ‘હું જાતે આપીશ’. નોકરો પણ ખુશ થઈને સારી રીતે કામ કરવા લાગ્યા અને મહોલ્લામાં ખુશી છવાઈ ગઈ.

શ્રેષ્ઠ માણસ જેવું આચરણ કરે છે, તેને જોઇને અન્ય મનુષ્યો પણ એવું જ આચરણ કરે છે. તે જે કંઈ સાબિત કરે છે, અન્ય મનુષ્યો તે પ્રમાણે જ વર્તે છે.

નાની વહુએ કરેલા વર્તનથી તેનું ઘર સુધર્યું એટલું જ નહીં, પાડોશમાં પણ તેની સારી અસર પડી, તેમના ઘર પણ સુધર્યા. આપવાની ભાવનાથી એકબીજામાં પ્રેમ અને ભાઈચારો વધ્યો. આ રીતે સત્સંગમાંથી મળેલી સુઝબુઝથી ઘણા ખરો ખુશાલ થયા.