સાચા ધનવાન, દિવાળીની સફાઈ અને ફટાકડાની આ વાત સમજવા જેવી છે.

0
387

સાચો ધનવાન (એક સંસ્મરણ)

– સી. ડી. કરમશીયાણી

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. આજુ બાજુ બધે ઘરો ની સફાઈ ચાલુ છે. ધરતીકંપને વીસ વીસ વર્ષ ના વાણા વ્હાઇ ગયા છે. બધા મકાનો પાકા છે. ક્યાંય ગાર માટી નથી ત્યારે દિવાળી ની સફાઈ ની વિધી પણ જાણે આધુનિક થઈ ગઈ છે. માં પૂછે છે “આ આજુબાજુ રોજ સેના મશીન ચાલુ છે. બપોરે હુવા નથી દેતા.”

હું સમજાવું છું કે ” માં એ દિવાળી ની સફાઈ ચાલુ છે.” એનું આશ્ચર્ય દૂર કરવા માટે બ્લોર મશીન થી ખુણા ખાંચા સાફ થઈ જાય. તે હવા ઉડાડે. ઘરમાં જરાય રજ ના રે એ મશીન થી. એ બ્લોર મશીનનો અવાજ છે.” માં રાજી થઈ ને કે છે કે ” તો તુયે એનાથી જ કરજે. ટાણે સફાઈ થઈ જાય.”

મા ની વાત નો અમલ થાય છે. બ્લોર આવી ગયું ને ઝીણી સિસોટી વગાડતું સાફ કરતું જાય છે. ને મા નો રાજીપોય એટલે વધે છે કે આ તો હારુ કેવાય જપાટો થાય. એના આ વાક્ય થી મને થોડીક ઠેસ પણ પહોંચે છે કારણકે એ વાક્ય પાછળ દિવાળી ની સફાઈ નો ઉત્સાહ નથી દેખાતો. મશીન થી થતી સફાઈ અને તેના જેવી જ જાણે યંત્ર વત લાગણીઓ.

દિવાળી જેવા મહાપર્વ ની સાફ સુફી એ એક જાણે ઉત્સવ ગણાતો..! ભલે કાચી માટી ના ઘર હોય પણ એક એક દીવાલ ને ચોમાસા પહેલા ગામ ના પાદર ના તળાવ માંથી એની પથરો ની બખોલો માંથી મોટા બહેનો સાથે ગમેલા અને અણીદાર કૉસ લઈ, ઘોડી બગલા જેવી માટી સંગ્રહી રાખતા.

એ માટી ને આગલા દિવસે પાણી આ પલાળી ને બીજા દિવસે ઘર ની રસોઈ ની જ એલ્યુનોનીયમ ની મોટી તપેલી માં એ માટી માં 2 રૂપિયા ની બ્લ્યુ ગડી નું પેકેટ ઠાલવીને માં કે બહેન ના જુના કપડાં ના જાડા ગાભા થી, લાકડી ની સીડી પર મોટા બહેન ચડે અને છેક નળીયા ના મોભ નીચે થી એ પોતા સાથે હાથ ફરતો જાય. નીચે સીડી પકડી રાખનાર ને મોઢામાં માટીના સફેદ છાંટા ઉપરથી પડે ને મોઢું કાબર ચિતરું થઈ જાય. ને ઘરના ભાંડરૂ આની પણ મોજ લે …!!!!

જોત જોતા માં ચૂલા ના ધુમાડા થી વર્ષ દરમ્યાન કાળી પડેલી દીવાલો બહેન ના વહાલ સોયા હાથ થી ધોળી ધોળી બગલા જેવી થઈ જાય. બધા ની આખું આહ મસ્ત થઈ ગયું એમ જાણે બોલે. આ ભાવ પકડી ને મોટા બહેન ઉત્સાહ વધારતા બોલે “હજી હુકાવા ઘ્યો પછી જોજો ….!!”

આમને આમ આખું ઘર છાણ માટી થી બહેનોના સ્પર્શ થી જીવંત બની ઉઠતું. દીવાલો પણ દિવાળી ટાણે જાણે ઘર ના વડીલ સભ્ય ની જેમ સફેદ કપડાં પહેરી ને શોભા વધારતી હોય.

ને એ ધોળી દીવાલો માં મોટા ભાઈ પાસે મનગમતી રંગોળી ચિતરાવે. ને વળી બારસાખે બાંધવાના દીવાળીના ખાસ બહેનો એ એના હાથ થી બનાવેલ ભરતવાળા તોરણો ડામચીયામાંથી કાઢી ને બંધાય. તો વળી ગયા વર્ષે દિવાળી ના ટપાલ માં રામ રામ નું દિવાળી કાર્ડ આવ્યું હોય એ ને ઘર ના મુખ્ય દરવાજા ની બારસાખે ખોસે જે મુંબઈની મોટી બિલ્ડિંગ નું હોય. એ જોઇ ને અમે કેતા આપણે આવા પાકા બંગલા માં રહેવા જશુ…!! કેવો વિરોધાભાસ.

માટી ના કાચા મકાન માં રહેતા હતા ત્યારે પાકા મકાનના ફોટા રાખતા હતા સને એની તમન્ના હતી. ને અત્યારે જ્યારે પાકા મકાનમાં રહીએ છીએ તો કાચી માટીની મડવર્ક ફ્રેમ માં અમારા ફોટા રાખીએ છીયે અને દીવાલ પર શો પીસ તરીકે કાચી માટી ના ભૂંગા ના દ્રશ્યો વાળા ચિત્રો રાખીયે છીએ…!!!!!

આમ ભરત ભરેલા તોરણો ને નવા ગોદડા ડામચીયા માંથી દિવાળીના નીકળે ને ઘર એક સ્વર્ગ બની જાય. ને પહોચી આવે દિવાળી…..!!

સ્મરણોની છુક છુક ગાડી ક્યાય આડા અવડા પાટે ચડે ત પહેલા આપણી ગાડી ને સીધે પટે લાવીએ તો.

બ્લોર થી ઘર નો એક એક ખૂણો સાફ થતો જાય છે. રજકણો થી એકઠા થયેલા ભૂખરા રંગ ના કપાસ ની પૂણી જેવા ડૂચા રૂમ ની વચ્ચે આવી ને ઉછળવા લાગે છે એવા જ ભૂતકાળ ના કેટલાય સ્મરણો ના ડૂચા મારા માંથી બહાર નીકળવા કોશિશ કરે છે. સ્મૃતિઓનું બ્લોર પ્રેસર કરી ને ઘટનાઓના ડૂચા બહાર ફેંકવા મજબુર કરે છે…!

બ્લોર નો એક ફુફાળો દિવાલ પર ગયો જ્યાં દર વર્ષે મારાજ લક્ષ્મીજી નું નાનું ફોટું ઘઉં ના લોટ ના લોદા થી ચોંટાડી ગયા હતા તેના પર પડે છે. ને લક્ષ્મીજી નું એ પરંપરાગત ફોટું ઉડી ને નીચે પડે છે. બ્લોર અટકી જાય છે પણ સ્મરણોનું બ્લોર મોટો ફુફાળો મારે છે ને ભૂતકાળની ઘટના પર ચોંટેલી ધૂળ ને એક ઝાટકે ઉડાડે છે.

દિવાળી ના દિવસે રાત્રે એટલે સાંજે 8 થી 9 વાગ્યા માં પૂજન થતું એ પણ બજાર માં આવેલી દુકાનો માં વેપારી કરાવે. ઘરો માં એ વખતે બધા આ લક્ષમી પૂજન ના કરાવતા. પણ મારા ઘરે અચૂક થતું. ગામના બેચરલાલ મારાજ બધા વેપારી નું લક્ષમી પૂજન કરવા જાય. પણ મારા બાપુજી મારાજ ને થોડા વેળાસર ઘરે લઈ આવે. અમારા ઘરે લક્ષમી પૂજન થાય એને વેપારીઓ હાસ્યાસ્પદ મુદ્દો ગણે. વારંવાર માણસ મોકલે. ” હાલો મારાજ શેઠ રાહ જુવે છે દુકાને.” પણ મારા ઘરે થી મારાજ જવાનું નામ ના લે.

એક પાટલા પર થોડું અનાજ પાથરી ને એક પોતેજ લાવેલ લક્ષ્મી જીની નાની મૂર્તિ ને અબીલ ગુલાલ ને બાપુજી પાસે કોઈ મેલા ઘેલા સિક્કા હોય એ રાખે, ને દીવો પ્રગટાવી ખાંડ ની પ્રસાદી થી સાવ સાદું પૂજન કરે, ને ગોળ વાળી ચા પીએ. બાપુજી સાથે અલક મલક ની વાતો કરે. બેચરલાલ મારાજ ને શરીરે કોઢ ના દાગ હતા પણ મન એટલું પવિત્ર ને નિસ્વાર્થ કે જીવન આખું બેદાગ ….!!

દક્ષિણા માં પણ ખાસ કંઈ નહીં એ મુકેલા સિકા માંથી પણ મારાજ એકાદ સિક્કો પાછો આપી દે. એને ખબર હતી કે આ ઘરમાં સિક્કાઓ કેટલા છે…!!!

વેપારી ની રાડા રાડ વચ્ચે અમારા ઘર ના લક્ષમી પૂજન થી સતુષ્ટ મારાજ પહોંચે દુકાને. ત્યાં વેપારી ની વઢ ખાય અને સણસણતા સવાલો નો સામનો કરે.” મારાજ એ દેવશીભાઈ ના ઘરમાં હાંડલા કુસ્તી કરે છે ને ત્યાં કેવું લક્ષમી પૂજન કરવા પોચી જાવ છો, શુ દક્ષિણા દીધી તમને. દર વર્ષે તમારો આ જ કંટાળો. દેવશીભાઈ ને પૂછ્યું છે કે અહીં દુકાનની ઉધારી ચૂકવી કે નહીં? એ શું દક્ષિણા દેશે!”

પણ બેચરલાલ મારાજ હળવે થી કેતા એ દેશે એ તમારાથી નહિ દેવાય. એ સાચો ધનવાન છે. હાલો કરો તૈયારી. ઓમ સ્વસ્તિના.

એમ કરી વાત ને ટૂંકાવી ને મારાજ પૂજન માં લાગતા મેં આ બધું ત્યારે સાંભળ્યું કે મારાજ ભેગો હું પણ દુકાન માં કંઈક લેવા આવ્યો હતો. જે બાપુજી એ મુક્યો હતો. વેપારી ને ખબર હતી કે આ એનો છોકરો છે. હું નાનો હતો એટલે એને બીક નોહતી એવું નહીં. પણ ઘરની ગરીબી સામે એ બળુકા હતા…!!

ઘરે આવી ને કીધું કે મારાજ ને વઢ પડી.

બીજા દિવસે જ્યારે નવા વર્ષે રામ રામ કરવા નીકળ્યા ત્યારે વેપારીએ બાપુજી નું મીઠું મીઠું અપમાન પણ કરી લીધું.. ને કીધું.” કેમ દેવશીભાઈ ક્યાંક થી લક્ષ્મીજી નો મેડ પડી ગયો લાગે છે. બહુ લક્ષ્મીપૂજન કરાવો છો ને કઈ?”

“એ તો દર વર્ષે મારાજ ને લાગણી એટલે કાલા વાલા કરીયે.” બાપુજી નમ્રતા થી કહેતા એટલે વેપારીએ દાઢ માંથી કહ્યું “ના ના આ તો આટલા મોટા ખેડુ કોઈ ઘરે પૂજન નથી કરાવતા ને તમે કરાવો છો એટલે કોઈ સોના ચાંદી ના સિકા નો મેડ પડી ગયો હોય ક્યાંક… કઈ વાંધો નહીં… આજે તો પડવો છે એટલે વધુ નથી કેતો પણ પછી ઉધારી ચૂકવી જજો. ટાણેસર મારાજ ને દક્ષિણા દયો છો તો પછી ઉધારીયે ચૂકવાય ને!” એમ કહી લક્ષમી છાપ ફટકડા જેવો મોટો ધડાકો કર્યો.

એ દિવસ પછી બાપુજી એ લક્ષમી પૂજન તો ના છોડ્યું પણ મારાજ ને પેલા વેપારી ના અભિમાની સિક્કાનું પેલું પૂજન કરી ને પછી જ અમારા એ મેલા ઘેલા સિક્કાનું પૂજન કરવા કહ્યું.

“હવે વેલો આ ટાણે કર ને આ લછમી માતા નું ફોટું રાખવુ હે કે શું કરવું હે… પધરાવી આવજે પાણી માં.. મારાજ આમેય નવા લછમી ચોંટાડવા આવશે.”

મા ની આ ટકોરે મને પાછો વર્તમાન માં લાવી દીધો….!!

મા નો રાજીપો એ વાત નો હતો કે ટાણે સફાઈ થઈ જાય…!

આમેય કો-રો-ના માં ક્યાં લોકો એક બીજા ના ઘરે જશે….!

વળી સામુહિક સ્નેહ મિલન ના લીધે આમેય હવે ઘરો ઘર ફરવાની તો જાણે પ્રથા જ ભૂતકાળ થઈ ગઈ.

પણ લક્ષમી પૂજન નો મહિમા હજી હું પૂરો સમજ્યો નથી…. એ વેપારી ના રુઆબ માં છે.. કે દિવાળી ની રાત્રે લક્ષ્મીપૂજન કરી ને એ જ રાત્રે લક્ષમી છાપ ફટાકડો કે જેમાં ઉભા લક્ષમી જી નો ફોટો હોય ને બને હાથ માંથી ધન વર્ષા થતી હોય. આવા ફોટા વાળા ફટાકડા ને દિવાસળી દઈ ધડાકા સાથે એજ લક્ષમી જી ના ફુરચે ફુરચા ઉડાડવામાં.

જે પછી બિલકુલ લાલચ ન રાખનાર. ગરીબ ઘરે લક્ષમી જી રહે તે ભાવના થી ગરીબ ના ઘરે લક્ષમી પૂજન કરનાર બેચરલાલ મારાજમાં… કે મારા બાપુજીમાં? પણ એક વાત ચોક્કસ કે ભલે અમારે ત્યાં આજેય કદાચ એટલી લક્ષમી નહિ હોય.

પણ બાપુજી ના વાવેલા અમારામાં સંસ્કારોના પૂજને જ અમને સાચા ધનવાન બનાવ્યા છે.

આમેય શાસ્ત્રો પ્રમાણે અષ્ટપ્રકારે લક્ષ્મી હોય છે. એમાં એક આરોગ્ય લક્ષ્મી પણ છે એટલે આ કો-રો-ના કાળ માં આરોગ્ય લક્ષમી જી ની જ જરૂર છે. અને કહેવાય છે ને લક્ષમી નો ઢગલો હશે પણ શરીર બરાબર નહીં હોય તો એ લક્ષ્મીજીનું શુ કરવુ! અને હવે પછીના આવા મહામારી ના યુગ માં જેનું સ્વાસ્થય સારું હશે એ જ સાચો ધનવાન ગણાશે.

ચાલો દિવાળી આવી ગઈ. લક્ષ્મી પૂજન ની તૈયારી કરીયે.

– સી. ડી. કરમશીયાણી (અમર કથાઓ ગ્રુપ)