જાણો કેવી રીતે એક સંતે મજુરનું ઉદાહરણ આપીને પોતાના શિષ્યને શીખવાડ્યો સફળતાનો મંત્ર.
કામ કોઈ પણ હોય, જો આપણે તેને બોજ માનીને કરીશું તો આપણા મનને ન તો શાંતિ મળશે, અને ન તો તે કામમાં આશા અનુસાર સફળતા મળી શકશે. આ સંબંધમાં એક લોક કથા પ્રચલિત છે. આવો તે કથા દ્વારા આ વાત સમજીએ.
કથા અનુસાર પહેલાના સમયમાં એક સંત પોતાના શિષ્યો સાથે ધર્મનો પ્રચાર કરવા માટે યાત્રા કરી રહ્યા હતા. તે દરમિયાન તે અલગ અલગ જગ્યાઓ પર રોકાતા હતા અને લોકોને ઉપદેશ આપતા હતા. એક દિવસ તે એવી જગ્યા પર પહોંચ્યા જ્યાં કોઈ નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું.
સંત તે જગ્યા પર પહોંચ્યા તો ત્યાં ઘણા મજુર પથ્થરોને કોતરી રહ્યા હતા. તે સંતે એક મજુરને પૂછ્યું કે, અહીં શું બની રહ્યું છે?
તે મજુર ગુસ્સામાં હતો. તેણે જોરથી કહ્યું કે, મને નથી ખબર, આગળ જાવ બાબા.
સંત ત્યાંથી થોડા આગળ ગયા. તે બીજા એક મજુર પાસે પહોંચ્યા. સંતે તેને પણ એજ પૂછ્યું કે અહીં શું બની રહ્યું છે?
બીજા મજુરે કહ્યું કે, ગુરુજી એ વાત સાથે મારે શું લેવાદેવા. અહીં જે બને તે. હું તો અહીં ફક્ત મજૂરી કામ કરી રહ્યો છું. આખો દિવસ કામ કર્યા પછી સાંજે પૈસા મળી જાય છે એટલું બસ છે.
પછી સંત ત્યાંથી થોડા આગળ ગયા. હવે તે અન્ય એક મજુર પાસે પહોંચ્યા. તેમણે તે મજુરને પૂછ્યું કે, અહીં શું બની રહ્યું છે?
તે ત્રીજા મજુરે સંતને પ્રણામ કર્યા અને બોલ્યો ગુરુજી અહીં મંદિર બની રહ્યું છે. ગામમાં કોઈ મંદિર ન હતું. પણ આ મંદિર બની ગયા પછી અમારે પૂજા કરવા માટે દૂર નહિ જવું પડે.
પછી સંતે તેને પૂછ્યું કે, શું તને આ કામથી આનંદ મળે છે?
તે મજુર બોલ્યો – હા, આ મંદિરના બનવાથી હું ઘણો ખુશ છું. મને આ કામમાં ઘણો આનંદ મળે છે. છીણી-હથોડાના અવાજમાં મને સંગીત સંભળાય છે.
આ વાત સાંભળીને સંતે પોતાના શિષ્યને કહ્યું કે, જુઓ આ જ સુખી જીવનનું સૂત્ર છે. આજ છે સફળતાનો મંત્ર. જે લોકો પોતાના કામને બોજ માને છે, તે હંમેશા દુઃખી રહે છે અને જે લોકો પ્રસન્ન થઈને પોતાનું કામ કરે છે, તે હંમેશા સુખી રહે છે. જો આપણે આપણો દ્રષ્ટિકોણ બદલી દઈશું, તો જીવનમાં સુખ-શાંતિની સાથે જ સફળતા પણ મળી શકે છે.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.