સાધુને થઈ ખજુર ખાવાની ઈચ્છા, તેના લીધે તે રાત્રે ઊંઘી પણ શક્યા, બીજા દિવસે જે થયું તે સમજવું જરૂરી છે.

0
2122

કેટલાક લોકો આજીવન ઈચ્છાઓની પાછળ ભાગતા રહે છે. એક ઇચ્છા પૂરી થાય છે કે તરત બીજી શરૂ થઈ જાય છે. ઈચ્છાઓનો કોઈ અંત નથી. ક્યારેક ખાવા-પીવાની ઈચ્છા, ક્યારેક પૈસાની તો ક્યારેક બીજી કોઈ વસ્તુની ઈચ્છા માણસને દોડવ્યા કરે છે.

દરેક મનુષ્ય ઈચ્છાઓની પૂર્તિ માટે કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના રાત-દિવસ તેની પાછળ લાગ્યા રહે છે. ક્યારેક તેમની પાછળ આપણી દિવસની શાંતિ અને રાતની ઊંઘ પણ છીનવાઈ જાય છે. આજે અમે તમને એવા જ એક પસંગ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સાર એ છે કે ઈચ્છાઓની પૂર્તિ ક્યારેય શક્ય નથી, તેથી વ્યક્તિએ જીવનને માત્ર સંતોષથી જીવવું જોઈએ.

સાધુના મનમાં આવી ખજૂર ખાવાની ઈચ્છા :

એક સાધુ ગામની બહાર જંગલમાં પોતાની ઝૂંપડી તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં એક બજાર હતું. બજારમાંથી પસાર થતી વખતે એક દુકાનમાં રાખેલી ઘણી બધી ટોપલીઓ પર સાધુની નજર પડી. તેમાં ખજૂર રાખવામાં આવ્યા હતા. ખજૂર જોઈને સાધુનું મન લલચાઈ ગયું. તેમના મનમાં ખજૂર ખાવાની ઈચ્છા જાગી, પરંતુ તે સમયે તેમની પાસે પૈસા નહોતા. આથી તે પોતાની ઝૂંપડી તરફ ચાલતા રહ્યા.

ઝૂંપડીમાં પહોંચ્યા પછી પણ ખજૂરોનો વિચાર સાધુના મનમાંથી બહાર નીકળી શક્યો નહીં. તે ફક્ત તેના વિશે જ વિચારતા રહ્યા. તે સાધુ રાત્રે સારી રીતે ઉંઘી પણ ન શકયા. બીજા દિવસે સવારે જ્યારે તે જાગ્યા ત્યારે તેમણે ખજૂર ખાવાની ઈચ્છા પૂરી કરવા માટે પૈસાની વ્યવસ્થા કરવાનું વિચારવાનું શરૂ કર્યું.

સુકા લાકડા વેચીને ખજૂર ખરીદવા માટે પૈસા વ્યવસ્થા થઈ જશે, એમ વિચારીને તે જંગલમાં ગયા અને સૂકા લાકડા ભેગા કરવા લાગ્યા. ઘણા બધા લાકડા ભેગા કર્યા બાદ તેને બાંધીને ખભા પર ઊંચકીને તે બજાર તરફ જવા લાગ્યા.

લાકડાઓનું વજન વધારે હતું, આથી તેને ઊંચકીને બજાર સુધી જવું સરળ નહોતું. પણ સાધુ રહ્યા. થોડી વાર પછી તેમના ખભામાં દુ:ખાવો થવા લાગ્યો તેથી તે આરામ કરવા માટે એક જગ્યાએ રોકાઈ ગયા. થોડીવાર આરામ કર્યા પછી તેમણે ફરીથી લાકડીઓ ઉપાડી અને ચાલવા લાગ્યા. એ જ રીતે, વચ્ચે-વચ્ચે આરામ કરતા કરતા તે લાકડા લઈને બજારમાં પહોંચ્યા.

તેમણે તમામ લાકડાં બજારમાં વેચી દીધા. હવે તેમની પાસે ખજૂર ખરીદવા માટે પૂરતા પૈસા હતા. તે ખૂબ જ ખુશ થયા અને ખજૂરની દુકાને પહોંચ્યા. બધા પૈસાથી તેમણે ખજૂર ખરીદ્યા અને પોતાની ઝૂંપડી તરફ પાછા જવા લાગ્યા.

ઝૂંપડી તરફ જતી વખતે તેમના મનમાં એક વિચાર આવ્યો કે, આજે મને ખજૂર ખાવાની ઈચ્છા થઈ, અને કદાચ કાલે કોઈ બીજી વસ્તુની ઈચ્છા થશે. ક્યારેક નવા કપડાંની ઈચ્છા જાગશે તો ક્યારેક સારા ઘરની. હું તો સંતપુરુષ છું. આ રીતે ચાલતું રહ્યું તો હું સામાન્ય માણસોની જેમ ઈચ્છાઓનો ગુલામ બની જઈશ.

તે સાધુએ ખજૂર ખાવાનો વિચાર છોડી દીધો. રસ્તામાં તેમને એક ગરીબ માણસ મળ્યો. સાધુએ તેને ઉભો રાખ્યો અને બધા ખજુર તેને આપી દીધા. આ રીતે તેમણે પોતાને ઈચ્છાઓના ગુલામ બનવાથી બચાવી લીધા.

બોધ : જો આપણે આપણી બધી ઈચ્છાઓ સામે હારી જઈશું, તો આપણે હંમેશ માટે આપણી ઈચ્છાઓના ગુલામ બની જઈશું. મન ચંચળ છે. તેમાં ઈચ્છાઓ ઉત્પન્ન થતી રહે છે. તે યોગ્ય અને અયોગ્ય પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.