સહ પરિવાર ‘બંધન’ નહિં પણ જીવનનો સાચો ‘પર્યાય’ છે, આ વાત સમજવા માટે આ કવિતા વાંચો.

0
805

એક પાંદડું, જીદે ચડ્યું, થયું નિજ પરિવારથી જુદું…

ઝાડથી છૂટું પડીને એ પાંદડું ખૂબ હરખાય છે

હાશ ! છૂટયા હવે આ ભીડથી, મન થી એ મલકાય છે.

વાયુ સાથે વહેતું વહેતું આમ તેમ લહેરાય છે,

સૃષ્ટિ બહારની ખૂબ સુંદર છે ! એને એવું મનમાં થાય છે,

ઝાડ પર રહ્યાં ચિપકીને ત્યાં આમ ક્યાં રખડાય છે !

યાં તો બસ બીજાઓ, મારી સાથે રોજ અથડાય છે,

અહીં તો વાયુ સાથે મજેથી ઉડીને જવાય છે,

ને ઝરણની સાથે ખળખળ ગીતો મજાના ગવાય છે.

પાણી સાથે ઉછળતાં ને કૂદતાં મલકાય છે,

પણ સુખ ક્ષણભંગૂર છે એ એને ક્યાં સમજાય છે.

ઝરણમાંથી વહેતું જ્યારે કિનારે પહોંચી જાય છે,

જાનવરોનાં ખર નીચે જ્યારે ખૂબ રગદોડાય છે.

પીડાથી કણસતું એ હવે ખૂબ પસ્તાય છે,

ઝાડ સાથે જોડાયેલા હોવાનું મૂલ્ય એને સમજાય છે.

આઝાદી વ્હાલી લાગે પણ મોંઘી સાબિત થાય છે,

સહ પરિવાર બંધન નહિં પણ જીવનનો સાચો પર્યાય છે……

એ હવે સમજાય છે!

– સાભાર ભગવાનજી ગાંગાણી (અમર કથાઓ ગ્રુપ)