ગામના સૌથી આળસુ માણસને સંતે આ રીતે સિંહ જેવા બનવા સમજાવ્યું, વાંચો આ બોધકથા.

0
637

દુનિયામાં ઘણા પ્રકારના લોકો રહે છે. તેમાંથી ઘણા લોકો હોય છે જે પોતાની ક્ષમતાનું અનુમાન નથી લગાવી શકતા અને બીજા ઉપર જ સંપૂર્ણ રીતે નિર્ભર થઇ જાય છે. આવા લોકો હંમેશા વિચારે છે કે અચાનક આપણા માટે આવી તક આવશે અને આપણે પણ શ્રીમંત બની જઈશું.

ઘણા લોકો કર્મથી વધુ ભાગ્ય ઉપર વિશ્વાસ કરે છે. તે વિચારસરણી જ તેમને મહેનત કરવાથી પણ રોકી દે છે. આજે અમે તમને એવો પ્રસંગ જણાવી રહ્યા છીએ જે સમજાવે છે કે બીજા ઉપર નિર્ભર ન રહીને પોતાની ક્ષમતા ઓળખવી જોઈએ.

આળસુ માણસને સાધુએ બતાવ્યો સાચો રસ્તો :

એક ગામમાં એક આળસુ માણસ રહેતો હતો. તે કાંઈ કામ ધંધો કરતો ન હતો. બસ દિવસ આખો નવરો બેસીને વિચારતો રહેતો હતો કે, કોઈ પણ રીતે કાંઈક ખાવાનું મળી જાય. એક દિવસ તે આમ જ ફરતો ફરતો કેરીના એક બગીચામાં આવી ગયો. ત્યાં રસદાર કેરીથી ભરેલા ઘણા ઝાડ હતા. રસદાર કેરી જોઈ તેના મોઢામાં પાણી આવી ગયું અને કેરી તોડવા તે એક ઝાડ ઉપર ચડી ગયો, પણ જેવો તે ઝાડ ઉપર ચડ્યો કે તે બગીચાનો માલિક આવી ગયો.

બગીચાના માલિકને જોઈને તે આળસુ માણસ ડરી ગયો અને જેમ તેમ ઝાડ ઉપરથી ઉતરીને ત્યાંથી ભાગવા લાગ્યો. ભાગતા ભાગતા તે ગામની બહાર આવેલા જંગલમાં જઈ પહોંચ્યો. તે એકદમ થાકી ગયો હતો, તેથી એક ઝાડ નીચે બેસીને આરામ કરવા લાગ્યો. ત્યારે તેની નજર એક શિયાળ ઉપર પડી.

આ શિયાળનો એક પગ તૂટી ગયો હતો અને તે લંગડું લંગડું ચાલી રહ્યું હતું. શિયાળને જોઈ આળસુ માણસ વિચારવા લાગ્યો કે, આવી હાલતમાં પણ આ જંગલી જાનવરોથી ભરેલા જંગલમાં આ શિયાળ બચી કેવી રીતે ગયું? તેનો આજ સુધી શિ-કા-ર કેમ ન થયો?

જીજ્ઞાસામાં તે એક ઝાડ ઉપર ચડી ગયો અને ત્યાં બેસીને જોવા લાગ્યો કે હવે આ શિયાળ સાથે આગળ શું થશે? થોડી ક્ષણ પસાર થઇ હતી કે આખું જંગલ સિંહની ગર્જનાથી ગુંજી ઉઠ્યું. સિંહની ગર્જના સાંભળીને બધા જાનવર ડરીને ભાગવા લાગ્યા. પણ શિયાળ પોતાના તૂટેલા પગ સાથે ભાગી શકતું ન હતું. તે ત્યાં જ ઉભું રહ્યું. સિંહ શિયાળ પાસે આવવા લાગ્યો.

આળસુ માણસે વિચાર્યું કે, હવે સિંહ આ શિયાળને ખાઈ જશે. પણ આગળ જે થયું, તે થોડું વિચિત્ર હતું. સિંહ શિયાળ પાસે આવીને ઉભો રહી ગયો અને તેના મોઢામાં માંસનો એક ટુકડો હતો, જે તેણે શિયાળ સામે નાખી દીધો. શિયાળ શાંતિથી માંસનો એ ટુકડો ખાવા લાગ્યું. થોડી વાર પછી સિંહ ત્યાંથી જતો રહ્યો.

આ ઘટના જોઈ આળસુ માણસ વિચારવા લાગ્યો કે, ભગવાન ખરેખર સર્વવ્યાપી છે. તેણે ધરતીના દરેક પ્રાણીઓ માટે, પછી તે જાનવર હોય કે માણસ દરેક માટે ખાવા પીવાની વ્યવસ્થા કરી રાખી છે. તે પોતાના ઘરે પાછો આવ્યો. ઘરે આવીને તે 2-3 દિવસ સુધી પથારી ઉપર સુતા સુતા પ્રતીક્ષા કરવા લાગ્યો કે જેવી રીતે ભગવાને સિંહ દ્વારા શિયાળ માટે ભોજન મોકલાવ્યું હતું, તેવી રીતે તેના માટે પણ કોઈને કોઈ ખાવા પીવાની વસ્તુ લઈને આવશે.

પણ એવું કાંઈ થયું નહિ. ભૂખથી તેની હાલત ખરાબ થવા લાગી. છેવટે તેણે ઘરની બહાર નીકળવું જ પડ્યું. ઘરની બહાર તેને એક ઝાડની નીચે બેઠેલા સંત દેખાયા. તે તેમની પાસે ગયો અને જંગલની સમગ્ર ઘટના જણાવતા કહ્યું, ભગવાન મારી સાથે આવું કેમ કરી રહ્યા છે? તેમની પાસે જાનવરો માટે ભોજનની વ્યવસ્થા છે. પણ મારા માટે નથી.

સંતે જવાબ આપ્યો, દીકરા, એવી વાત નથી. ભગવાન પાસે તમામ વ્યવસ્થા છે. બીજાની જેમ તારા માટે પણ. પણ વાત એ છે કે તેઓ તને શિયાળ નહિ સિંહ બનાવવા માંગે છે.

ઉપદેશ : આપણી બધાની અંદર ક્ષમતાનો અખૂટ ભંડાર છે. બસ આપણા અજ્ઞાનને કારણે આપણે તેને ઓળખી નથી શકતા અને પોતાને નબળા સમજીને બીજાની મદદની રાહ જોતા રહીએ છીએ. પોતાની ક્ષમતા ઓળખો. બીજાની મદદની રાહ ન જુઓ. એટલા સક્ષમ બનો કે તમે બીજાને મદદ કરી શકો.