‘સૈયર મેંદી લેશું રે’ – સાસુ વહુના પ્રસંગ પર બનેલું આ લોકગીત તમારા ચહેરા પર હાસ્ય લાવશે.

0
1174

મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ

એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર

સૈયર મેંદી લેશું રે

મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ

મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બા ળી મેલ

સૈયર મેંદી લેશું રે

મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ

મેં ભોળીએ એમ જાણ્યું કે બેડલાં ફોડી મેલ

સૈયર મેંદી લેશું રે

મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ

મેં ભોળીએ એમ જાણ્યું કે ચૂલો ખોદી મેલ

સૈયર મેંદી લેશું રે

મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ

મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ

સૈયર મેંદી લેશું રે

મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ

એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર

સૈયર મેંદી લેશું રે

– સંકલન/સંપાદન : હસમુખ ગોહીલ