એક વફાદાર કુતરાની બનાવવામાં આવી સમાધિ, વાંચો લાખા વણજારાની સ્ટોરી.

0
1079

લાખો કરીને એક વણજારો હતો. પૈસે ટકે એ સુખી હતો ; પણ એકવાર એને ભીડ પડી. એ તો ગયો વાણિયાને ત્યાં. વાણિયો કહે , “જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ. તમારા જ છે. ”

જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઊપડ્યો. “લો , રામ રામ શેઠજી ! મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ. ત્યાં સુધી આ ડાઘિયાને (કુતરાને) તમારે ત્યાં મૂકી જાઉં છું. ”

“ એ શું બોલ્યા ? તમારા પૈસા તો દૂધ ધોયેલા છે. ”

“ મોટી મહેરબાની , શેઠ. પણ એમ કાંઈ સાનમાં મૂક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહી.”

લાખાએ ડાઘિયાને ડચકારીને શેઠની પાસે રહેવા હાથ ને આંખથી ઈશારો કર્યો. પછી એણે તરત ડાઘિયા ઉપરથી આંખ વાળી લીધી અને એ રસ્તે પડ્યો.

ડાઘિયો લાખાની પીઠ દેખાઈ ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો.

પછી તો એવું બન્યું કે શેઠને ઘેર એક રાતે ખાતર પડ્યું. હજારોની ચોરી થઈ. ચારેકોર તપાસ ચાલી. ડાઘિયો બધાની જોડે જ હતો. થોડે આગળ જાય ને પાછો આવે. પણ એના તરફ કોઈનું ધ્યાન જાય તો ને ?

આગળ પગેરું ન મળ્યું એટલે કંટાળીને સૌ પાછા વળતા હતા. ત્યાં ડાઘિયાએ વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું.

એક વાડ આગળ આવીને ડાઘિયો ઊભો રહ્યો અને પગથી જમીન ખોતરવા મંડ્યો. ત્યાં ખોદ્યુ તો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો. વાણિયાના હરખનો પાર ન રહ્યો. એને થયું કે આ ડાઘિયાને હવે વહેલો છૂટો કરીને એના ધણી ભેગો કરી દેવો જોઈએ. લાખાને જે પૈસા ધીર્યા છે એથી અનેકગણું ડાઘિયાએ મને બચાવી આપ્યું.

વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી તે કૂતરાની કોટે (ડોકે) બાંધી અને તેને વિદાય કર્યો.

અહીં એવું બન્યું કે લાખા વણજારાને પૈસાની છૂટ થઈ. એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઉં એમાં મેં શું કર્યું ? મહિનામાં દિવસો બાકી હોય ને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો. પૈસા લઈને એ નીકળ્યો. અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કંઈ કૂતરા જેવું આવતું દેખાયું. ધારીને જુએ છે તો એનો વહાલો ડાઘિયો !

ડાઘિયાને જોતાં જ લાખાની આંખ ફરી ગઈ. “અરે રામ ! આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું ! એ નાસી આવ્યો ! શેઠને હું શું મોં બતાવીશ ?”
ડાઘિયો લાડથી પાસે આવવા જાય છે , ત્યાં લાખાએ આંખ બતાવી એને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લીધું.

ઘડીભર ડાઘિયો થંભી ગયો. બીજી જ પળે એ તો ડુંગર તરફ દોડ્યો. ત્યાં એ અબોલ જીવ પથરા પર મા થું પછાડી પછાડીનેમ રી ગયો. લાખો પૈસા આપવા ગયો. ત્યાં એણે શેઠ પાસેથી બધી વાત જાણી. વણજારાના પસ્તાવાનો કંઈ પાર ન રહ્યો.

ભારે હૈયે લાખો પાછો વળ્યો. જ્યાં પોતાનો વિશ્વાસુ કૂતરો માથું પછાડીને મરી ગયો હતો ત્યાં એણે એક મોટું સરોવર બંધાવ્યું.
એ સરોવર તે ડાઘાસર. ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે એ આવેલું છે.

નોંધ- હાલમા આ પાઠ ધો.-૪ ગુજરાતી પાઠ્યપુસ્તકમા સમાવેશ થયેલ છે.