સમાજ અને બે પરિવારોની ઈજ્જતની આ લઘુકથામાં એક સમજવાની વાત છુપાયેલી છે, જે બધાને નથી સમજાતી.

0
304

લઘુકથા – ઈજ્જત :

– માણેકલાલ પટેલ.

હેતાના લગ્નની તૈયારીઓ ચાલતી હતી. નાના ગામમાં કોઈના પણ ઘરે પ્રસંગ હોય તોયે ગામ આખામાં આનંદ માં ઉછાળો આવતો.

જેમજેમ પ્રસંગ નજીક આવતો ગયો તેમતેમ ગામના બધાં જ ઘરોમાં હરખની હેલી આવતી જતી હતી. એક ગજાનંદના ઘરે ઉદાસીનો માહોલ હતો.

આ ગજાનંદ મૂળ તો બીજા ગામથી અહીં પાંચેક વર્ષ પહેલાં પરિવાર સાથે રહેવા આવેલ અને ગામમાં દૂધમાં ભળતી સાકરની જેમ ભળી ગયેલ.

આ ગજાનંદના દિકરા સંકેત અને હેતા એકબીજાને ગમવા લાગેલાં. વાત થોડી આગળ પણ વધેલી અને ચોરેચૌટે ચર્ચાય થવા માંડેલી.

ગજાનંદ વેપારી માણસ એટલે એણે વાતનું વતેસર થાય એ પહેલાં જ એની પત્ની સાથે હેતાનાં મા- બાપને મળીને સંકેત માટે માગું નાખવાનું વિચારી એ એમના ઘરે ગયેલાં.

પ્રતીકાત્મક (સોર્સ : ગૂગલ)

વાત સાંભળીને હેતાની મા તો ડઘાઈ જ ગયેલી. એના બાપા તો ગુસ્સે પણ થઈ ગયેલા :- “ગજાનંદ, તમે ગામના થઈને આવી વાત લઈને મારા ઘરે આવતાં તમારા પગ કેમ ઉપડ્યા?”

હેતાની મા એ તો ધૂંધવાઈને કહેલું :- “ગામ અને સમાજમાં આ વાતનો ખ્યાલ આવશે તો આપણા બેય પરિવારોની ઈજ્જતનો સવાલ આવશે.”

સંકેતે જ્યારે આ વાત જાણી ત્યારે એ ઉદાસ થઈ ગયેલો :- “કાશ ! અમે થોડા સમય પહેલાં જ આ ગામ છોડી દીધું હોત તો?”

– માણેકલાલ પટેલ.