એક અછૂત વરણના સાવ સામાન્ય માણસે સોરઠનાં ધણીને બચાવવાનો કરેલો પ્રચંડ પુરુષાર્થ જે ઓછા લોકો જાણે છે.

0
936

રા’નો રાખણહાર રખેહર ભીમો :

ઐતિહાસિક મહત્વ ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામના પાદરમાંથી પસાર થતાં જ દેવાયત ધામના મંદિરની ધજાના દર્શન થતાં આંખો સમક્ષ આશરે ૧૧૦૦ વર્ષ પૂર્વેનો ત્યાગ, બલિદાન અને સમર્પણનો ભવ્ય ઈતિહાસ આળસ મરડીને ખડો થાય છે. દેવાયત બોદર, ઉગા બોદર, આઈ સોનબાઈ મા, વડારણ વાલબાઈ અને રખેહર ભીમાના બલિદાનની કથા હૈયે ચડે છે.

ગુજરાતના સોલંકી વંશના રાજા દુર્લભસેનના રાણી પોતાના રસાલા સાથે કાઠિયાવાડની જાત્રાએ નીકળ્યા હતા.

દમોકુડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા’ડિયાસના માણસોએ માગતા રાણીને અપમાન લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછા ફર્યા. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ ઉપર ચડાઈ કરી અને છળકપટથી જૂનાગઢ ઉપર પોતાનો ધ્વજ ફરકાવ્યો. રા’ડિયાસે પોતાનું માથું ચારણને ઉતારી દીધા પછી દુર્લભસેને ઉપરકોટમાં સેના મોકલી ક ત્લેઆમ ચલાવી.

સોલંકીઓ રા’ના વંશનો નાશ કરવા માટે બાળ કુંવરને શોધે છે. એ સમયે રા’નવઘણ છ માસનો છે. પરમાર રાણી સોમલદે ફૂલ સમા બાળ કુંવરને એક સૂંડલામાં રુના પોલમાં સુવાડી છેલ્લી વખતની બે બચ્ચીઓ લઈ પોતાની વિશ્વાસુ દાસી વાલબાઈ નામની વડારણને નવઘણ સોંપી, પોતાના ધરમના માનેલા ભાઇ આહીર દેવાયત બોદરને ત્યાં બોડીદર ગામ પહોંચાડવાનું કહી જૌહર કર્યું.

વાલબાઈ બાળ કુંવર રા’નવઘણને વાંસના સૂંડલામાં સંતાડી, વેશપલટો કરી લપાતી છુપાતી ગઢની બહાર નીકળી ગઈ. ઉપરકોટ બહાર સોલંકી સેનાના સૈનિકોને ચારેબાજુ જોતાં એનાં પગ ત્યાં જ થંભી ગયા. વાલબાઈ વિચારે છે કે, ‘આખા જૂનાગઢ રાજની આંખે ચડીને ઓળખાતી એવી હું નવઘણને લઈને નીકળું તો દુશ્મનોની નજરે ચડ્યા વિના રહું નહીં, અને પકડાઈ જાઉં તો બાળ કુંવરનું શું થાય? એવું વિચારતા વિચારતા એની નજર ગઢની રાંગે ઝાડુ વાળનાર ભીમા રખેહર પર ગઈ. એને પાસે બોલાવી કહ્યું.:

‘ભાઈ, ભીમા ! તારું એક કામ પડ્યું છે’

‘અરે ! વાલબાઈ તમે ? બોલો શું સેવા કરું ?’

‘ભાઈ ભીમડા ! આ સૂંડલો તારા માથે લઈ લે.’ પછી ધીમેથી કહ્યું કે એમાં રા’ડિયાસનો કુંવર છે અને એને બોડીદર દેવાયત આહીરને ઘેર પહોંચાડવાનો છે.
‘વાલબાઈ, તમે ચિંતા ન કરો, કુંવરને સલામત રીતે બોડીદર પહોંચાડી દઈશ ! ‘ એટલું બોલી સૂંડલો પોતાના માથા ઉપર લઇ લીધો. જે પહેલાં બોડીદર પહોંચે એ રાહ જુએ એમ કહી વાલબાઈએ ભીમડાથી સલામત અંતર રાખી ગીરના ગીચ જંગલના માર્ગે બોડીદરના પંથે પડી.

ભીમો સૂંડલામાં સૂતેલાં ફુલ જેવા કોમળ નવઘણને ટાઢ, તાપથી બચાવતો હીરણ કાંઠે આવેલ ભાલકા તીર્થ થઈ કોડીનારનો માર્ગ લેતાં ડોળાસા થઈ, રાતનાં બોડીદર કિલ્લા નજીક પહોંચી મશાલોના આછાં અજવાળામાં કાળા પથ્થરોની ઊંચી દિવાલો સામે જોઈ રહ્યો. ભીમો વાલબાઈની વાટ જોતો કિલ્લાના દરવાજાથી થોડે દૂર કોઈની નજરે ન ચડે એવી રીતે ઝાડની ઓથે ઊભો રહ્યો. થોડીવારમાં વાલબાઈ આવી પહોંચતા સૂંડલા સાથે નવઘણ તેને સોંપે છે.વાલબાઈ સૂંડલો લેતાં ભીમાને કહે,

‘ભાઈ, ભીમા ! તેં આજ બહું મોટું કામ કર્યું છે ! તેં આજ જૂનાણાના રા’ને બચાવ્યા છે ! ભાઈ, તારો ઉપકાર હું જીંદગીભર નહીં ભૂલું આજ તેં સોરઠનાં ચિરાગને બુઝાતો બચાવી લીધો’ આટલું બોલી વાલબાઈ પોતાની આંગળીએ પહેરેલી હીરાજડિત વીંટી ભીમાને આપતાં કહે, ‘આ વટાવીને ખાજે તારી આખી જિંદગી તારે કમાવવું ન પડે એટલા રૂપિયા મળશે.’

‘ધીમે બોલ બેન! વાડવેલાનેય કાન હોય,વગડો વાત લઈ જાય ! વાલબાઈ ! કોઈને ખબર ન પડે એમ હાલી જા મારે કાંઈ ન ખપે બોન !’

પણ વાલબાઈ આજ ખૂબ ખુશ હતી એટલે ભીમાને કાંઈક માંગવા કહે છે – ‘માગ વીરા ! આજ તું જે માંગીશ એ હું તને આપીશ. ભાઈ ભીમા, તારું આ ઋણ હું કયા ભવે ચૂકવીશ?’

‘બેન,પારકો ગણી આવાં આકરાં વેણ કેમ કહો છો? તમે જનમભોમકાની સેવાનો મોકો આપી મારું જીવતર ઉજાળી દીધું.’ વાલબાઈ બહુ આગ્રહ કરે એટલે ભીમાએ કહ્યું,

‘બેન, મારાં જેવાં એક અછૂત વરણના આદમીને સોરઠનાં ધણીની રક્ષા કરવાનું સદભાગ્ય મળ્યું એનાથી રૂડું બીજું શું હોય? છતાં બેન! તું માગવાનું જ કહે છે તો મને વચન આપ કે હું જે માગીશ એ તું મને આપશે.’

‘ભાઈ ભીમડા ! મારા અંગની ચામડી ઉતરાવી એનાં જોડા બનાવડાવી તને પે’રાવુ ને તોય તારાં કામનો બદલો વાળી શકું તેમ નથી, તેથી માગ. તું જે માગીશ એ આપવાનું હું તને વચન આપું છું’

‘બેન ! કાંઈક આપવું જ હોય તો તમારી કમરમાં રહેલી ક ટાર મને આપો.’

‘ભીમા, આ ક ટાર કરતાં હીરાની વીંટી કિંમતી છે’

‘બહેન, હીરાની વીંટી કરતાં મારે મન ક ટાર કિંમતી છે માટે જો કાંઈ આપવું જ હોય તો ક ટાર મને આપો.’

વાલબાઈ ભીમાને ક ટાર આપે અને હજી પૂછવા જાય કે, આ ક ટારનું તું શું કરીશ? એ પહેલાં તો ભીમાએ ક ટાર પોતાના પેટમાં ઉ તારી દીધી, આંતરડાનો ઢગલો થઈ ગયો. બોડીદર ગામના ઝાંપામાં ભીમો ઢળી પડ્યો.

વાલબાઈના મોંમાંથી ચીસ નીકળી ગઈ : ‘અરેરે ભાઈ ! આ તેં શું કર્યું? તને શા દઃખ પડ્યા?’

મ રતાં મ રતાં અંતિમ શ્વાસ લેતાં ભીમો બોલ્યો- ‘બેન ! અમે તો ગામના છેવાડે રહેનાર નાનું વરણ કે’વાય ! બેન, અમારા પેટ બહું છીછરાં હોય. આવડી મોટી વાત- હું નવઘણને મૂકી આવ્યો છું એ જીરવી ન શકત, ક્યારેક ક્યાંક મારાથી પોરહમાં આવી બોલાઈ જાત કે મેં રા’ને બચાવ્યા છે…અને એ વાત દુશ્મનોને કાને જાત.. તો તો ગજબ જ થઈ જાયને? માટે બહેન, મારો પોરહ અને મારું કર્તવ્ય હું મારી સાથે લેતો જાઉં છું !’ મોઢા ઉપર સંતોષ સાથે ભીમાએ આખરી શ્વાસ લીધો.

વાલબાઈ વિસ્ફારિત નેત્રે ભીમાની આ શહાદતને પોતાની બુધ્ધિના કયા ત્રાજવે તોળવી એની વિમાસણે ચડી. કોઈ મારગ ન સૂઝતા એની આંખોમાંથી ટપ-ટપ કરતાં આંસુના બે ચાર ટીપાં ભીમાના દેહ ઉપર ટપક્યા…! વાલબાઈએ ભૂમિ ઉપર લાંબા થઈને સૂતેલાં ભીમાના માથા પર હાથ ફેરવી તેની ઉઘાડી આંખો બંધ કરી.

એક અછૂત વરણના સાવ સામાન્ય માણસે સોરઠનાં ધણીને બચાવવાનો કરેલો પ્રચંડ પુરુષાર્થ કોઈનાં કાને સુદ્ધા ન પડવા દીધો. આ છે નાના માણસનાં સંસ્કાર ! રાજધણીને બચાવવા જતાં જીવ ખોવો એનાથી રૂડું બીજું શું હોય?

આ બનાવ જો એકલવાયો બનીને જ ઈતિહાસના પાનાંમાં પડ્યો રહ્યો હોત, તો એનો મહિમા બહુ ન ગણાત પણ સોરઠી સંસ્કારે અને લોકજીવને તો એ બનાવને ઝીલ્યો, ઝીલીને અંતરમાં ઉતાર્યો છે. કવિ રાજભા ગઢવી ‘દેવાયત બોદરને સપને આવી,એની રાજપૂતાણી બેન.’ આ રાસડામાં ભીમાને યાદ કરે છે-

“આયરાણી તું થાઈશમાં દુઃખી,તારો ઉગો અમાણે સાથ,

સુની નથી સ્વર્ગની સીમો, ભેળાં વાલબાઈ ને ભીમો.”

(તા.૩-૫-૨૦૧૮ દેવાયતધામની મુલાકાત)

– દલપત ચાવડા, રાજકોટ

(મૂળ પોસ્ટ : સંત શુરા અને સતીઓ ગ્રુપ)(સાભાર પરેશ વાવલીયા, અમર કથાઓ ગ્રુપ)