ગુરુ સમર્થ રામદાસનું દરેક વચન અદ્ધર ઝીલતા હતા છત્રપતિ શિવાજી, તેમના કહેવા પર ભિક્ષા પણ માંગી હતી.

0
1220

એકવાર શિવાજી એ સમર્થ રામદાસના પગમાં માથું મૂકી દીધું : ‘પ્રભુ, મને મંત્રદીક્ષા આપો!’

સમર્થ રામદાસે એમને ‘શ્રીરામ જયરામ જયજયરામ’ નો મંત્ર આપ્યો.

ઈ.સ. ૧૬૪૯. હવે શિવાજીએ કહ્યું : ‘પ્રભુ, બીજા શિષ્યોની પેઠે મને પણ તમારી સેવામાં રાખો!’

હસીને સમર્થે કહ્યું : ‘તારો ધર્મ ક્ષાત્રધર્મ છે. પ્રજાનું પાલન કર, વિધર્મીના હાથમાંથી દેશને મુક્ત કરી સ્વધર્મની સ્થાપના કર! રામની તને આ આજ્ઞા છે.’

આમ કહી તેમણે શિવાજીને એક શ્રીફળ, એક મૂઠી માટી, બે મૂઠી ઘોડાની લાદ અને ચાર મૂઠી કાંકરા પ્રસાદમાં આપ્યા અને આશીર્વાદ આપ્યા : ‘શિવબા, તું ધન્ય છે. તારી ચિંતા શ્રી હરિને માથે છે.’

શિવાજી ચતુર હતા. તેઓ આ પ્રસાદનો અર્થ સમજી ગયા. ઘરે જઈ માતા જિજાબાઈને તેમણે એ અર્થ કહ્યો : ‘નાળિયેર મારા કલ્યાણને માટે છે. માટી એટલે પૃથ્વી, કાંકરા એટલે કિલ્લા, લાદ એટલે ઘોડેસવારી! હું પૃથ્વીપતિ બનીશ, ઘણા કિલ્લા મારા હાથમાં આવશે અને અસંખ્ય ઘોડેસવારો મારા સૈન્યમાં હશે.’

શિવાજીનું રાજ્ય જેમ જેમ વધતું ગયું તેમ સમર્થ રામદાસ પ્રત્યે તેમની ગુરુ-ભક્તિ પણ વધતી જતી હતી.

એકવાર રામદાસને ઘેર ઘેર ભિક્ષા માગતા જોઈ તેમણે એમની ઝોળીમાં એક ચિઠ્ઠી લખીને નાખી.

ચિઠ્ઠીમાં લખ્યું હતું : ‘મારું સમસ્ત રાજ્ય હું આપના ચરણમાં સમર્પિત કરું છું. તમે માલિક, હું દાસ!’

સમર્થ રામદાસે કહ્યું : ‘તો લે, આ ઝોળી ખભે નાખ ને ચાલ મારી સાથે ભિક્ષા માગવા!’

હાથમાં ભિક્ષાપાત્ર લઈ શિવાજી ગુરુની સાથે ઘેરઘેર ભિક્ષા માગવા ફર્યા.

એ ભિક્ષાન્નનો પ્રસાદ લીધા પછી સમર્થ રામદાસે શિવાજીને કહ્યું : ‘હવે આ રાજ્ય મારું છે, પણ મારી વતી એનો ભાર ઉપાડવા હું તને આજ્ઞા કરું છું. લે આ મારું ઉત્તરીય વસ્ત્ર! એનો તું ધ્વજ બનાવજે! શ્રીરામની કૃપાથી તું જે મન પર લેશે તે સિદ્ધ થશે.’

શિવાજીએ આજ્ઞા માથે ચડાવી. ત્યારથી એમના રાજ્યમાં ભગવો ઝંડો ફરકવા લાગ્યો.

– સાભાર હિતેશ પટેલ (અમર કથાઓ ગ્રુપ)