સંબંધોના પતંગમાં પેચ લાગે તો શું કરવું, અગાસી પર પતંગ ચગાવતા દાદા પૌત્રનો પ્રસંગ પરથી જાણો જવાબ

0
248

સંબંધોના પતંગમાં પેચ લાગે તો ઢીલ મુકવી.

મકરસંક્રાંતિનો દિવસ હતો. પતંગરસિયાઓ વહેલી સવારથી જ અગાસી ઉપર ચડી ગયા હતા. મકરસંક્રાંતિની મજા મોટાઓને હોય એના કરતા નાના બાળકો આ તહેવારને મન ભરીને માણતા હોય છે. પતંગ ઉડાડવાનો શોખીન એક બાળક પણ વહેલી સવારમાં જ પતંગ અને દોરા સાથે ધાબા પર ચડી ગયો. સવારમાં એણે પોતાના દાદાને પણ સાથે લીધા. મમ્મી પપ્પાને તો ટાઈમ નહોતો એટલે દાદા જો સાથે હોય તો ફીરકી પકડવામાં મદદ કરે.

આજે પવન પણ સાથ આપી રહ્યો હતો એટલે દાદા અને પૌત્ર સાથે મળીને પતંગ ચગાવવાની મજા લઇ રહ્યા હતા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આકાશમાં પતંગોની સંખ્યા વધવા લાગી. પેલા પતંગ રસિયા બાળકની પતંગ તો છેક દૂર દૂર ઉડી રહી હતી. આ બાળકને બીજા કોઇની પતંગ કાપવાને બદલે પોતાની પતંગને આકાશમાં ઉંચે અને ઉંચે લઇ જવામાં વધારે રસ હતો. સાવ અચાનક કોઇ બીજી પતંગ સાથે આ બાળકની પતંગનો પેચ લાગી ગયો.

બાળક ગભરાયો અને પોતાની કપાતી પતંગ બચાવવા માટે એ જલદી જલદી એમની પતંગ ખેંચવા માંડ્યો. આ જોઇને દાદાએ બાળકને ટોક્યો, “બેટા, આ શું કરે છે? કેમ પતંગની દોરીને ખેંચવા માંડ્યો?” બાળકે ગભરાટ સાથે કહ્યું, “દાદા, જરા જુવો તો ખરા, આપણી પતંગ સાથે બીજી પતંગનો પેચ લાગી ગયો છે? આપણી પતંગ કેટલે ઉંચે ઉડી રહી છે એટલે પતંગ કપાઇ ન જાય એ માટે હું ખેંચી રહ્યો છું.”

પૌત્રની આ વાત સાંભળીને અનુભવી દાદાએ પૌત્રને કહ્યું, “બેટા પેચ લાગે એટલે ખેંચવાના બદલે ઢીલ મૂકવાની હોય જો તું ખેંચવાનું ચાલુ રાખીશ તો તારી પતંગ બચશે નહીં, ઉલટાની કપાઇ જશે.”

બાળકને દાદાની વાત પર વિશ્વાસ ન બેઠો. ઢીલ મૂકવાથી કંઇ થોડો પતંગ બચી શકે આવું માનનાર એ બાળકે દોરી ખેંચવાનું ચાલું જ રાખ્યું. થોડી વારમાં એની પતંગ કપાઇ ગઇ. દોરી કોઇ લૂંટી ન જાય એટલે એ બચેલી દોરીને ઝડપથી ખેંચવા લાગ્યો. થોડા સમયમાં તો એના પગ પાસે દોરીનો ઢગલો થઇ ગયો. દાદા શાંતિથી આ બધું જ જોઇ રહ્યા હતા.

દાદાએ ફરીથી કહ્યું, “બેટા હવે પતંગ ભલે કપાઇ ગઇ પણ તું શાંતિથી ઉભો રહેજે બહું ફૂદાફૂદ ન કરતો નહીં તો દોરીમાં ગૂંચ પડી જશે અને આ દોરી આપણને કોઇ કામમાં નહીં આવે.” પણ વાત માને તો એ બાળક શાનો. એણે ફૂદકા લગાવ્યા ને દોરીમાં ગૂંચ પડી પછી તો જેમ વધુ કુદકા મારે તેમ ગૂંચ વધતી જાય. ગૂંચ કાઢવાના ખૂબ પ્રયાસ કર્યા પણ કોઇરીતે ગૂંચ નીકળે જ નહીં ઉલટાની દોરી વધુ ગૂંચવાતી જતી હતી. ખૂબ પ્રયત્નો કરવા છતા પણ ગૂંચ ન ઉકેલાવાના કારણે છેવટે બધી જ દોરી ફેંકી દેવી પડી.

આપણા દરેકનું પણ આ નાના બાળક જેવું છે. જ્યારે સંબંધોના પેચ લાગે ત્યારે ઢીલ મૂકવાને બદલે ખેંચીએ છીએ પરિણામે સંબંધો તૂટી જાય છે અને એ જ રીતે જીવનમાં જ્યારે સમસ્યાઓ કે પ્રશ્નોથી ઘેરાઇ જઇએ છીએ ત્યારે કૂદાકૂદ કરીને પ્રશ્નો ઘટાડવાના બદલે વધારી દઇએ છીએ.

પ્રતીકાત્મક ફોટો

સંબંધો માનવજીવનની સૌથી મોટી મિલ્કત છે. સંપત્તિ વગર જીવી શકાય પણ સંબંધ વગર તો માણસ પાગલ બની જાય. તમે કેટલાય એવા પ્રસંગો સાંભળ્યા કે વાંચ્યા હશે કે જેમાં કરોડોની સંપત્તિના માલિક હોવા છતાય લોકો આ-ત્મ-હ-ત્યા-નો માર્ગ અપનાવે છે, કારણકે સંબંધોની બાબતમાં આ કરોડપતિઓ મોટા ભિખારી હોય છે.

જીવનનો શ્વાસ જ સંબંધો છે એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નથી. આ સંબંધોને સાચવવા કે જાળવવા માટે પ્રયાસ કરવો પડે છે. સંબંધોમાં સતત ચણભણ થયા કરે છે અને એ તદન સ્વાભાવિક છે. અપવાદરૂપ કોઇક જ એવા સંબંધો હશે કે જેનો ગ્રાફ હૃદયના ઇસીજી જેવો નહીં હોય બાકી જ્યાં સુધી શ્વાસ ચાલશે ત્યાં સુધી સંબંધોમાં ચઢઉતર તો રહેવાની જ. મતભેદ ભલે થાય પણ મનભેદ ન થાય એની કાળજી રાખવી જોઇએ.

એક વખતના બે જીગરજાન મિત્રો સમય જતા જાની દુશ્મન બની જાય છે કારણ કે બંનેમાંથી કોઇ નમતું જોખવા તૈયાર નથી હોતા. જીવનના તમામ સંબંધોમાં આવું જ થાય છે. કોઇ ગેરસમજણને લીધે કે કોઇ નાની ભૂલને લીધે માફ કરવાની મનોવૃત્તિ ન હોવાથી આપણે સંબંધને પુરા કરવા તરફ આગળ વધીએ છીએ. સંબંધોના પેચ લાગે ત્યારે થોડી ઢીલ મૂકતા શીખી જઈએ તો સંબંધ કપાતા બચી જશે.

ઢીલ મૂકવાનો મતલબ એવો બિલકુલ નથી કે આપણે નબળા છીએ! કેટલાક લોકો આવું પણ વિચારતા હોય છે કે સંબંધોને જાળવવા માટે જો આપણે જતું કરીશું તો પછી એને આપણી નબળાઇ ગણી લેવામાં આવશે. પણ આ દરેક કિસ્સામાં સાચું નથી હોતું. આપણા માટે ઉભા થયેલા પ્રશ્ન કરતા એ વ્યક્તિ સાથેનો સંબંધ વધુ મહત્વનો હોય છે.

કોઇએ બહુ સરસ કહ્યું છે કે, તમારા માટે ઉભો થયેલો પ્રશ્ન જ મહત્વનો હોય તો તે વ્યક્તિ સાથેના સંબંધને ભૂલી જાવ, અને જો વ્યક્તિ સાથેનો સંબંધ મહત્વનો હોય તો પછી ઉભા થયેલા પ્રશ્નને ભૂલી જાવ. આપણે ઉભા થયેલા પ્રશ્નને ભૂલી શકતા નથી અને પછી ભવિષ્યમાં સમય જતા સમજાય છે કે સંબંધને ભૂલીને બહુ મોટી ભૂલ કરી.

બીજી એક મહત્વની બાબત એ પણ છે કે જ્યારે કોઇ પ્રશ્નો કે સમસ્યાઓ ઉભી થાય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે જો સ્થિર રહીએ તો એને ઉકેલવા માટેનો રસ્તો મળી રહે. સંબંધોમાં તણાવ ઉભો થાય તો એમા ઢંઢેરો પીટવાનો ન હોય ઉલટાનું એનાથી સંબંધની ગૂંચ ઉકેલાવાને બદલે વધુ ગૂંચવાય છે.

લેખક – શૈલેષ સગપરિયા.