સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ દ્વારા જણાવેલી સંબંધોનાં સુખ દુ:ખની આ વાત દરેક માટે ઉપયોગી છે.

0
510

સંબંધોનાં સુખ દુ:ખ છ ક્ષેત્રોમાંથી આવતાં હોય છે.

(1) લાગણીનું ક્ષેત્ર

(2) વ્યાવહારિક ક્ષેત્ર

(3) સામાજિક ક્ષેત્ર

(4) રાજકીય ક્ષેત્ર

(5) આર્થિક ક્ષેત્ર અને

(6) માનવીય ક્ષેત્ર

માણસ તો શું પશુપંખી પણ લાગણી ભૂખ્યાં હોય છે. માણસને સૌથી વધુ સુખ લાગણીનું મળતું હોય છે અને સૌથી વધુ દુ:ખ પણ લાગણીનું મળતું હોય છે, એટલે લાગણીનો ત્યાગ અથવા નાશ નહીં કરવાનો પણ તેને સુધારીને શુદ્ધ કરવાની.

શ્રમણમાર્ગમાં લાગણીનો સંપૂર્ણ ત્યાગ કરીને વીતરાગદશા પ્રાપ્ત કરવા ઉપર ભાર મુકાયો છે. જ્યારે ઋષિમાર્ગ અને સંતમાર્ગમાં લાગણીને સુધારીને, શુદ્ધ કરીને તેને પ્રીતરાગ કરવા પર ભાર મુકાયો છે.

વ્યક્તિને સૌથી વધુ લાગણીનું સુખ નજીકનું માણસ આપતું હોય છે અને સૌથી વધુ દુ:ખ પણ નજીકનું માણસ આપતું હોય છે. આમ જુઓ તો વધુમાં વધુ નજીકનું માણસ પુરુષ માટે પત્ની અને સ્ત્રી માટે પતિ હોય છે.

જો પતિ-પત્ની બંને ભરપૂર શુદ્ધ લાગણીવાળાં હોય તો તેમનું દાંપત્યજીવન ધન્ય-ધન્ય થઈ જાય. કોઈ ત્યાગી કરતાં પણ તે વધુ ઉત્તમ જીવન જીવતાં હોય અને બીજાને પણ જિવાડતાં હોય છે.

તેથી આવાં શુદ્ધ લાગણીવાળાં દંપતીને પણ ત્યાગી જીવન જીવવાની પ્રેરણા આપવી અને તેમને ત્યાગદીક્ષા આપી લાગણીહીન બનાવવાં તે પાપ કહેવાય. તેમને આદર્શ દાંપત્યજીવન જીવવા દેવું તથા તેમને જીવવા પ્રોત્સાહિત કરવાં તે જ ઋષિમાર્ગ કહેવાય. ”

– પરમ પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ.

(દંતાલીવાળા)

– (વિચારોનો ગુલદસ્તો – 2020) (સાભાર રણવીર રાણા, અમર કથાઓ ગ્રુપ)