સંસ્કારનો શણગાર હોય તેને બાહ્ય મેકઅપની જરૂર જ નથી પડતી, વાંચો અર્થ ભરેલી લઘુકથા.

0
653

શ્યામા સુંદરી :

એની ત્વચા ગોરી ન હતી એટલે ફઈએ ‘શ્યામા’ નામ રાખ્યું હશે. રંગના કારણે તે બીજી છોકરીઓથી તરત જ અલગ તરી આવતી.

સ્નાતક પદવી પુરી થઈ, વડિલોએ સગાઈ માટે નાતમાં તપાસ કરવાનું ચાલુ કર્યું. ક્યાંક પ્રસંગમાં જવાનું થાય તો મમ્મી એને વ્યવસ્થિત તૈયાર થવાની સુચના આપતી.

એને સમજાતું હતું કે ‘હું ટાપટીપથી જરા ગોરી દેખાઉં તો કોકની નજરમાં આવું.’

વડિલોએ જાણીતાના જાણીતામાં બે ઠેકાણે વાત ચલાવી, પણ આગળ ચાલી નહીં. ખાનગીમાં જાણવા મળ્યું કે ‘છોકરી કાળી છે, એટલે પસંદ નથી.’

મમ્મીએ એવું ચોક્ખું જણાવ્યું ન હતું. પણ ઘરમાં થતી વાતચીતથી શ્યામા જાણી ગઈ. એ મનોમન ખુબ દુખી થઈ.

બે ઠેકાણેથી મુરતિયા જોવા આવ્યા. પણ તેમાં તે જ પરિણામ આવ્યું.

એક રાતે એ છાનીમાની ખુબ રડી. પોતાનાથી નાની અને ઓછા ભણતરવાળી ગોરી છોકરીઓ પરણી ચુકી હતી. પોતાના સખીમંડળમાં હવે તે એક જ બાકી હતી.

ફઈની દિકરીના લગ્ન હતા. મમ્મીએ પરાણે નવા કપડા ખરીદાવ્યા. શ્યામાએ મનોમન નક્કી કર્યું કે ‘હવે મારે રુપનું પ્રદર્શન કરવું નથી. કંઈ શૃંગાર કરવા નથી. મમ્મીનો આશય ભલે એવો હોય, કે જાનમાં આવનારું કોઈ મને પસંદ કરે.’

એણે ભભકાદાર કપડાંને બદલે ગુજરાતી સાડી પહેરી. બનાવટી કેશ કલાપને બદલે છુટ્ટા વાળ રાખ્યા. ચહેરા પર કંઈ પ્રસાધન ન ચોપડ્યા. જાનના સ્વાગતમાં લેવાયેલ રાસમાં એણે પ્રાચીન રાસનો લય રાખ્યો.

ફઈ તરફથી સમાચાર આવ્યા કે ‘જાનમાં આવેલ એક શિક્ષક છોકરાને શ્યામા ગમી ગઈ છે. ઠેકાણું સારું છે.’

જોવા આવવાનું ગોઠવાયું. એણે પાકું નક્કી કર્યું હતું કે. ‘કંઈ ઠાઠમાઠ કરવો નથી.’

એની જીદથી મમ્મી જરા નારાજ થયા.

જોવા આવેલ છોકરો સોહામણો હતો. સૌના આશ્ચર્ય વચ્ચે એણે હા પાડી દીધી. સગાઈનું પાકું થઈ ગયું.

બગીચામાં શ્યામા મહેશનો હાથ હળવે હળવે પંપાળી રહી છે.

“તમને એક વાત પુછું? હું કાળી છું. કંઈ ટાપટીપ કરીને તૈયાર થઈ ન હતી. છતાં તમે મને કેમ પસંદ કરી? તમે તો મારાથી ઘણા ગોરા છો.”

મહેશે એક ડાયરી આપી.. “આમાં મારી લખેલ કવિતાઓ છે. નિરાંતે વાંચજે. કહે છે કે કવિની દૃષ્ટિ જરા અલગ હોય છે.. મને તારી આંખોમાં ઉંડાણ.. ચહેરાની નમણાશ.. અને ખુમારીભરી સાદાઈ.. મેં પહેલી વાર તને લગ્નમાં જોઈ હતી, ત્યારે જ ગમી ગઈ હતી..”

“મને જાણવા મળેલ કે, તને પણ કવિતાનો શોખ છે. તું મારી શ્યામા સુંદરી છો. મારી નવી કવિતાઓની પ્રેરણા.”

– જયંતીલાલ ચૌહાણ ૧૩- ૯- ૨૧