સંસ્કારોના દીવા અને મર્યાદાની લક્ષ્મણરેખાની આ લઘુકથા સમય કાઢીને અચૂક વાંચજો.

0
831

“એ જણ”

– માણેકલાલ પટેલ

રાધા બસ ઉપડ્યા પછી વિચારે ચઢી હતી. સાસરેથી એ પિયર આવવા નીકળી હતી.

પતિ, સાસરીયાં બધાં બરાબર હતાં. બધી વાતે એ સુખી હતી. પિયરમાંય એક જણ એને ગમતો હતો. યુવાની આવું કરાવે એ એને ખ્યાલ હતો. સાથે સમજણ પણ હતી કે મર્યાદાની લક્ષ્મણરેખાયે જીવનમાં મહત્વની છે.

સંસ્કારો એ દીવા જેવા છે જે અંધકારને નજીક જ ના આવવા દે અને તેથી જ તો એણે એ જણને પોતાની મજબૂરી અને મર્યાદા સમજાવીને મા- બાપની ઈચ્છાને માન આપીને બીજે લગ્ન કરી લીધાં હતાં.

પણ, એ જણની અને એની ગામમાં ચર્ચા તો થયેલી.

બસ એના તાલુકા મથકના બસસ્ટેન્ડે ઉભી રહી.

અહીં એના ગામના ઘણા લોકો ખરીદી કરવા આવતા હતા. રાધા કોઈ પરિચિત હોય તો એ જોવા બારી બહાર નજર કરતી હતી. એના જ ગામનો અતુલ એને દૂરથી જોઈ ગયો હતો. થોડીવાર પછી એણે બારી આગળ આવી કહ્યું : ” એય રાધા ! તું? અરે, નીચે ઉતર ! આપણે સામેની હોટલમાં ચા- પાણી પીએ. છેલ્લી બસમાં સાથે ઘરે જઈશું.” અને એણે આંખ મટમટાવી.

રાધા નીચે ઉતરી.

અતુલને તો જાણે ચાંદ નીચે ઉતરી આવ્યો હોય તેવો આનંદ ઉભરાવા માંડ્યો.

રાધાએ નીચે આવી અતુલના ગાલ પર જોરથી થપ્પડ મારતાં કહ્યું : ” તારા મા- બાપે આવા સંસ્કાર આપ્યા છે?”

અને ત્યારે ત્યાં એકઠા થયેલા ટોળામાં પેલો જણ પણ હતો જે હરખાઈને મનોમન બોલતો હતો : ” હાશ ! મારી પસંદગીમાં તો કોઈ ભૂલ નહોતી.”

– માણેકલાલ પટેલ.