સંત જ્ઞાનેશ્વર : ભારતના એક એવા સંત જેમના કહેવા પર ઓટલો પણ ચાલવા લાગ્યો હતો.

0
2574

સંત જ્ઞાનેશ્વર – મહારાષ્ટ્રના સંત :

આપણા દેશમાં મોટી મોટી દાઢી અને જટાવાળા તપસ્વી સાધુઓ તો ઘણાં થઈ ગયા, પરંતુ ફક્ત ૨૧ વર્ષ, ૩ મહિના અને ૫ દિવસ સુધી જ આ જગતમાં જીવીને જીવતા જીવંત સમાધિ લેનાર સંત તો બસ એક જ થયા. અને એ સંત એટલે સંત જ્ઞાનેશ્વર..!

સંત જ્ઞાનેશ્વરનો જન્મ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના પૈઠણ નજીક આપેગાંવ ખાતે, ઈ.સ. ૧૨૭૫ ની જન્માષ્ટમીના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ વિઠ્ઠલ પંત અને માતાનું નામ રુક્મણીબાઇ હતું. તેમના પિતા એક ઉચ્ચ કક્ષાના મુમુક્ષુ અને ભગવાન વિઠ્ઠલનાથના અનન્ય ઉપાસક હતા.

લગ્ન પછી, વિઠ્ઠલપંતે સંન્યાસની દીક્ષા લીધી, પરંતુ તેમનાં ગુરુની આજ્ઞા થઈ એટલે ફરીથી સંસાર-પ્રવેશ કરવો પડ્યો. આ ગૃહસ્થાશ્રમમાં તેમને ત્રણ પુત્રો જન્મ્યા, નિવૃત્તિનાથ, જ્ઞાનદેવ અને સોપાન, અને પછી મુક્તાબાઇ નામની પુત્રી જન્મી. પણ સન્યાસ છોડીને ગૃહસ્થ બનવાના કારણે સમાજે જ્ઞાનદેવના પિતા વિઠ્ઠલપંતનો સામાજિક બ હિષ્કાર કર્યો હતો. તેઓ આ માટે કોઈપણ પ્રકારનું પ્રાયશ્ચિત કરવા તૈયાર હતા.

એટલે ત્યાંના શાસ્ત્રકારોએ ‘શોધખોળ’ કરીને પ્રયશ્ચિતનો માર્ગ બતાવ્યો- “તમે જે કર્મ કર્યું છે એ અપરાધની તોલે આવે છે. એક સન્યાસીનો દેહ તમે અભડાવ્યો છે, માટે આ દેહ ત્યાગ કરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. આ એક જ પ્રાયશ્ચિત તમારો આવતો જન્મ શુદ્ધ કરી શકશે. અને જ્યાં સુધી આ પ્રયશ્ચિત નહીં થાય ત્યાં સુધી તમારા પુત્રો પર તમારી અશુદ્ધ છાયા રહેશે માટે તેઓ જનોઈ પણ ધારણ કરી શકશે નહીં.”

વિઠ્ઠલપંતે જોયું કે જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી પોતાના આ અવિચારી પગલાંનો પ્રભાવ તેમનાં સંતાનોના ભવિષ્ય પર પડતો જ રહેશે. એટલે આખરે તેઓ પ્રયાગમાં ત્રિવેણીસંગમ તીર્થધામ ગયા અને પત્ની સાથે ત્યાં જળસમાધિ લઈ લીધી. તેમના ચાર બાળકો હવે સાવ અનાથ બની ગયા. એટલું ‘પ્રાયશ્ચિત’ થયા બાદ પણ ત્યાંના લોકોએ વિઠ્ઠલપંતનાં સંતાનોને તેમના ગામના ઘરમાં રહેવા પણ ના દીધા, પરિણામે તેમની પાસે ભિક્ષા માંગીને ખાવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

સંન્યાસી બન્યા બાદ આ બાળકોના જન્મને લીધે, તેઓએ ‘સંન્યાસીના બાળકો’ જેવું અપમાનજનક સંબોધન સતત સહન કરવું પડ્યું. આ સર્વે બાળકોને નાત-બહાર પણ કરી નાખવામાં આવ્યા હતા.

જ્ઞાનદેવ અને તેના બે ભાઈઓ નિવૃતીનાથ અને સૌપાનદેવ અને બહેન મુક્તિબાઈ આ ચારેય સંતો હતા. પિતાની છાયાથી વંચિત રહેલા આ અનાથ ભાઈ-બહેનો, જનાક્રોશના કઠોર આઘાત સહન કરતાં કરતાં, ત્યારનાં વરિષ્ઠ બ્રાહ્મણો પાસેથી ‘શુદ્ધિપત્ર’ મેળવવા માટે ચાલતા ચાલતા, તે સમયના જાણીતા ધર્મક્ષેત્ર પૈઠણ આવી પહોંચ્યા ત્યારે મોટાભાઈ નિવૃતીનાથની વય સોળ વર્ષની, તો જ્ઞાનદેવની ચૌદ વર્ષની હતી, સોપાનદેવ બાર વર્ષનો અને મુક્તિબાઈ અગિયાર વર્ષની હતી.

ચારેય બાળકો ત્યાં પહોંચ્યા તો ત્યાંના બ્રાહ્મણોએ તેમની હાંસી ઉડાવવાનું શરૂ કર્યું, જ્યારે જ્ઞાનદેવે બ્રાહ્મણના ચરણસ્પર્શ કરી શુદ્ધિપત્ર આપવા વિનંતી કરી ત્યારે બ્રાહ્મણ ગુસ્સે થયા અને કહ્યું- “ના જોયો હોય તો મોટો જ્ઞાનદેવ..! અરે, આ મારા દરવાજા પર બાંધેલા પાડાનું નામ પણ જ્ઞાનદેવ છે.”

જ્ઞાનદેવે શાંતિથી ઉત્તર આપ્યો- “પાડા અને આપણામાં ફરક શું છે? નામ અને સ્વરૂપ તો કલ્પિત છે, પરંતુ આત્મતત્વ તો એક સમાન જ છે. ભેદની કલ્પના જ અજ્ઞાન છે.” આવી જ્ઞાનસભર વાણી સાંભળીને બ્રાહ્મણનો અહમ્ ઘવાયો એટલે તેમનો ક્રોધ આસમાને પહોંચ્યો.

“સારું, તો આ વાત છે?” -આમ કહીને તેઓએ એક ચા બુક લીધું અને પેલા પાડાની પીઠ પર અટક્યા વિના ઘણા વા ર ક ર્યા. એ વાર પડ્યા ભલે એ પાડાની પીઠ પર, પણ એનાં સોળ ઉઠી આવ્યા જ્ઞાનદેવની પીઠ પર, અને એ બાળસંતની પીઠમાંથી રક તવહેવા લાગ્યું.

જો કે તે પછી પણ બ્રાહ્મણ સંતોષ ન થયો. એમણે કહ્યું- “જો દરેકનો આત્મા એક જ હોય છે તો શું આ પાડો પણ તારી જેમ જ બોલી શકે છે કે? જો આ પાડો પણ તારા જેવો જ હોય, તો તેને ૐ બોલવા માટે કહે. તું જેમ જ્ઞાનની વાતો કરે છે એમ એની પાસે પણ એવી વાતો કરાવ.”

જ્ઞાનદેવે પાડાની પીઠ પર હાથ મૂક્યો અને પાડાએ સૌની સામે ત્યારે ‘ૐ’નું ઉચ્ચારણ કર્યું. એ પછી તો એ પાડો વેદમંત્ર પણ બોલ્યો. આ ચમત્કાર જોઈને બ્રાહ્મણના આશ્ચર્યની કોઈ સીમા ન રહી, તે તો લજ્જાથી જાણે કે ધરતીમાં સમાઈ રહ્યો.

જ્ઞાનદેવના ચરણોમાં પડીને ક્ષમા માંગતો એ બોલ્યો- “હે જ્ઞાનદેવ, હું અજ્ઞાની છું, મને ક્ષમા કરો.” પણ કામ, ક્રોધ, મદ, મોહ અને માયાથી દૂર એવા એ બાળસંતે બ્રાહ્મણને પ્રેમથી ઉભો કર્યો અને કહ્યું- “તમે પણ જ્ઞાનદેવ જ છો તો કોણ કોને ક્ષમા કરશે?”

તેમના આ અલૌકિક ચમત્કારથી પ્રભાવિત થઈને, પૈઠણ અગ્રણી વિદ્વાનોએ ઈસવીસન ૧૨૮૭ માં તે ચારેય ભાઈ-બહેનોને ‘શુદ્ધિપત્ર’ આપ્યા. એટલું જ નહીં, ત્યાર બાદ તો જ્ઞાનદેવે તેમને કેટલાક દુનિયામાંથી વિ દાય લઇ ચુકેલા લોકોના સશરીર દર્શન પણ કરાવ્યાં. શ્રાદ્ધના દિવસે પૂર્વજોને આગંતવ્યમ કહીને તેમને બોલાવ્યા અને ભોજન પણ કરાવ્યું.

તે સમયના મહાન પંડિતો આ બાળસંતના બીજા પણ ઘણા ચમત્કારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે સમયે એક સંત હતા જેમનું નામ સંત ચાંગદેવ હતું. તેમની ઉંમર ૧૪૦૦ વર્ષની માનવામાં આવી રહી હતી. તેઓએ પોતાની સિદ્ધિ અને યોગશક્તિથી કાળને ૪૨ વાર પાછું મોકલી દીધું હતું. ચાંગદેવ એક મહાન સિદ્ધસંત હતા પરંતુ તેમને હજુય મોક્ષ મળ્યો નહોતો.

કોઈક ગુફામાં તેઓ ક્યાંક ધ્યાન અને તપસ્યા કરતા હતા અને હજાર જેટલા તેમનાં શિષ્યો હતા. તેઓ તેમની યોગ શક્તિથી જાણી શક્યા હતાં કે જ્યારે તેઓ ૧૪૦૦ વર્ષના થશે ત્યારે તેમને ગુરુપ્રાપ્તિ થશે. જ્યારે આ ચાંગદેવે સંત જ્ઞાનદેવની ખ્યાતિ અને કીર્તિ વિશે સાંભળ્યું, ત્યારે તેમને જ્ઞાનદેવની મુલાકાત લેવાનું મન થયું. પરંતુ ચાંગદેવના શિષ્યોએ કહ્યું- “તમે તો મહાન સંત છો અને તે તો એક બાળક છે. તમે તેને મળવા કેવી રીતે જઈ શકો છો? તે તમારી પ્રતિષ્ઠાને અનુકૂળ તો નથી જ.”

આ સાંભળીને ચાંગદેવ મહારાજ પણ અહંકારના વશમાં આવી ગયા. પછી તેઓએ વિચાર્યું કે સંત જ્ઞાનદેવને પત્ર લખવો. પણ પત્ર લખતી વખતે તેઓ મૂંઝવણમાં હતાં કે એ બાળસંતને તેમના સંબોધનમાં શું લખવું. આદરણીય, પૂજ્ય, પ્રણામ કે ચિરંજીવી? સમજમાં નહોતું આવતું કે પત્રની શરૂઆત ક્યાંથી કરવી, કારણ તે સમયે જ્ઞાનદેવની ઉંમર માત્ર ૧૬ વર્ષ હતી તો ‘પૂજ્ય’ કેમ લખવું. ઉપરાંત ‘ચિરંજીવી’ કેવી રીતે લખાય, કારણ તેઓ તો એક મહાન સંત છે. ઘણું વિચાર્યું પણ સમજાયું નહીં, એટલે પછી તેમણે સાવ કોરો જ પત્ર મોકલાવ્યો.

આ પત્ર જ્ઞાનદેવની બહેન મુક્તાબાઇને મળ્યો. મુક્તાબાઈ પણ સંત હતા. તેમણે પત્રનો જવાબ આપ્યો- “તમારી ઉંમર ૧૪૦૦ વર્ષ છે પણ તમે તો આ પત્રની જેમ કોરાને કોરા જ છો.” આ પત્ર વાંચ્યા પછી, ચાંગદેવ મહારાજના મનમાં જ્ઞાનદેવને મળવાની ઉત્કંઠા વધી ગઈ. પછી પોતાની સિદ્ધિના બળે, એક વાઘ પર સવાર થઈને તેઓ સંત જ્ઞાનદેવને મળવા માટે નીકળ્યા, હાથમાં તેમણે એક સર્પ ધારણ કર્યો હતો અને સંગથે તેમના શિષ્યો પણ હતા. ચાંગદેવને પોતાની આ સિદ્ધિનો ખૂબ ગર્વ હતો.

જ્યારે સંત જ્ઞાનદેવને ખબર પડી કે ચાંગદેવ તેમને મળવા આવી રહ્યા છે ત્યારે તેમને લાગ્યું કે તેઓએ આગળ વધીને તેમનું સ્વાગત સામૈયું કરવું જોઈએ. એટલે તે સમયે, જે ઓટલા (ચબૂતરા) પર જ્ઞાનદેવ બેઠા હતા, તે ઓટલાને તેઓએ ચાલવાનો આદેશ આપ્યો. ત્યારે તેમની બહેન મુક્તાબાઇ અને બંને ભાઈઓ નિવૃત્તિનાથ અને સોપાનદેવ પણ તે ઓટલે બેઠા હતા. તો જ્ઞાનદેવનો આદેશ મળતા જ એ ઓટલો સ્વયં જ આગળ વધવા લાગ્યો.

જ્યારે ચાંગદેવે ઓટલાને ચાલતા જોયો, ત્યારે તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી તેમને ખાતરી થઈ ગઈ કે- “સંત જ્ઞાનદેવ મારા કરતા ચડિયાતા છે, કારણ કે તેમનો તો નિર્જીવ વસ્તુઓ ઉપર પણ કાબુ અને અધિકાર છે, જ્યારે મારો તો ફક્ત જીવંત પ્રાણીઓ પર જ કાબુ છે.”

એટલે તે જ ક્ષણે ચાંગદેવે મહારાજના જ્ઞાનદેવના ચરણસ્પર્શ કર્યા અને તેમના શિષ્ય બની ગયા. એવું કહેવામાં આવે છે કે આ દ્રશ્ય જોઇને ચાંગદેવના શિષ્યો તેમના પર ગુસ્સે થયા પછી તેમને છોડી ગયા હતા. સંત જ્ઞાનદેવ બાળપણમાં સંપૂર્ણ સાધુ હતા. તેમણે બાળપણમાં જ જ્ઞાનેશ્વરી-ગ્રંથની રચના કરી હતી. તેમ જ ગીતાનું સ્વાનુભૂતિ-ભાગ્ય પણ સંભળાવ્યું હતું.

તે દિવસોમાં લગભગ તમામ શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં જ ઉપલબ્ધ હતા અને સામાન્ય લોકો વધારે સંસ્કૃત જાણતા ન હતા. એટલે, ફક્ત ૧૫ વર્ષની ઉંમરે જ આ અદભૂત બાળક જ્ઞાનદેવે મરાઠીની બોલચાલની ભાષામાં જ ‘જ્ઞાનેશ્વરી’ નામની ગીતા-ભાષ્યની રચના કરીને પછી ત્યારની સામાન્ય પ્રજાને તેમની પોતાની જ ભાષામાં ઉપદેશ આપીને જાણે કે જ્ઞાનની જોળી જ ખોલી આપી હતી.

એ પછી જ્ઞાનદેવ ‘જ્ઞાનેશ્વર’ તરીકે ઓળખાયા અને ખ્યાતિ પામ્યા. આ ગ્રંથની પૂર્ણતા બાદ, જ્ઞાનેશ્વરે તેમના રાજકીય સિદ્ધાંતોની સ્વતંત્ર વિવેચના કરવાવાળા, ‘અમૃતાનુભવ’ નામના બીજા ગ્રંથનું પણ નિર્માણ કર્યું. આ પુસ્તક પૂર્ણ થયા પછી, આ ચારે ભાઈ-બહેનો પૂના નજીકના આળંદી ગામે આવી પહોંચ્યા. અહીંથી, તેઓએ યોગીરાજ ચાંગદેવને ૬૫ શ્લોકોમાં જે પત્ર લખેલ તે મહારાષ્ટ્રમાં આજે ‘ચાંગદેવ પાંસઠી’ નામથી પ્રખ્યાત છે.

જ્યારે જ્ઞાનેશ્વર તીર્થયાત્રાના હેતુથી આળંદી છોડીને ચાલ્યા ત્યારે તેમની સાથે તેમના ભાઈ, બહેન અને દાદી પણ હતા. ઉપરાંત વિસોવા ખેચર, ગોરા કુંભાર જેવા અનેક સમકાલીન સંતો પણ તેમની સંગે હતા. ખાસ કરીને, સંત નામદેવ અને જ્ઞાનેશ્વર વચ્ચેનો સંબંધ એટલો સ્નેહપૂર્ણ હતો કે એવું લાગતું જાણે કે આ યાત્રાના બહાને જ્ઞાન અને કર્મ, તપસ્વીઓના વેશમાં સાકાર રૂપ ધારણ કરીને, બન્ને એકરૂપ થઈ ગયા હોય.

તીર્થયાત્રાથી પાછા ફરતાં જ્ઞાનેશ્વર પંઢરપુર માર્ગે આળંદી આવી પહોંચ્યા. વિદ્વાનોનો અંદાજ છે કે આ સમયગાળા દરમિયાન જ જ્ઞાનેશ્વરે તેમના બધાં ભજનોની રચના કરી હશે. બાળકોથી માંડીને વૃદ્ધ લોકો સુધીનાઓને ભક્તિ-માર્ગનો પરિચય કરાવ્યા બાદ, ભાગવત ધર્મની પુન: સ્થાપના કર્યા પછી, અત્યંત યુવાન હોવા છતાં ય જ્ઞાનેશ્વરે આળંદી ગામમાં જીવંત સમાધિ લેવાનું નક્કી કર્યું.

૨૧ વર્ષ, ત્રણ મહિના અને પાંચ દિવસ જેટલી અલ્પ આયુમાં જ, તેમણે આ નશ્વર દુનિયા છોડી અને સમાધી લઈ લીધી. પોતાનાં ગુરુ નિવૃત્તિનાથને અંતિમ વંદન કર્યા બાદ અત્યંત સ્થિતિપ્રજ્ઞ અવસ્થામાં જ્ઞાનેશ્વર સમાધિ-મંદિરમાં જઈને બેસી ગયા હતા. ત્યાર બાદ તેમનાં ગુરુએ સ્વયં એ સમાધિ-મંદિરનો દરવાજો બંધ કર્યો. સંત નામદેવે જ્ઞાનેશ્વરની આ સમાધિ-ગ્રહણનું વૃતાંત ખૂબ જ હૃદયસ્પર્શી શબ્દોમાં લખ્યું છે.

જ્ઞાનેશ્વર કે જેમને ઘ્યાનેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓએ ઇ.સ. ૧૨૯૬ના માગશર વદી તેરસને દિવસે આ જીવંત સમાધિ જે આળંદી ગામમાં લીધી તે પુનાથી ૧૪ કી.મી. દૂર છે, અને એ હવે એક પ્રખ્યાત યાત્રાધામ બની ગયું છે. આપણા દેશમાં મોટી મોટી દાઢી અને જટાવાળા તપસ્વી સાધુઓ તો ઘણાં થઈ ગયા, પરંતુ ફક્ત ૨૧ વર્ષ, ૩ મહિના અને ૫ દિવસ સુધી જ આ જગતમાં જીવીને જીવતા જીવંત સમાધિ લેનાર સંત તો બસ એક જ થયા. અને એ સંત એટલે સંત જ્ઞાનેશ્વર..!

– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)