(સોરઠી સંતો)
“આંબાઝરનો ઝીલણો , નવા સરીખા નીર ,
ધજા ફરુકે ધરમની , પરગટ ગીગો પીર .
સોરઠ ધરા સોહામણી , ગાંડી ઘેઘુર ગિર ,
સરવા સતાધારમાં , પરગટ ગીગેવ પીર.”
ધજડી ગામના કોઈ ગધૈની એક જુવાન દીકરી હતી . એનું નામ લાખુ . લાખુને રાણપર ગામે પરણાવેલી , પણ લાખુ પોતે જાડીમોટી , અને ધણી હતો છેલબટાઉ . લાખુમાં એ લંપટનું મન ઠર્યું નહિ મા રી કૂટીને એણે લાખુને ઘરમાંથી કાઢી મૂકી . ચલાળામાં પોતાનું મોસાળ હતું , ત્યાં આવીને લાખુ મામાની ઓથે રહી . એના ધણીએ તો નવી સ્ત્રી કરી , એટલે લાખુનાં મોસાળિયાંએ પણ વિચાર કર્યો કે આપણે લાખુને બીજે ક્યાંઇક દઈ દઈએ , પણ લાખુએ ન માન્યું .
દુઃખની દા ઝેલી લાખુએ પોતાના જીવને ધર્મકામમાં પરોવવા માટે આપા દાનાની જગ્યામાં ગાયમાતાઓની ચાકરી આદરી દીધી . પણ એ ભોળી . જુવાનડી પોતાના મનના વિકારને છેવટે ન દબાવી શકી . જગ્યાના જ કોઈ બાવાના સમાગમમાં નિર્દોષ લાખુ ફસાઈ પડી .
લાખુને ઓધાન રહ્યું . ગામમાં અને પરગામમાં એની બદનામી થવા લાગી . લોકો બોલતા થયાં કે ‘ રા ડને ઘરઘાવતાં ઘરઘી નહિ ને આપાના ખૂંટડાઓમાં જઈને રહી .
” સગાંવહાલાંએ એને તિરસ્કાર દીધો . ધરતી પોતાને ક્યાંય સંઘરે એમ ન લાગવાથી છેવટે પાણીનો આશરો લઈ દુનિયા છોડવાનો મનસૂબો લાખુના અંતરમાં ઊપડવા લાગ્યો.
અધરાતે જગ્યાનો સહુ માણસો ઊંઘી ગયાં , એટલે લાખુ કૂવાકાંઠે ગઈ . હે આપા દાના ! ” એવો નિસાસો નાખીને મંડાણેથી પડતું મેલવા જાય છે ત્યાં કોઈએ એનું કાંડું ઝાલ્યું .
કાંડુ ઝાલનારા આપા દાના પોતે જ હતા . સહુ ઊંઘી જાય ત્યારે આપાને જાગવાની અને જગ્યામાં આંટા દેવાની ટેવ હતી.
લાખુ ! બેટા ! કૂવામાં પડુને હાથપગ શીદ ભાંગતી છો ? તાળા પેટમાં તો બળભદર છે . ઈ કોઈનો માર્યો નથી મરવાનો . નાહક શીદ વલખા મારુ રઇ છો ?
‘ કોણ સંઘરશે ? ” લાખુ રોઈ પડીઃ “ બાપુ , હું ક્યાં જઈને સમાઉં ? જીવતાં મને કોણ સંઘરશે ?
પંપાળીને ભગત બોલ્યા : “ દીકરી ! ઠાકર તુંહે સંઘરશે . ને આ જગ્યા તાળાં સાચાં માવતરનો ઘર જ માનજે . ”
ભગત લાખુનું રક્ષણ કરવા લાગ્યા . નવ મહિને એને દીકરો અવતર્યો . દીકરો છ મહિનાનો થયો એટલે ભગત પોતે જ મંડ્યા તેડવા ને રમાડવા . પોતે જ એનું નામ “ ગીગલો ‘ પાડ્યું . સાત વરસની અવસ્થા થઈ ત્યાં ગીગલો વાછરું ચારવા મંડ્યો . એથી મોટો થયો એટલે મંડ્યો . ગાયો ચારવા . એમ કરતાં ગીગલો બાવીસ વરસનો જુવાન જોદ્ધો . બન્યો . રાત અને દિવસ , ભૂખ અને તરસ જોયા વિના ગાયોનાં છાણવાસીદાં અને પહર – ચારણમાં ગીગલો તલ્લીન બની ગયો છે .
એવે એક દિવસે પાળિયાદથી વીસામણ ભગત આપા દાનાના અતિથિ થયા છે . સવારને પહોર આપો વીસામણ અને આપો દાનો ઓટલે બેઠા બેઠા સાધુ-બ્રાહ્મણને અને અપંગોને જુવાર આપે છે . સન્મુખ ગીગલો ગાયોનું વાસીદું કરે છે . માથા પર છાણના સુંડા ઉપાડી ગીગલો એક ઠેકાણે ઢગલો કરે છે . માથે મે વરસે છે , તેથી , સુંડલો ચૂવે છે . છાણના રેગાડા ગીગલાના મોં ઉપર તરબોળ ચાલ્યા જાય છે . એ દેખાવ જોઈને આપો વીસામણ બોલ્યા : “ આપા દાના , હવે તો હદ થઈ . હવે તો ગીગલાના સુંડા ઉતરાવો ને ?
” આપા , તમેય સમર્થ છો . અને આજ જગ્યાને આંગણે અતિથિ છો તમે જ ઉતરાવો ને ?
આપા દાનાએ ગીગાને સાદ દીધો : “ ભણે ગીગલા , સૂંડો ઉતારુ નાખ ! આસેં આવુંને આપા વીસામણને પગે લાગ . ”
“ બાપુ ! મારા હાથ છાણવાળા છે . અવેડે ધોઈ આવું . ”
“ ના ના , બેટા . ધોવાની જરૂર નથ . ઇંને ઇં આવ . ”
ભોંઠો પડતો પડતો ગીગલો બગડેલે હાથે આવ્યો . આઘેથી બેય સંતોને પગે પડવા લાગ્યો . ત્યાં તો આપા દાનાએ એના છાણવાળા હાથ પોતાના ગુલાબ સરખા હાથમાં ઝાલી લીધા ને કહ્યું :
“ ગીગલા ! બા ! તારે બાવોજી પરસન છે . તું અમ બેયથી મોટો . આજથી તું ગીગો નહિ , પણ ગીગડો પીર ! ”
પોતાને હાથે ભગતે ગીગાનું મોં લૂછી નાખ્યું . છાણના રેગાડા નીચે ઢંકાયેલી વિભૂતિ ગીગાના મુખમંડળ પર રમવા લાગી . એના અંતરમાં નવાં અજવાળાં થઈ ગયાં . આત્માનાં બંધ રહેલાં કમાડ ઊઘડી ગયાં .
(સૌજન્ય-સોરઠી સંતો અને સતાધારનો ઇતિહાસ)