સતાધારના સંત શ્રી આપાગીગા ભાગ – 2, આપાગીગાએ લીધી હતી જીવતા સમાધી, વાંચો તેમનું જીવન ચરિત્ર.

0
1423

આપા દાનાએ પોતાને હાથે ભગતે ગીગાનું મોં લૂછી નાખ્યું . છાણના રેગાડા નીચે ઢંકાયેલી વિભૂતિ ગીગાના મુખમંડળ પર રમવા લાગી . એના અંતરમાં નવાં અજવાળાં થઈ ગયાં . આત્માનાં બંધ રહેલાં કમાડ ઊઘડી ગયાં ભગતે ગીગાની માતાને સાદ કરી બોલાવી, તે દિવસ જુવારની રાબ કરાવી . એ નીચી જાતનાં ગણાતાં ગધેૈ માં – દીકરાને પોતાનાં ભેળું એક જ થાળીમાંથી ખવરાવ્યું .

આપા દાનો લાખુ ડોશીના પગમાં માથું ઢાળીને બોલ્યો કે , “ માતાજી ! તારો બેટડો ઠાકરનો બંદો થઈ ગયો છે .

તુંમાં પાપ નો’તું , તું તો ઓલિયાની જનેતા હતી . તેને દૂભવતલ દુનિયા મહાપાપમાં પડી . લે હવે , દીકરાની સિદ્ધિ દેખીને આંખ્યું ઠાર્ય , માવડી !

“ અને બાપ ગીગલા ! આજ આપણે ભેળાં બેસીને રાબડી ખાધી એટલે આજથી ધરમની ધજા બાંધીને તું ભૂખ્યાંદુખ્યાને રાબડી દેતો જા !”

દાન મહારાજ ને દંડવત પ્રણામ કરી , રડતા રડતા જગ્યાના ઝાડવે ઝાડવાને બથ ભરીને ગીગા ભગતે ચલાળાના સ્થાનક્માં ચક્કર માર્યુ .

જે સ્થળે પોતે મોટા થયા હતા તે સ્થળની ધુળ માથે ચડાવી . એક સો ને આઠ ગાયુ લઇ સૌ પ્રથમ ચલાળામાં જયાં અત્યારે ફુલવાડી કેહવાય છે ત્યાં મઢુલી બાંધી . દશેક વિઘા પડતર જમીનમાં સુધારો કર્યો . કૂવો ગાળી વાડી બનાવીને દાળ – રોટલાનું સદાવ્રત શરૂ કર્યુ . ફુલવાડી માં આસોપાલવ , જાંબુ , સીતાળી , ચિકું જામફળ જેવા વૃક્ષો અને જુઇ , ચમેલી , ચંપો જેવા ફુલ ઝાડ લેહરાવા લાગ્યા.

આપા ગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફુલવાડીનાં નામે ઓળખાવા લાગી આજે બસો વર્ષથી તે જ નામે ઓળખાય છે . આપા ગીગાએ ચલાળામાં જુદી જગ્યા કર્યા પછીના થોડા સમયે આપા દાનાએ સ્વધામ ગમન કર્યું .ગીગા ભગતની જુદી જગ્યા બંધાઈ. રાબ રોટલા હડેડાટ હાલવા લાગ્યા . ગાયોનું પણ ધણ બંધાઈ ગયું .

એવામાં ઉત્તર હિંદુસ્તાનમાંથી વિકરાળ ખાખી બાવાની એક જમાત જાત્રા કરતી . ચલાળે આવી ઊતરી . અને તે સમયના રિવાજ પ્રમાણે આ જુલમી બાવાઓએ દાના ભગતની જગ્યામાં માલપૂવાની રસોઈ માગી . તે વખતે દાના ભગતનો દેહ છૂટી ગયેલો . પોતે તો જતિપુરુષ હતા , એટલે જગ્યાની ગાદી ઉપર પોતાના ભાઈનો વંશ ચાલતો . તેમના કુટુંબી ગાદીએ હતા .

આ ભગત ડાઢી ડાઢીને જે કોઈ આવે તેને એમ જ કહેતા કે , “ જાવ ગીગલા . પાસે ! ‘ એ જ રીતે ખાખી બાવાઓને પણ ગીગા ભગતની જગ્યામાં મોકલ્યા .
ગીગાએ તો નિયમ પ્રમાણે જુવાર આપવા માંડી . ખાખીઓએ ખિજાઈને ભગતને બહુ કોચવ્યા , મા રમા ર્યો , લૂ ટી લૂ ટીને ખાઈ ગયા . ચલાળામાં રહેવું હવે ઉચિત નથી એમ માની ગીગો ભગત ગાયો લઈને ચાલી નીકળ્યા . આંબા , અમરેલી , સીમરણ, ચાંપરડા અને ગીરમાં ચાંચઈ , એમ જગ્યાઓ બાંધી બાંધીને છ વર્ષ કાઢી નાખ્યાં.

ભક્તિ – મારગડે હાલેલા આપા ગીગા ગિરમાં પરીભ્રમણ કરી રહ્યા છે.ત્યાંથી આબાંઝરને કાંઠે આવી પોહચ્યાં.ચોગરદમ ગિરિમાળાઓ , અખૂટ પાણી અને લીલીકુંજાર વનરાઇ જોઇ આપાનું મન પ્રસન્ન થઇ ઉઠ્યુ. ગાયો અને વાછરડા પણ લીલા ઘાસ જોઇ મન મૂકીને ચરવા માંડ્યા. એક દી સાંજના સમયે ચુલો સળગી રહ્યો છે , તેમાંથી લોબાનની ભભક ઊઠવા માંડી.ગુરૂ આપા દાનાનું વચન આપાને સાંભળી આવ્યું , “ લોબાનની ભભક આવે તીસે રોકાઇ જાજો . ” અને ત્યાંજ વનવાસ વખતે પાંડવો દ્રારા સ્થાપીત પોણું ડટાયેલુ શીવલીંગ જે આજે બીલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે તે જગ્યામાથી આપાગીગા ને મળ્યુ .

આપા ગીગાનો આત્મા આબાંઝરનાં કાઠે ઠર્યો. ધરતીને મા નો ખોળો ગણી આપાએ ઝૂંપડી બાંધી. સતાધારનું સ્થાપન આપા ગીગાના હાથે વિ.સં ૧૮૮૫ માં આ રીતે થયું. ચમત્કારની કેટલીયે વાતો આપા ગીગાના જીવન સાથે વણાઇ ગયેલી છે.આપાની બાંધેલી ઝૂંપડી સતાધારના નામે પ્રખ્યાત બની. વીસાવદર ગામથી ત્રણ ગાઉ ઉપર ગીરના ડુંગર અને ગીચ જંગલની વચ્ચે કેવળ સતના આધારે સ્થાપેલા આ સતાધાર ધામમાં કરુણા બે ધારાઓ વાટે વહેવા લાગી : એક ગૌ – સેવા . ને બીજી ગરીબ – સેવા . ગીરના ડુંગરમાં ગાયો માટે ચારણનો તોટો નહોતો .

શ્રદ્ધાળુ ગામડિયાં ‘આપા ગીગા’ ને નામે પોતાનું કંઈક કલ્યાણ થતાં જ સતાધારને ખીલે ગાય , ભેંસ કે ઘોડા બાંધી જતાં , અને તે જ રીતે છાશદૂધ વિના દુઃખી થતાં દીન જનોને ભગત એ પશુ પાછાં ભેટ દેતા . બીજી બાજુ આઘેથી અને ઓરેથી અપંગો , રક્તપીડિયાં અને અશક્તો – આજારો પગ ઢરડીને સતાધાર ભેળાં થઈ જતો . એટલે ત્યાં એને કશી સૂગ વિના રાબરોટી અપાતાં . સતાધાર તો જૂના સમયનો અનાથ – આશ્રમ હતો .

ગીગો માનવીને દેતો , તેમ ઈશ્વર પણ ગીગાને દઈ જ રહેતો .

આપા ગીગાએ વિ.સં ૧૯૨૬ ( ઇ.સ ૧૮૬૯ ) જગ્યામાં જીવતા સમાધી લીધી. આપાગીગાએ સમાધી લીધી એને વર્ષો થયા પણ સતના આધારની સદાવ્રત સેવા આજ સુધી પણ અવિરત ચાલુ છે .

– સંપુર્ણ. (સૌજન્ય-સોરઠી સંતો અને સતાધારનો ઇતિહાસ)