મેલીઘેલી બંડી, ગોદડી અને એક લાકડાની પાટ, સાવ ગારથી લીંપેલી નાની મઢૂલીમાં રહીને લાખો લોકોમાં અનોખી ભક્તિ જગાડનાર બગદાણાના સંત શ્રી બજરંગદાસ બાપાને સૌ જાણે છે. આજે તો કેવળ સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અને દેશ-વિદેશમાં બાપા સીતારામના નામની આહલેક વર્તાઈ રહી છે.
એક વાર પિતાના સ્વભાવને કારણે તેમણે ઘર છોડી દીધું. ફરતા ફરતા તેઓ અયોધ્યા પહોંચ્યા અને ગુરુ સીતારામજી પાસેથી દીક્ષા પણ લઈ લીધી. યુવાન અવસ્થામાં તેમણે સ્વાતંત્ર્યની ચળવળમાં પણ ભાગ લીધો હતો. ત્યારબાદ ભાવનગરના પાલિતાણા પંથકમાં આવેલ વાળુકડની હનુમાનજીની જગ્યામાં ત્યાર બાદ કણમોદર અને પછી ત્યાંથી બગદાણાની જગ્યાએ આશ્રમ સ્થાપ્યો હતો.
શરૃઆતમાં તેમણે બગડ નદીના કિનારે બગડેશ્વર મહાદેવ મંદિરમાં નિવાસ રાખ્યો હતો. આ પછી ગામમાં આવેલ હનુમાનજીની જગ્યામાં સતત બાર વર્ષ સુધી તપ કર્યું હતું. ગામમાં સતત ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતા તે જગ્યાએ વધુ ભીડ થતા ગામની બહાર હેડમતાણુ નદીની નજીક ખુલ્લી જગ્યામાં આશ્રમ સ્થાપ્યો.
આશ્રમની વિધિવત સ્થાપના ૧૯૫૮ માં કરવામાં આવી હતી. જ્યારે અન્નક્ષેત્ર ૧૯૬૧ માં ૨૩ ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે બજરંગદાસ બાપાએ શરૂ કરેલું આ સેવાકાર્ય આજે વટવૃક્ષ બનીને લાખો શ્રદ્ધાળુઓને ભક્તિ અને સેવાનું અનુપમ ઉદાહરણ પૂરું પાડી રહેલું છે. ૧૯૬૧ માં વિનોબા ભાવેએ ભૂદાન ચળવળ શરૃ કરી હતી. બાપાએ ત્યારે ગામમાંથી છ વીઘા જમીન ખરીદીને ખેતવિહોણા મજૂરોને તે જમીન આપી દીધી હતી.
આ ઉપરાંત ૧૯૬૨ માં જ્યારે ચીન સામેનાયુ ધવખતે સંરક્ષણ ફંડમાં તેમણે પોતાની પાસે જે કાંઈ હતું તેની હરાજી બોલાવી તે રકમ દેશ ખાતર આપી દીધી હતી. ૧૯૭૧ માં પણ પાકિસ્તાન સામેનાયુ ધમાં સંરક્ષણ ફંડ આપવા તેમણે બધું વેચી માર્યુ હતું. તેઓ કહેતાં કે દેશ આફતમાં હોય ત્યારે જે હોય તે બધું જ કામે લગાડી દેવું.
સૌરાષ્ટ્રમાં લાખો લોકોને તેમના પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. પરંતુ તેમણે એવો ક્યારેય દાવો નહોતો કર્યો કે તેઓ ચમત્કારી સંત છે. બજરંગદાસ બાપા લોકોને હંમેશા કહેતા કે, ભગવાન શ્રીરામ, શ્રી હનુમાનજી પર શ્રદ્ધા રાખો. તેમણે કોઈ વ્યક્તિને ક્યારેય દીક્ષા આપી નથી કે કંઠી પહેરાવી નથી. આમ છતાં પણ આજે કરોડોની સંખ્યામાં લોકો બાપા સીતારામ કહેતા ભક્તિનો અનોખો ભાવ અનુભવે છે.
આજે તો ગુજરાતના ખૂણેખૂણે બાપા સીતારામની મઢૂલી અને સેવાક્ષેત્રો ખૂલેલાં છે. સામાન્ય માનવીમાં આસ્થાનો દીવો પ્રગટાવનાર બજરંગદાસ બાપાએ ૭ જાન્યુઆરી,૧૯૭૭ ના રોજ દેહ ત્યાગ કર્યો હતો. બાપા બજરંગદાસના સ્વર્ગલોક પછી પણ તેમણે શરૃ કરેલ અન્નક્ષેત્રનું કાર્ય અટક્યું નહીં પરંતુ વધુ વેગવાન બન્યું.
આજે તો સામાન્ય દિવસોમાં પણ બગદાણામાં શ્રદ્ધાળુઓની દર્શન માટે મોટી ભીડ જોવા મળતી હોય છે. દર મહિનાની પૂનમે મેળા જેવું વાતાવરણ બને છે. પોષ વદ ચોથના રોજ અહીં મોટો મેળો ભરાય છે જેમાં ગુજરાતના ખૂણેખૂણેથી લોકો આવતા રહે છે. બાપા બગદાણા આવ્યા પછી બગદાણા ધામમાં અનેક ચમત્કારો થયા છે. બાપા બગદાણામાં શરૂઆતમાં બગડેશ્વર મંદિરમાં નિવાસ કરતા હતા. એ પછી તેઓ ગામના ચોરામાં બેસતા અને પછી બાપા પાસે ભક્તોની અને ચમત્કારોથી આકર્શિત થઈને અનેક ભક્તોની ભીડ વધવા માંડી. તેથી બાપાએ હેડમતાણું નદીની ખુલ્લી જગ્યામાં આશ્રમ નાખ્યો હતો.
બાપાએ ચાલુ કરેલ અન્નક્ષેત્ર અને સેવા કાર્ય આજે આજે વટવૃક્ષ બનીને લાખો શ્રધાળુંઓને ભક્તિ અને સેવાનું અણનમ ઉદાહરણ પૂરું પાડે છે. બગદાણા ખાતે વર્ષમાં બે વખત મોટા મોટા ઉત્સવ ઉજવાય છે, એક ગુરુ પુનમના દિવસે લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે, જ્યારે બીજી એક તિથી બાપાની પુણ્યતિથિના દિવસે બગદાણા ધામમાં ખુબ ધામધુમથી ઉત્સવ ઉજવાઈ છે.
બાપાએ પોષ વદ 4 ના રોજ બગદાણા ધામમાં 1977 માં દેહ ત્યાગ કરી કાયમ માટે બગદાણા ધામમાંથી વિદાય લીધી હતી. તેદી મઢુલી બાપા વગર સુની થઇ ગઈ અને આ દિવસે આખું બગદાણા ગામ, બગડ નદીના નીર અને પંખીઓના કલરવ શાંત થઇ ગયો હતો. બાપાના આગમન બાદથી બગદાણા ગામનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. ગુજરાતમાં ગુંજતું નામ એટલે બાપા સીતારામનું બગદાણા ધામ.
બાપા સીતારામ જન્મતાની સાથે જ અનેક પરચાઓ થવા લાગ્યા હતા, જેમાં તેના નાનપણ માં સાપ સાથે સુવાનો, ગુરુ સાથે સંઘમાં શ્રી રામની ભક્તિ થી વાઘને ભગાડવાનો વગેરે સામેલ છે. બાપાએ દીક્ષા લીધા બાદ અનેક પરચાઓ આપ્યા છે અને હાલ બાપા દુનિયાના દુખિયારા લોકોને અવારનવાર મુશ્કેલીના સમયે પરચાઓ આપે છે, જેથી લાખોની સંખ્યામાં ભક્તો બગદાણા બાપાના આશ્રમના દર્શન કરવા આવે છે.
એક વખતની વાત છે દીક્ષા બાદ ભ્રમણ કરતા કરતા મુંબઈના દરિયા કિનારે આવ્યા હતા, ત્યાં બાપા સાથે અનેક ભક્તોનો પરિચય થયો હતો. એ વખતે ગોરો અંગ્રેજ અમલદાર પોતાની ગાડીમાં ત્યાંથી નીકળ્યો અને આ વખતે બાપા તે રસ્તામાં બીજા ભક્તો સાથે પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા. તે આ જોઇને બાપાની ભક્તિ અને સેવા વિશે ખરાબ બોલવા લાગ્યો. અને સાથે કહ્યું કે જો તમે ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો.
આ થી બાપા એ જ વખતે ત્યાં પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા, બાપાએ ખારા પાણીમાંથી મીઠું પાણી કાઢ્યું અને લોકોનું ટોળું ત્યાં આ સમત્કાર જોઇને ભેગું થઇ ગયુ. આ જોઇને ગોરો અમલદાર પણ બાપાનાં પગમાં પડી ગયો અને અનેક લોકો બાપાના પગમાં પડવા લાગ્યા. બાપા વારંવાર એક વાક્ય જરૂર બોલતા જેવી મારા વ્હાલાની મરજી….
બાપાનાં બગદાણા આશ્રમમાં ભક્તોની ભીડ બાપાના ચમત્કારો અને પરચાઓને કારણે ખુબ રહેતી, જેમાં બાપાના આશ્રમમાં ભાલ પંથકના એક માલધારી ભક્ત પોતાને કેન્સરનો રોગ થયો હતો જે અનેક ડોક્ટરોની દવા અને સારવાર કરાવ્યા બાદ પણ મટે તેમ ના હતો, આ કારણે ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા હતા. આવા વખતે અનેક લોકોએ તેમને બાપાનાં આશ્રમે જવાનું કહ્યું હતું અને પોતાનું દુખ બતાવવાનું કહ્યું હતું.
આ સમયે આ વ્યક્તિ અનેક સમસ્યા અને રોગ છતાં તે બગદાણા આવ્યો અને બાપાને વાત કરી. બાપાએ પોતાના આશ્રમની ખીચડી આ ભક્તને ખાવા આપી પરંતુ ડોકટરોએ આ વ્યક્તિને માત્ર અમુક પ્રકારનો ખોરાક અને એ માત્ર પ્રવાહીમાં લેવાની સલાહ આપેલી હતી. તેથી તે આ ખીચડી ખાઈ શકે તેમ પણ ન હતા.
તેથી તે વાત બાપાને કરી ત્યારે બાપાએ કહ્યું હતું કે, મારા આશ્રમમાં આવેલો કોઈ ખાધા વગર કે ભૂખ્યો જાય તે કેવી રીતે ચાલે? અને તેને આ ખીચડી ખાઈ જવાનું કહ્યું તેથી તે ભક્ત આ ખીચડી ખાવા લાગ્યા અને તેનાથી ખીચડી પણ ખવાઈ ગઈ અને તેને કેન્સરમાં પણ ખુબ જ મોટી રાહત થઇ છે. આ પછી તો આ પછી તો આ વ્યક્તિ ઘણીવખત બગદાણા આવ્યા અને ઘણા વર્ષ સુધી જીવ્યા. આવો થતો હતો બાપાનો ચમત્કાર.
હાલ બગદાણા આશ્રમનો વહીવટ મનજીબાપાની દેખરેખ નીચે ચાલી રહ્યો છે. તેઓ બજરંગદાસ બાપાના પરમ શિષ્ય છે. હાલ પણ કોઈ ભક્ત બગદાણા જાય તો પ્રસાદી લીધા વગર પાછો ફરતો નથી…
બાપા સીતારામ.
– સાભાર પી કે. આહીર વેકરી (અમર કથાઓ ગ્રુપ)