ભાગવત રહસ્ય – ૭૪ (સ્કંધ – ૨)
જગતમાં ગુરુ સુલભ છે. પણ સદગુરુ મળવા દુર્લભ છે. સદ(સત-સત્ય) એ પરમાત્માનું નામ છે. સર્વમાં ઈશ્વરનાં દર્શન કરે તે સદગુરુ. પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી આપે તે સદગુરુ. માત્ર શબ્દોથી ઉપદેશ આપે તે ગુરુ.(આધુનિક-અત્યારના જમાનામાં આવા ગુરુ ઠેર ઠેર જોવા મળે છે)
જેનો પ્રત્યેક વ્યવહાર જ્ઞાન અને ભક્તિ, વૈરાગ્યથી ભરેલો છે. અને એક પળ પણ શ્રી કૃષ્ણના દર્શન વગર રહી શકતા નથી તે મહાત્મા સદગુરુ છે. શુકદેવજી એક પળ પણ પ્રભુનું સ્મરણ કર્યા વગર રહી શકતા નથી એટલે તે સદગુરુ છે. અધિકારી શિષ્યને સદગુરુ અવશ્ય મળે છે. પરીક્ષિત અધિકારી હતો એટલે સદગુરુ સામેથી આવી મળ્યા. પાંચ પ્રકારની શુદ્ધતા પરીક્ષિતમાં છે. માતૃશુદ્ધિ, પિતૃશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ, અન્નશુદ્ધિ, અને આત્મશુદ્ધિ.
અત્યારના જમાનામાં શુદ્ધતા જોવા મળતી નથી. જગતમાં નકલી માલ બહુ વધી ગયો છે.
સાચા સંત કોણ છે? તેની સમજ પડતી નથી. માટે વિચારીને ગુરુ કરજો. પંચભૌતિક સ્વરૂપમાં(શરીરથી) સદગુરુ મળે તો ઉત્તમ છે. પણ જો કદાચ પ્રત્યક્ષ ગુરુ ના મળે તો થઇ ગયેલા કોઈ મહાપુરુષમાં સદગુરુની ભાવના રાખો. આવા થઇ ગયેલા સંતોનું આધિભૌતિક શરીર ભલે ના હોય પણ તેઓનું આધ્યાત્મિક શરીર હજુ છે. તેઓ આપણા માટે હજુ છે.
અને છેવટે કોઈ નહી તો કૃષ્ણં વંદે જગદગુરુમ. પરમાત્મા શ્રીકૃષ્ણ જગદ ગુરુ છે. (સદગુરુ માટે ફાંફાં મારવા કરતાં પોતાની જાતને પહેલાં તૈયાર કરીએ તો સદગુરુ સામેથી આવી મળશે.)
સંત થયા વગર સંતને ઓળખી શકતા નથી. કે સંત મળતાં નથી. સંત થવા મનને સુધારવાની જરૂર છે. ભક્તિની જરૂર છે.
તુકારામજી મહારાજે પોતાનો અનુભવ વર્ણન કર્યો છે. ‘કથા-વાર્તા સાંભળતા પ્રભુ નામ પર પ્રીતિ થઇ, વિઠ્ઠલ વિઠ્ઠલનો જપ હું કરવા લાગ્યો. ભગવાનને મારા પર દયા આવી. મને પહેલાં સ્વપ્નમાં સદગુરુ મળ્યા. પછી હું એક દિવસ ગંગામાં સ્નાન કરીને આવતો હતો ત્યારે રસ્તામાં મને મારા સદગુરુ મળ્યા. મને કહે વિઠ્ઠલનાથની પ્રેરણાથી હું તને ઉપદેશ દેવા આવ્યો છું. અને મને મંત્ર દીધો – રામ કૃષ્ણ હરિ. ગુરુ દક્ષિણામાં ગુરુદેવે મારી પાસે પાશેર તુપ એટલે કે ઘી માગ્યું. (શું તુકારામના ગુરુને પાશેર ઘી નહિ મળતું હોય?) પણ તુકારામની વાણી ગુઢાર્થ ભરલી છે.
તુપ એટલે તારું, તુંપણું અને હુંપણું મને આપ. તારું અભિમાન મને આપ. તારા દેહના ભાવ તું મને અર્પણ કર. તું શુદ્ધ છે. તું ઈશ્વરનો અંશ છે.
અને આ રીતે ગુરુએ જીવનો ઈશ્વર સાથેનો સંબંધ સિદ્ધ કરી આપ્યો.
સંતોનો પ્રત્યેક વ્યવહાર જ્ઞાન અને ભક્તિથી ભરેલો હોય છે. શુકદેવજી ગુરુ નહિ પણ સદગુરુ છે. શુકદેવજી જેવા બ્રહ્મદૃષ્ટિ રાખનારા સુલભ નથી. કેવળ બ્રહ્મજ્ઞાની-બ્રહ્મજ્ઞાનની વાતો કરનારા સુલભ છે. આગળ કથા આવશે ધ્રુવજીને રસ્તામાં નારદજી મળ્યા છે, પ્રચેતા ઓને શિવજી મળ્યા છે. અધિકારી શિષ્યને ગુરુ આવી મળે છે.
પરીક્ષિત રાજા શુકદેવજીને પૂછે છે કે – જેનું મ-ર-ણ નજીક આવ્યું હોય તેનું અને મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? શું કરવું અને શું ના કરવું તે મને સમજાવો. શુકદેવજી બોલ્યા – રાજન તે પ્રશ્ન સુંદર કર્યો છે. રાજાને ધન્યવાદ આપ્યા છે. સમાજનું કલ્યાણ થાય તેવો પ્રશ્ન કર્યો છે. શ્રવણ કરો – અંતકાળમાં વાત-પિત્ત અને કફથી ત્રિદોષ થાય છે. મ-રુ ત્યુની વેદના ભયંકર છે. જન્મ મ-ર-ણના દુઃખનો વિચાર કરો તો પાપ નહિ થાય. તેથી મ-રુ ત્યુની બીક રાખો, તેનું સ્મરણ રાખો.
વિચાર કરો કે – મ-રુ ત્યુને ભેટવાની તૈયારી કરી છે કે નહિ. આ પ્રમાણે ચિંતન કરવાથી વૈરાગ્ય આવે છે. સંસાર ઉપર વૈરાગ્ય લાવવા માટે આ એક જ ઉપાય છે.
પરમાત્મા તમને વધુ સુખ અને સંપત્તિ આપે અને સુખી કરે તો પણ જન્મ મ-ર-ણ-ના દુઃખને ભૂલશો નહિ. મ-ર-ણ-ના દુઃખને ભૂલશો નહિ. મ-ર-ણ-ને નિવારવું અશક્ય છે. જન્મ, મ-રુ ત્યુ, જરા, વ્યાધિનાં દુઃખોનો વારંવાર વિચાર કરો. તો વૈરાગ્ય આવશે, પાપ છૂટશે. બાકી પાપના સંસ્કારો જલ્દી છૂટતા નથી. વિચાર વિના વિવેક-વૈરાગ્ય આવતા નથી. ઈશ્વરનું ચિંતન થતું નથી.
– પૂ. ડોંગરેજી મહારાજ.
(શિવોમ પરથી.)