જે સફલા એકાદશીનું વ્રત કરે છે તે આ લોકમાં યશ પ્રાપ્ત કરીને અંતે મોક્ષને પામે છે, જાણો તેની પૂજાવિધિ.

0
958

સફલા એકાદશીની કથા :

યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પૂછ્યું, હે પ્રભો! માગશર માસની વદ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ શું છે? એ વિસ્તારથી કહો.

પછી શ્રીકૃષ્ણ બોલ્યા, હે રાજેન્દ્ર! અનેકગણી દક્ષિણાવાળા યજ્ઞોથી હું એટલો પ્રસન્ન નથી થતો, જેટલો હું એકાદશીના વ્રતથી પ્રસન્ન થાઉં છું. હું તમને માગશર માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું માહાત્મ્ય કહું તે એકાગ્ર ચિત્તે સાંભળો. પણ અન્ય એકાદશીઓમાં એથી વિકલ્પભેદ કરવો નહિ.

માગશર માસની કૃષ્ણ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહે છે. તેના અધિદેવતા ભગવાન નારાયણ છે. આ દિવસે એમનું વિધિપૂર્વક પૂજન કરવું. સઘળાં વ્રતોમાં એકાદશી શ્રેષ્ઠ વ્રત છે. જે મનુષ્યો એકાદશી કરે છે તે મને અત્યંત પ્રિય છે.

એકાદશી વ્રતની પૂજાવિધિની વાત કરતા શ્રીકૃષ્ણ જણાવે છે કે, નારિયેળ, લીંબુ, બીજોરા, સોપારી, લવિંગ, આમ્રફળ વગેરે દેશકાળ પ્રમાણે ઉપલબ્ધ ફળ હોય તેનાથી ભગવાન નારાયણની પૂજા કરવી. તેમજ ધૂપ, દીપ વગેરેથી ક્રમ પ્રમાણે પૂજન કરવું. સફલા એકાદશીના દિવસે દીપદાનનો ઘણો મહિમા છે. આ દિવસે શ્રમ લઈને પણ રાત્રે જાગરણ કરવું.

આ દિવસે આંખો મીંચીને ઉઘાડે એટલો વખત પણ જે જાગરણ કરે છે તેને જેટલું પુણ્ય ફળ મળે છે એટલું યજ્ઞ કરવાથી પણ નથી મળતું. પાંચ હજાર વર્ષ તપ કરવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે એટલું ફળ સફલા એકાદશીના માહાત્મ્યની કથા સાંભળવાથી મળે છે.

આગળ શ્રીકૃષ્ણ આ વ્રતની કથા સંભળાવતા કહે છે કે, ચંપાવતી નામની નગરીમાં માહિષ્મત નામે રાજા હતો. તેને ચાર પુત્રો હતા. એમાં મોટો પુત્ર મહાપાપી હતો. તે પરસ્ત્રીગામી અને દ્યુત અને વે શ્યામાં આસક્ત હતો. તે દુષ્ટ કર્મમાં, દેવો અને ઋષિઓની નિંદામાં, તેમજ વૈષ્ણવોની કુથલીમાં સદા રત રહેતો. તેનું નામ લુંપક હતું.

માહિષ્મત રાજાએ તેને પોતાના રાજ્ય માંથી હાંકી કાઢ્યો. એ વખતે એને દુષ્ટ વિચાર આવ્યો કે, હવે હું પિતાનું નગર છોડીને વનમાં વસું. દિવસે વનમાં ભમવું અને રાત્રે આ નગરમાં પ્રવેશ કરીને નુકશાન કરવું. આ રીતે હું વનમાં રહીને મારા પિતાના નગરનો નાશ કરીશ. આમ વિચારી તે વનમાં ગયો. તે રાત્રે નગરમાં આવતો અને ચોરી કરતો અને લોકોના જી-વ-લે-તો. લુંપકે પાપકર્મ કરીને આખું નગર નષ્ટભ્રષ્ટ કરી દીધું. નગરના લોકોએ તેને ઘણી વાર પકડ્યો પણ ખરો, પણ રાજાની બીકે તેને છોડી દેતા.

લુંપક પોતાના પૂર્વજન્મના પાપથી રાજભ્રષ્ટ થયો હતો અને વનમાં માંસાહાર અને ફળ ખાઈને જીવન જીવતો હતો. તે જે આશ્રમમાં રહેતો એ આશ્રમ ભગવાન વાસુદેવને પ્રિય હતો. તે આશ્રમમાં ઘણા વર્ષો જુનો પીપળો હતો. એ પીપળો વનમાં દેવની જેમ પૂજાતો હતો. આ પાપી લુંપક પણ ત્યાં જ રહેતો હતો.

સમય પસાર થતો ગયો અને માગશર માસ આવ્યો અને સફલા એકાદશી પણ નજીક આવી. એ રાત્રે ઘણી ઠંડી પડી. લુંપક પાસે ઓઢવા માટે કોઈ વસ્ત્ર ન હતું એટલે ઠંડીને કારણે બેભાન થયો. પછી ભાનમાં આવ્યો ત્યારે પીપળા નીચે ગયો. ઠંડી એટલી હતી કે તેને ઊંઘ આવી નહિ. સૂર્યોદય થયો પણ અશક્તિને કારણે તે ઉભો થઈ શક્યો નહિ.

સફલા એકાદશીના દિવસે બપોરના સમયે થોડી શક્તિ આવી એટલે લથડતો લથડતો તે વનમાં ગયો. ભૂખ અને તરસથી પીડાતો હતો પણ તેનામાં શક્તિ હતી નહિ એટલે જમીન પર પડેલા ફળ લઈને તે પાછો પીપળા પાસે આવી ગયો. સુર્યાસ્ત થયો. ‘હવે મારું શું થશે?’ એમ વિલાપ કરવા માંડ્યો અને લાવેલા ફળ પીપળાના મૂળમાં મૂકી બોલ્યો, આ ફળથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાઓ. આવું કહીને તેણે ભગવાનને ફળ ધર્યા અને બેસી રહ્યો.

રાત પડી પણ તેને ઊંઘ આવી નહિ એટલે એટલે ભગવાન નારાયણે તેને જાગરણ માન્યું અને તેણે ધરેલા ફળને નૈવેધ માન્યું. આ રીતે લુંપકે અજાણતા અને અસાવધાનતાથી સફલા એકાદશીનું વ્રત કર્યું એટલે એને વ્રતના પ્રભાવથી નિષ્કંટક પોતાનું રાજ્ય મળ્યું. એકાદશીની રાત્રી ગઈ એટલે સૂર્યોદય વખતે એક દિવ્ય અશ્વ તેની પાસે આવ્યો. તે અશ્વ પર દિવ્ય સામગ્રી હતી.

તે અશ્વએ લુંપકની નજીક આવીને કહ્યું, હે રાજકુમાર! સફલા એકાદશીના પ્રભાવથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુના અનુગ્રહથી તને તારું શત્રુરહિત રાજ્ય પાછું મળશે. તું તારા પિતા પાસે ચાલ અને રાજ્ય ભોગવ. લુંપકે એ વાત સ્વીકારીને જેવો એ અશ્વ પર બેઠો કે તેનું અલૌકિક સ્વરૂપ થઈ ગયું અને ભગવાન વિષ્ણુમાં એની પરમ મતિ થઇ ગઈ. તે પોતાના ઘરે ગયો અને પિતાની સમક્ષ માથું નમાવીને ઉભો રહ્યો. તેના પિતાએ તેને વિષ્ણુભક્તિમાં રત જોઈ તેને રાજ્ય આપ્યું અને તેણે ઘણા વર્ષો સુધી રાજ્ય સુખ ભોગવ્યું.

પછી તો લુંપક નિયમિત રીતે એકાદશીના વ્રત કરતો અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેતો. તેની પત્ની પણ સદા ભક્તિમાં લીન રહેતી. લુંપકને સ્વરૂપવાન પુત્રો થયા. તે વૃદ્ધ થયો ત્યારે પોતાનું રાજ્ય પુત્રને સોંપી વનમાં ગયો. ત્યાં તે સ્થિર ચિત્ત રાખી અને વિષ્ણુભક્તિમાં પરાયણ રહી આત્મસાધન કરીને અંતે વૈકુંઠમાં ગયો.

આ રીતે જેઓ સફલા એકાદશીનું વ્રત કરે છે તેઓ આ લોકમાં યશ પ્રાપ્ત કરીને અંતે મોક્ષને પામે છે. સફલા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યોને ધન્ય છે. અને તેઓ આ જન્મમાં મોક્ષ પામે છે તેમાં કોઈ શંકા નથી. જે પણ મનુષ્ય સફલા એકાદશીનું માહાત્મ્ય સાંભળે છે તેમને રાજસૂય યજ્ઞનું ફળ મળે છે અને તે સ્વર્ગમાં નિવાસ કરે છે. આમ માગશર મહિનાની સફલા એકાદશીનું માહાત્મ્ય પૂર્ણ થયું.