પાણીની ગંગાધાર કુદરતી રીતે જ શિવલંગનું પ્રક્ષાલન કરે છે. સાત મહર્ષિઓની તપોભૂમિ એટલે સપ્તેશ્વર મહાદેવ. સાબરકાંઠાના ઇડર નજીક ડેભોલ અને સાબરમતી નદીના સંગમસ્થળે આ મંદિર આવેલું છે. જ્યાં દર્શને દરરોજ હજારો યાત્રાળુઓ આવે છે. પવિત્ર પાણીની ગંગાધાર કુદરતી રીતે જ સ્થળનું પ્રક્ષાલન કરી રહી છે. સપ્તેશ્વર મહાદેવના નામ પરથી ખ્યાલ આવી જાય છે કે આ શિવજીનું સ્થળ છે.
ગુજરાત સરકારના સેટલમેન્ટ કમિશનર કૃષ્ણચંદ્ર સગરે આ સ્થળની મુલાકાત લીધેલી. તેમણે અભ્યાસ કરી જણાવેલું કે આ સ્થળ ત્રેતાયુગ સાથે અને ભારતીય ખગોળવિધા સાથે સંકળાયેલું છે. સાત ઋષિઓ એટલે ધર્મગ્રંથો મુજબ કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ, જમદગ્નિ અને ગૌતમ, આ સાતેય ઋષિ એકસાથે હાજર રહ્યા હોય તો એ બાબત અત્યંત મહત્વની લેખાય.
મહાદેવમાં સાતેય શિવલિંગ જુદાં જુદાં એવી રીતે ગોઠવાયેલાં છે કે જાણે આકાશમાં સપ્તર્ષિઓ જ જોઇ લો. એ પણ શકય છે કે જે યુગમાં આ ઋષિઓ અહીં પૂજા કરતા હતા તે યુગમાં સપ્તર્ષિ તારાની સ્થિતિમાં જ શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય.
આજથી લગભગ 3400 વર્ષ પૂર્વે આ સપ્તર્ષિઓએ ભેગા મળી તપશ્ચર્યા કરી હોવાની માન્યતા છે. બે નદીઓનાં સંગમ અને સાત મહર્ષિઓના તપની સાક્ષી પૂરતું છે આ મંદિર. શ્રાવણ માસમાં અને અમાસના દિવસે અહીં મેળા જેવું વાતાવરણ સર્જાય છે.
(સાભાર તુષાર પ્રજાપતિ, અમર કથાઓ ગ્રુપ)