સારંગપુરમાં બનેલા ભવ્ય મંદિરની પાવન ભૂમિ સાથે જોડાયેલી આ વાતો જાણવા જેવી છે.

0
1018

આજથી ૧૦૫ વર્ષ પૂર્વે શાસ્ત્રીજી મહારાજે ૦૮/૦૫/૧૯૧૬ માં સારંગપુરમાં ભવ્ય મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી હતી. સારંગપુર મંદિર કર્યું ત્યારે લોકો કહેતા ‘તલહરાની તાપણીથી ભૂત જાય નહિ.’ અને આ તો ‘વંડી ઉપરનું ખડલું છે.’ સહેજ ઉપાડે ને તરત ઊખડી જાય. મંદિર આમ બંધાતાં હશે? કેટલી શક્તિ, કેટલો પ્રચાર અને પુરુષાર્થ જોઈએ, તો થાય. કર્યા પછી નિભાવવું એય અઘરી વાત છે. પણ શાસ્ત્રીજી મહારાજે બેય વિચાર કર્યો હતો.

કહેનારા રહી ગયા અને સંસ્થાનાં મૂળ ઊંડાં જતાં રહ્યાં. પાતાળે પાયા નાખી દીધા. જોગી બાપાને મહાનત સ્વામી આજુ બાજુ ના ૧૦ માઈલ સુધી ઝોળી માંગવા જાય. ત્યારે બીજે દા’ડે મજૂર અને સાધુ ખાય. ‘સાત ભઈ વચ્ચે એક સૂથણું…’ એમ જે વહેલો ભંડારમાં જાય એ ખાઈ જાય. પછીના લોટ ફાકે. તે દા’ડે અમારે એવું હતું! કઢીમાં નાખવા લોટ ન મળે ને આગલા દિવસના રોટલાનો ભૂકો કરીને ખાંડે ત્યારે એની કઢી થાય. ઘાસલેટના ડબ્બામાં રાંધવાનું.

આવી પરિસ્થિતિમાં કોઈને આવી ઇમારત કરવાનું મન ન થાય. પાછો સામેથી એવો વિરોધ! લોટ માંગવા જાય તો આગળ આગળ વિરોધીઓ ફરે. ‘બંડિયા આવ્યા છે માટે આપવું નહિ!’ બીજા હોય તો વિચાર થઈ જાય; ‘ભગવાનને બેસવું હશે તો બેસશે, આપણે આપણું કરી લો.’ પણ શાસ્ત્રીજી મહારાજને એ વિચાર નહિ.

જ્યાં સ્વયં શ્રીજીએ અનેક વાર પોતાના પરમ ભક્તરાજ જીવા ખાચરના દરબારમાં બેસીને સમગ્ર સારંગપુર પ્રકરણના ૧૮ વચનામૃત કહ્યા અને ભક્તોને સારંગપુર મહાતીર્થ સ્થાનનો અદ્ભુત મહિમા કહ્યો. આ ભૂમિને નૈમિષારણ્ય ક્ષેત્ર ગણી ભક્તજનોને અહીં દેહ ત્યાગ કરવા પર અક્ષરધામ પ્રાપ્ત કરાવવાનું વર આપ્યું.

પોતાના રોઝા ઘોડાને હાલ BAPS નું અક્ષર મંદિર ઉભું છે ત્યાં આગળ ફેરવીને તે સમયે હરિભક્તોને વર આપેલો કે, અહિયાં વિશાળ મંદિર થશે, જેને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સાકાર કર્યો અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી ઊંચું મંદિર (૧૪૧ ફૂટ ઊંચું) ત્રણ માળનું મંદિર વિશાળ કલાત્મક દરવાજા સાથે બનાવ્યું.

અને સારંગપુર આજે સાચા અર્થમાં નૈમિષારણ્ય ક્ષેત્ર બન્યું છે, જ્યાં બ્રહ્મવિદ્યાની કોલેજમાં બ્રહ્મજ્ઞાનના દરિયા ઘૂઘવટે છે. આપણે તો તૈયાર થાળી પર બેઠા છીએ.

– સાભાર કલ્પેશસિંહ ગોહેલ (દિવ્ય સત્સંગ ગ્રુપ)