લઘુકથા – અમારું-તમારું :
– માણેકલાલ પટેલ.
રતન વાતેવાતે પિયરની જ વાત કર્યા કરે :- “મારા બાપાને ત્યાં તો આમ અને તેમ ને….” પાછી કહે :- “તમારે તો આવું ને તમારે તો તેવું ને….”
એના લગ્નને પાંચ વર્ષ થવા આવ્યાં હતાં છતાંય એને આ રીતે જ બોલવાની ટેવ હતી.
દીકરી પિયરની વાતો કરે કે વખાણ કરે એમાં કોઈને વાંધો ન હોય. પણ સાસરે જો “તમારે તો આમ ને તમારે તો તેમ ને ….” આવું મનોવલણ રાખે તો એ ચિંતાનો વિષય બની જાય. તોયે રતનનાં સાસરીયાં આ વાતને હળવાશથી જ લેતાં હતાં.
એનાં સાસુ પૂછે કે, “વહુ શાક શાનું બનાવશો, આજે?” તો રતન તરત જ કહે :- “મારાં બા મારી ભાભીને આવું ક્યારેય પૂછે જ નહિ.”
એક દિવસ દિવાળી પહેલાં એનાં જેઠાણીએ કહ્યું :- “રતનવહુ ! ચાલને આપણે કુંભારને ત્યાંથી નવી માટલી લઈ આવીએ?” તો એ તરત જ બોલી :- “મારા બાપાના ઘરે તો નવા દિવસોમાં કુંભાર ઘરે આવીને માટલી આપી જાય.”
એના પતિ મોહનને રતનની આ ટેવ વિશે ખબર હતી પણ એય આંખ આડા કાન જ કરતો. એને એમ કે એતો ધીરેધીરે અહીંનુંય હૈયે વળગશે.
હંસાનાં લગ્ન થયે એકાદ વર્ષ થયું હતું. દિવાળી પહેલાં એ પિયરમાં રોકાવા આવી હતી. પણ, બીજા દિવસે સમાચાર મળતાં એ સાસરે જવા તૈયાર થઈ એટલે રતને પૂછ્યું :- “હંસાબેન, શું આવ્યાં અને શું…..”
“જુઓ!” હંસાએ કહ્યું :- “અહીં તો તમે બે ભાભીઓ છો પણ મારે તો સાસરે કામ કરવાવાળી હું એક જ છું એટલે મારું ઘર મારે સંભાળવું પડે ને, ભાભી?”
રતન હંસાએ જવા માટે તૈયાર કરેલી બેગ સામે જોઈ રહી.
– માણેકલાલ પટેલ.