સાસુએ છેલ્લા દિવસોમાં પોતાની વહુને જે શીખ આપી તે જાણીને તમે પણ કહેશો ‘આને કહેવાય સાસુ’.

0
1982

લાંબો શ્વાસ લઈને મંજુએ મનમાં વિચાર્યું – “આજે સાસુનું તેરમું પણ પતાવી દીધું. મારી મમ્મીએ માત્ર એકવીસ વર્ષ મારી સંભાળ લીધી, પરંતુ મારી સાસુએ તેમના છેલ્લા શ્વાસ સુધી મારું માન, મારું ગૌરવ અને સૌથી વધુ મારા આ દેહની પવિત્રતાની રક્ષા કરી.

જ્યારે હું સાસરે આવી હતી ત્યારે સસરાના ચરણ સ્પર્શ કરવા માટે નીચે નમી હતી ત્યારે આશીર્વાદ આપતાં સમયે સસરાનો હાથ મારા માથા પરથી જેવો તે પીઠ પર પહોંચ્યો કે સાસુએ તેમને ટોક્યા હતા. “આને દીકરી જ સમજો… વહુ નહીં, આપણે તો દીકરી જ લાવ્યા છીએ.” તે દિવસથી જ્યારે પણ સસરાના ચરણ સ્પર્શ કરું ત્યારે દૂરથી આશીર્વાદ મળી જાય છે.

જ્યારે મારા પતિના મોટા ભાઈ (દૂરના પિતરાઈ ભાઈ) કોઈ કામથી આવ્યા હતા અને થોડા દિવસ અમારા ઘરે રહ્યા હતા ત્યારે હું એક પુત્રની માતા બની ચુકી હતી.

પણ તે પાપી પુરુષની નજર મારા આખા શરીર પર સરકતી રહેતી હતી. એક દિવસ જયારે હું તેમને ચા નો કપ આપી રહી હતી તે મારી આંગળીઓનો સ્પર્શ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને મારી સાસુ તે પાપીને જોઈ ગયા. અને નજીક આવીને તેમના હાથમાંથી ચા નો કપ લઈને બોલ્યા, “લાલું, હવે તારા ઘરે જઈને જ ચા પીજે. મારી વહુ સીતા છે દ્રૌપદી નહિ કે જેને ભાઈઓ એકબીજા વચ્ચે વહેંચી લે. મારી સાસુનો ઠપકો સાંભળીને તે પાપી થેલો ભરીને એવા ભાગ્યા કે મારી સાસુના તેરમા સુધી પણ અમારા ઘરમાં નથી આવ્યા.

પિતરાઈ નણંદનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે તેની સેવા ચાકરી માટે થોડા દિવસ તેના ઘરે રોકાવાનું હતું.

ત્યાં જતા સમયે મારી સાસુએ મને જે સૂચનાઓ આપી હતી તે આજે પણ મારા કાનમાં ગુંજતી રહે છે, “વહુ, સાચવીને રહેજે. આમ તો તેના પતિ સંયમ રાખવાવાળા છે, પણ છે તો પુરુષ જ. તેમના ઘરમાં ફક્ત તેઓ બે જ જણા રહે છે. અને અત્યાર સુધી તેમને કોઈ સંતાન નથી થયું.

પોતાના અંતિમ દિવસોમાં જ્યારે સાસુ પથારીવશ હતા ત્યારે એક દિવસ તેમણે હળવેથી મને કહ્યું હતું, વહુ, જેમ મેં તને સાચવી છે તેમ તું પણ તારી વહુનું રક્ષણ કરજે. મોટાભાગની સ્ત્રીઓ સમાજમાં ઈજ્જત ગુમાવવાના ખોટા ડરને કારણે સાચા પગલા નથી ભરી શકતી અને આખી જિંદગી દુઃખ સહન કરતી રહે છે. તારે એવી સ્ત્રી નથી બનવાનું.

આટલું કહીને તે ચૂપ થઈ ગયા અને મેં તેમની હથેળીને જોરથી પકડી રાખી અને તેમને વચન આપતા કહ્યું, “મમ્મી ચિંતા ન કરો, તમારા પૌત્રની વહુ મારી સુરક્ષામાં રહેશે.

મારી સાસુ આજે આ દુનિયામાં નથી રહ્યા. પણ હું વિચારું છું કે લગ્ન નક્કી થયા તે સમયે જે બહેનપણીઓ મને ચીડવતી હતી કે, જા તારી સાસુની સેવા કર… તારા પપ્પા એવું ઘર ના શોધી શક્યા જ્યાં સાસુ ન હોય.

હવે હું તેમના ઘરે જઈને કહીશ કે “મારી સાસુ મારા શરીરના વસ્ત્ર જેવી હતી, જેમણે મારા શરીરને ઢાંકી રાખ્યું અને ન ફક્ત દુનિયાની સામે પણ મારી પોતાની નજરમાં પણ મને શર્મશાર થતા બચાવી.”