સાસુમા છેતરી ગયાં : સામાન્ય ઘરની દીકરી સમાજના પ્રતિષ્ઠિત ઘરની બની વહુ, પછી જે થયું તે જાણવા જેવું છે.

0
3493

“સાસુ”

લેખક – નટવરભાઈ રાવળદેવ થરા.

પરિક્ષિતનું સી એ નું ફાઈનલ વર્ષ પુરુ થતાં જ એના પિતા ધનંજયભાઈએ સગપણ માટે છોકરીઓ જોવાની વાત કરી. પ્રથમ તો પરિક્ષિતને જ પુછી જોયું, બેટા! કોઈ પાત્ર તારા ધ્યાનમાં ખરુ?”

“હા પપ્પા! હું બીકોમના છેલ્લા વર્ષમાં હતો ત્યારે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી આપણા જ સમાજની અનિતા નામની એક છોકરી સાથે સાહજિક પરિચય થયેલો. અભ્યાસમાં હોશિયાર તો હતી જ પરંતુ એનો સ્વાભાવ પણ સૌને ગમી જાય એવો!

આપણા વતનના બાજુના જ ગામ સુરપુરાની છે એ. એના પપ્પાનું નામ હેમંતભાઈ છે. કોલેજ સિવાય પાંચ છ સામાજિક પ્રસંગોમાં એને મળી ચુક્યો છું. એણે ગ્રેજ્યુએશન કરીને અભ્યાસ છોડી દીધો છે. પાંચ છ મહિના પહેલાં મળી ત્યાં સુધી એનું સગપણ થયેલ નહોતું.” – પરિક્ષિતે કહ્યું.

“એનો ફોન નંબર બીજો ખરો?” – ધનંજયભાઈ આતુરતાથી બોલ્યા.

પરિક્ષિત બોલ્યો, “ના પપ્પા. એની પાસે મેં ક્યારેય ફોન જોયો જ નથી.”

ધનંજયભાઈએ તરત જ સુરપુરાના એક સબંધીને ફોન જોડ્યો. અરસ પરસ સાહજિક પૃચ્છા પછી ધનંજયભાઈ બોલ્યા, “હા તો મેહુલભાઈ! ફુલપુરામાં હેમંતભાઈ નામે એક વ્યક્તિ છે અને એમની દિકરીનું નામ અનિતા છે. ગ્રેજ્યુએટ થયેલી છે. તો આ બાબતે થોડી જાણકારી આપશો?”

“હા, હા! અમારા જ પરિવારમાં છે. પાંચમી પેઢીએ હેમંતભાઈ મારે ભાઈ થાય છે. પણ વાત શું છે? ” – મેહુલભાઈ બોલ્યા.

ધનંજયભાઈ બોલ્યા, “તમને ખબર છે ને મેહુલભાઈ! પરિક્ષિતનો અભ્યાસ પુરો થયો છે. એને લાયક પાત્ર તો હવે શોધવું કે નહીં? પ્રભુની દયા છે કે, અમે બન્ને બાપ દિકરો સીએ છીએ. ઘણીય કમાણી છે એટલે નોકરીયાત કે ઉચ્ચ અભ્યાસ કરેલી વહુનો કોઈ આગ્રહ નથી, પરિવારને સાચવે એવી સુશીલ અને સંસ્કારી થોડું ઓછું ભણેલી હોય તોય ચાલે. પરંતું પ્રથમ વાત એ કે અનિતાનાં સગપણ, વિવાહ થઈ તો નથી ગયાં ને?”

મેહુલભાઈ ખુશ થઈને બોલ્યા, “ધનંજયભાઈ તમે તો મારા બાળપણના સહાધ્યાયી છો ને હેમંત મારો ભાઈ! અનિતાનું સગપણ હજી નથી થયું. અમારા આખા પરિવારની લાડકી દિકરી છે. પરિસ્થિતિવશ હોશિયાર હોવા છતાંય ગ્રેજ્યુએશન કરીને એણે અભ્યાસ છોડી દીધો છે પરંતુ એના ભાઈને સતત માર્ગદર્શન આપીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરાવીને હમણાં જ નોકરીએ ચડાવી દીધો.”

પૈસે ટકે તમારા જેવો સધ્ધર પરિવાર નથી. પાંચ વિઘા જમીન છે. દિકરો હમણાં નોકરીએ લાગ્યો એ થોડું જમા પાસું છે.”

“મેહુલભાઈ! મારે તો સભ્યતા, સંસ્કારને વરેલો પરિવાર જોઈએ. પછી એ ભલે ગરીબ હોય કે તવંગર. તમે ત્યાં જઈને બધી વાતચીત કરીને મને એક બે દિવસમાં જવાબ આપો. – ધનંજયભાઈ લાગણીભાવે બોલ્યા.

“ધરમના કામમાં ઢીલ શું? અત્યારે જ હેમંતભાઈના ઘેર જઈને બધી વાતચીત કરી હમણાં જ પ્રત્યુત્તર આપી દઉં ધનંજયભાઈ.” – કહીને મેહુલભાઈએ ફોન મુકી દીધો.

મેહુલભાઈએ હેમંતભાઈના ઘેર જઈને બધી હકીકત કહી સંભળાવી. અનિતાનું ધ્યાન ચા મુકતાં અને ઘરકામ કરતાં કરતાં આ વાતોમાં જ હતું. અત્યારે એના આનંદનો કોઈ પાર નહોતો.

મનોમન એકલી એકલી બબડી રહી હતી, ‘હા,એ જ પરિક્ષિત! સ્વાભાવે એકદમ નિખાલસ, સતત હસતો ચહેરો. પૈસાદાર બાપનો દિકરો હોવા છતાં એકદમ સાદગી! કોલેજ અને પાંચ છ સામાજિક પ્રસંગોમાં ઉડતી મુલાકાત! અને છેલ્લી એ પાંચેક મિનિટની મલાકાત વખતે પરિક્ષિતે સાવ પાસે આવીને કહેલાં એ વાક્યો! “જેટલા સામાજિક પ્રસંગોમાં આવું છું ત્યાં ત્યાં તમારી હાજરી વરતાય છે. હજી લગ્નના બંધનમાં નથી બંધાયાં? મારેય આ સીએનું છેલ્લું વર્ષ છે. રાહ જોવાય તો જોજો! ”

એટલે જ તો છેલ્લા થોડા સમયથી ઘરમાં સગપણની વાત નિકળતી તો તરત જ વાતને ટાળીને કહી દેતી કે, ભઈલાને થોડો નોકરીમાં સેટ થવા દો. ઘર પર આર્થિક બોજ નથી થવા દેવો.

પરંતુ આજે તો હમણાં જ આડાકાને બધું સાંભળેલું મમ્મી વસંતીબેને ફરીથી અનિતાને પાસે બોલાવીને સંભળાવ્યું ત્યાં તો “સારુ મમ્મી! ” કહીને અનિતા રસોડામાં દોડી ગઈ. રસોડામાં જતી વખતનો એના પગનો ધમધમાટ હેમંતભાઈ, વસંતીબેન અને મેહુલભાઈને આનંદવિભોર કરી ગયો.

મૂળ ગામડાના પરંતુ વર્ષોથી અમદાવાદ સ્થાઈ થયેલ ધનંજયભાઈ પોતાના સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ. ત્રીસ વરસ પહેલાં સીએ જેવી ડીગ્રી હાંસલ કરીને ધનંજયભાઈએ અમદાવાદમાં ઓફિસ શરૂ કરેલી. થોડા વર્ષોમાં જ શહેરના ધનાઢ્ય વિસ્તારમાં મકાન લીધેલું. ધર્મપત્ની દેવીકાબેન થોડું ભણેલાં પરંતુ વ્યવહારકુશળ ગૃહિણી. આકરો સ્વાભાવ ખરો! આ સુખી સંપન્ન પરિવારનો એક માત્ર દિકરો પરિક્ષિત.

પિતાજીના પગલે એ પણ સીએ થયો. ત્રીસ વરસના અમદાવાદના વસવાટ છતાંય આ પરિવારે હજી વતનનો નાતો છોડ્યો નથી. એટલે જ તો સમાજમાં આ પરિવારનું ઉજળું નામ છે.

બે કલાકમાં જ મેહુલભાઈએ ધનંજયભાઈને પ્રત્યુત્તર આપી દીધો. બીજા દિવસે જ ધનંજયભાઈ, દેવીકાબેન અને પરિક્ષિત ઉપડ્યાં સુરપુરા. અનિતાના સાધારણ પરિવારની સરભરા જોઈને ધનંજયભાઈ ભાવવિભોર થઈ ગયા. નાનકડા મકાનની અગાશી પર અનિતા અને પરિક્ષિતની મુલાકાત ગોઠવાઈ. પરિક્ષિત એટલું જ બોલ્યો, “મારા હ્દયને ગમતું પાત્ર મને મળી ગયું અનિતા! ”

અનિતા તો એકીટશે પરિક્ષિતને જોઈ જ રહી જાણે એના દિલને ધરવ જ ના થતો હોય!

ત્રણ માસ પછી લગ્ન લેવાયાં. ધનંજયભાઈએ હેમંતભાઈને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે, “હેમંતવેવાઈ! લગ્નમાં કોઈ ખોટો ખર્ચ કરતા નહીં. તમારી દિકરીને પણ કંઈ દર દાગીનો આપવાની જરૂર નથી. વેવાઈપણું દાખવતા નહીં. મને તમારો મિત્ર સમજીને કંઈ જરૂરિયાત હોય તો પણ કહી દેજો.”

પરંતુ પ્રમાણમાં ઠીક ઠીક ધામધૂમથી તો અવસર કરી જ દીધો હેમંતભાઈએ. દિકરી સુખી સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત પરિવારમાં જઈ રહી હતી ને!

શહેરી જીવન છતાંય આકરો સ્વાભાવ ધરાવતાં દેવીકાબેન આધુનિક જીવનશૈલી પ્રત્યે કેટલીક રૂઢ નિજી માન્યતાઓ ધરાવતાં હતાં. એમનો ખ્યાલ હતો કે, નવા જમાનાની વહુ પર પહેલેથી જ દાબ ના રાખીએ તો એ વંઠી જાય ને એના જ મનનું ધાર્યું કરવા માંડે. પરિક્ષિતનો અનન્ય પ્રેમ, ધનંજયભાઈનો માયાળું સ્વાભાવ છતાંય સાસુ દેવીકાબેનનું અનિતા પ્રત્યેનું વર્તન અનિતાને જરૂર અકળાવતું હતું.

અનિતાના આવ્યા પછી દેવીકાબેને રસોઈનો બધો જ ભાર તેના પર નાખી દીધો. કપડાં વાળવાં, ઇસ્ત્રી કરાવવા આપવાં, કરીયાણું, શાકભાજી લાવવાં-બધો જ ભાર અનિતા પર. પિયરમાં સાંજે એક જ વાર ફોન કરવો એવો અણલખ્યો નિયમ દેવીકાબેને અનિતાને સમજાવી દીધો.

રવિવારે, તહેવારે પરિક્ષિત સાથે બહાર ફરવા જવાનું તો ક્યાંથી હોય પછી. બે ત્રણ માસના અભ્યાસ બાદ અનિતાને સાસુનો સ્વાભાવ સમજાઈ ગયો. અનિતાને થોડી દોડધામ વધારે હતી એ જ ને! શું ફરક પડે છે? પતિ અને સસરાનો તો અઢળક પ્રેમ છે ને!

એક વર્ષ વીતી ગયું પરંતુ અનિતાએ ના તો કોઈ દિવસ પરિક્ષિતને ફરીયાદ કરી કે ના કદી એનાં મમ્મી પપ્પાને.

સવારમાં શિવમંદિરે દર્શન કરવા જવાનો દેવીકાબેનનો નિયમ હતો. પરિક્ષિત અને ધનંજયભાઈ પણ ઓફિસે જતી વખતે શીવ મંદિરે દર્શન કરવા અવશ્ય જતા. સવારમાં દર્શન કરીને એક્ટીવા પર દેવીકાબેન આવી રહ્યાં હતાં એ વખતે એક્ટીવા સ્લીપ ખાઈ ગયું. થોડો બેઠો માર દેવીકાબેનને લાગ્યો. ફોન આવતાં જ પરિક્ષિત અને અનિતા ગાડી લઈને તાબડતોબ પહોંચી ગયાં. દવાખાને રીપોર્ટ કરાવ્યા. બધુ નોર્મલ હતું. ડોકટરે થોડી દવા, ઘસવાનો મલમ આપ્યાં ને બે ચાર દિવસ આરામ કરવાનું કહ્યું.

રસોઈકામમાંથી પરવારી પરિક્ષિત અને ધનંજયભાઈને ઓફિસે રવાના કરીને અનિતા સાસુમાની સેવામાં લાગી ગઈ. ડોકટરના કહ્યા મૂજબ અનિતા દેવીકાબેનને મલમ ઘસવા લાગી.

દેવીકાબેનને તો બધું સ્વપ્નવત લાગવા માંડ્યું. ના ભાઈ ના! આ નવા જમાનાની વહુ લાગતી નથી! અનિતાના હાથોમાંથી લાગણીઓનો પૂંજ નિકળી રહ્યો હતો અને એ પૂંજ દેવીકાબેનના શરીરને ભાવવિભોર સ્પંદનોમાં જકડી રહ્યો હતો. પણ આ તો દેવિકાબેન!

“બસ હવે બસ અનિતા વહુ! આમ ઘસી ઘસીને મને મા-રી નાખવી છે કે શું? હવે ઘસવાનું પડતું મુકીને મને થોડું ખવડાવો તો આ ડોકટરે આપેલ ટીકડી લઉં! આ બેય હાથની કોણી થોડી છોલાઈ છે એટલે જાતે તો ખાઈ નહીં શકું. ”

અનિતા દેવીકાબેનને પ્રેમ પૂર્વક શાક રોટલીના કોળીયા કરીને ખવડાવવા લાગી. સગી દિકરી ખવડાવતી હોય એવું દેવીકાબેનને લાગ્યું પરંતુ આ તો દેવીકાબેન.! ચાર દિવસની ચાકરીએ દેવીકાબેનના માંહ્યલાને ઢંઢોળી દીધો પરંતું મન તો એક જ જાપ જપી રહ્યું હતું, ‘એમ કંઈ હું છેતરાવાની નથી.’

દેવીકાબેન હરતાં ફરતાં થઈ ગયાં. અઠવાડિયું વીત્યું ત્યાં એક સાંજે અનિતા અને તેની મમ્મી સાથેની વાતચીત દેવીકાબેન એકકાને સાંભળી રહ્યાં હતાં. બીજા દિવસે સવારે બાપ દિકરો ઓફિસે નિકળતાં જ દેવિકાબેને અનિતાને પુછ્યું, “ગઈ સાંજે ફોન પર તમારી મમ્મી સાથે શું વાતચીત કરી રહ્યાં હતાં અનિતા વહુ.”

અનિતાને ઘડીભર તો કહેવા ના કહેવાનો ક્ષોભ થયો છતાંય બોલી, “કંઈ નહીં મમ્મી! મારા ભાઈ અવિનાશના લગ્નની વાત હતી. એનાં સાસરીવાળાંએ ત્રણ મહિના પછી લગ્ન ગોઠવ્યાં છે. ઘરમાં થોડી આર્થિક તંગી છે. ભાઈનો હજી ફિક્સ પગાર છે. આમ તો અવિનાશે પર્સનલ લોન લેવાની વાત કરી પરંતુ મારા પપ્પાએ ઉંચા વ્યાજની પર્સનલ લોન લેવાની ના પાડી અને કહ્યું કે એના કરતાં બે વીઘા ખેતર ગીરવે મૂકી દઈએ ત્રણ લાખમાં. બે ચાર વર્ષમાં છોડાવી દઈશું.”

“તો પછી ગયા વરસે તમારા લગ્નમાં તો ઘણોય ખર્ચ કર્યો હતો. છ તોલા તો તમારા સેટ અને લોકેટનું સોનું થયું. પરિક્ષિતનેય દોઢ તોલાનો અછોડો આપ્યો હતો. તમારા સસરાએ તો કંઈ પણ લેવાની ના પાડી હતી તોય અનિતા વહુ. ” – દેવીકાબેન જીજ્ઞાસાવશ બોલ્યાં.

“હા મમ્મી! એમાં મારા પપ્પાનો એવો ખ્યાલ હતો કે, સમાજના પ્રતિષ્ઠિત ઘરે દિકરી જઈ રહી છે એટલે એ પ્રતિષ્ઠિત વેવાઈને શોભે એવું થોડુંક તો મારે આપવું જોઈએ ને! મેહુલકાકાએ એ વખતે લાખ રૂપિયાની મદદ કરેલી. ટૂચક ટૂચક કરીને હમણાં એ દેવું પુરૂ કર્યું. આમેય મારા પપ્પાનો પરિવાર ઝાઝો સુખી નથી એ તમને ખબર છે મમ્મી. હું ભાગ્યશાળી છું કે સુખ સાહ્યબીની છોળોવાળું મને માયાળું સાસરિયું મળ્યું છે. ” – અનિતા ઢીલા અવાજે બોલી.

દેવીકાબેનના ચહેરાના ભાવમાં કોઈ ફરક ના પડ્યો. એ તો એ જ કડક સ્વાભાવથી બોલ્યાં, “તો તમારાં મમ્મીને અત્યારે જ ફોન કરીને કહી દો કે એ જમીન અમે ગિરવે રાખી લઈશું. બીજા કોઈને આપતાં નહીં. કાલ સવારે જ હું રૂપિયા લઈને જઈશ.”

ચિંતાગ્રસ્ત ચહેરે અનિતાએ સાસુના આદેશને આનુસરીને એ જ વખતે ફોન કર્યો. ફોન પર અનિતાના શબ્દો સાંભળીને વસંતીબેન પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયાં.

રાત્રે ધનંજયભાઈને બધી વાત કરીને દેવીકાબેને કોરા ચેક પર સહી લેવડાવી દીધી હતી અને સવારે બસમાં જ વેવાઈના ઘેર જવાનું નક્કી કરી લીધું હતું.

સવારે ધનંજયભાઈ અને પરિક્ષિત ઓફિસે જવા નીકળ્યા કે તરત જ દેવીકાબેન બોલ્યાં, “અનિતા વહુ! તિજોરીમાંથી તમારુ લોકેટ અને સેટ કાઢી આપો. હું અત્યારે તમારા પિયર જઈ રહી છું. એ ઘરેણાં વચ્ચે આવતી બેંકના લોકરમાં મૂકીને જાઉં. અને હું આવતી કાલે પરત આવીશ એટલે ઘેર બધું સાચવી લેજો. ”

દેવીકાબેનના નિકળ્યા પછી અનિતાના મનમાં કેટલાય વિચારો આવી ગયા. ‘સાસુમા ઘરેણાં લોકરમાં મૂકવા કેમ લઇ ગયાં? મારા પર વિશ્વાસ નહીં હોય એમને?’

બપોરે ત્રણ વાગ્યે દેવીકાબેન સુરપુરા પહોંચી ગયાં. બસ સ્ટેન્ડે વસંતીબેન લેવા આવ્યાં.

ઘેર જઈને ચા પાણી કરી દેવીકાબેન આડા પડખે થયાં તે છેક સાંજે છ વાગ્યે ઉઠ્યાં. સાજે વાળુપાણી કરીને દેવીકાબેને વાત શરૂ કરી. “જુઓ વેવાઈ! તમારા દિકરાનાં લગ્ન છે એટલે થોડું કહેવું છે મારે.”

એટલું બોલીને દેવીકાબેને પોતાની પાસે રહેલ થેલામાંથી અનિતાનાં લોકેટ અને સેટ કાઢ્યાં. એ બન્ને વસ્તુ વસંતીબેનના હાથમાં આપીને બોલ્યાં, “આ તમારી અમાનત તમને પાછી આપવા આવી છું મારાં વેવાણ! મારો સગો ભીડમાં હોય અને અમે થોડીય મદદ ના કરી શકીએ તો લ્યાનત છે અમારી જીંદગી પર. આ તમારુ છે ને તમને પાછું આપવા આવી છું. તમારી વહુને આપતાં તમનેય સંકોચ ના થાય કે, આ કોઈકે અમને આપ્યું છે! તમારી દિકરીને તો અવિનાશના લગ્ન પ્રસંગે સોનેથી મઢીને મોકલીશ.”

વળી થેલામાંથી સહીવાળો ચેક કાઢીને બોલ્યાં, “હેમંતવેવાઈ! આ ચેક તમારા વેવાઈએ સહી કરીને આપ્યો છે. આ લગ્ન પ્રસંગે બીજી જે કંઈ જરૂરીયાત હોય એટલી રકમ આ ચેકમાં ભરી દો. જમીન ક્યાંય પણ ગિરવે મૂકવાની નથી. અને છેલ્લે તમને એટલું જરૂર કહું છું કે, અનિતા અહીં ના આવે ત્યાં સુધી એને થોડી ઘણીય જાણ કરવાની નથી. તમને અનિતાના સોગંદ છે. ”

હેમંતભાઈ ઉભા થઈ ગયા. એમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. હાથ જોડીને બોલ્યા, “બસ કરો વેવાણ! તમારા લાગણીભાવને અમે વંદન કરીએ છીએ. અમે ઘણાં ભાગ્યશાળી છીએ કે, તમારા જેવાં સગાં મળ્યાં! ચેકની વાત રહેવા દો. અમારી પાસે એટલી તો સગવડ છે જ.”

તો પછી રંગેચંગે અવસર ઉકેલો. અમે આખો પરિવાર રંગેચંગે વેવાઈના દિકરાનાં લગ્ન માણશું. અનિતાને દશ દિવસ પહેલાં મોકલી દઈશ ને તમારા જમાઈને પાંચ દિવસ પહેલાં પરંતું ખબરદાર! આજની હકીકત અનિતાને જણાવી છે તો! ” – દેવીકાબેન હસતાં હસતાં બોલ્યાં.

છેલ્લે વસંતીબેન બોલ્યાં, “પણ, ફોન પર અમારે અનિતાને શું કહેવાનું! ”

“એમ જ કહી દેવાનું કે, “ત્રણ લાખમાં ખેતર ગીરવે આપી દીધું તારાં સાસુને! મારેય મારી વહુની પરિક્ષા કરવી છે વસંતી વેવાણ! મને આટલો સહયોગ આપશોને!” – દેવીકાબેન ટાઢા હૈયે બોલ્યાં.

વસંતીબેનેય હકારમાં માથું હલાવ્યું.

મોડે સુધી વાતો કરીને દેવીકાબેન વહેલાં ઘેર આવવા નિકળ્યાં.

ચોથા દિવસે બપોરે દેવીકાબેને અનિતાને કહ્યું, “ચાલો અનિતા વહુ. સોની બજારમાં જવાનું છે. તમારા માટે ઘરેણાં લેવાનાં છે. લોકેટ, સેટ અને પાંચ છ વીંટીઓ. મંગળસુત્ર અને અછોડો તો અમે આપ્યાં હતાં તે છે. ”

“પણ મમ્મી! લોકેટને સેટ તો આપણી પાસે છે. ખોટો ખર્ચ શા માટે કરો છો? ” – અનિતા સહજભાવે બોલી.

દેવીકાબેન ગુસ્સામય અવાજે બોલ્યાં, “એ તો તમારા પિયરથી મળેલ છે. તમારા ભાઈના લગ્નમાં વળી કોઈ કહી જાય કે, સધ્ધર પરિવાર છે છતાંય સસરાના ઘરનો કોઈ ભારે દાગીનો તો વહુ પાસે નથી એટલે! ”

દશ તોલા સોનાના દાગીનાની ખરીદી થઈ પરંતુ અનિતા ના તો હસી શકતી હતી કે ના મનોવ્યથાને રજુ કરી શકતી હતી. એના બે મહિના તો એ રીતે જ પસાર થઈ ગયા.

ભાઈના લગ્નને દશ દિવસ બાકી હતા ત્યારે દેવીકાબેને પરિક્ષિતને આદેશ કર્યો, “વહુને આજે એના પિયર મુકી આવ, અને મુકીને તરત જ પાછો આવી જજે. પાંચ દિવસ પછી તારેય ત્યાં જઈને રોકાવાનું જ છે. ”

મમ્મીની આજ્ઞા શીરોધાર્ય કરી પરિક્ષિત અનિતાને સુરપુરા મુકીને સાડા ચાર કલાકમાં તો પરત આવી ગયો. પાંચ મિનિટ ચા પીવા રોકાયો એટલું માફ!

બે મહિનાનું અર્ધસત્ય તો અનિતાને ગળે ડૂમાની જેમ ભરાઈ ગયું હતું. સાંજે જમ્યા પછી વસંતીબેને અવિનાશની પત્નિ માટેનાં ઘરેણાં બતાવ્યાં ત્યારે અનિતા અચંબિત થઈ ગઈ. “અરે! આ સેટ ને લોકેટ તો મારાં છે મમ્મી! ”

“હા ભાઈ, તારાં છે તારાં! પરંતુ શું કરીએ! તારાં સાસુમા સોગંદ આપીને ગયાં હતાં.” – કહીને વસંતીબેને બધી જ હકીકત કહી સંભળાવી. એ ખાનદાન પરિવારની દિકરીને સવા વરસનો ઘરસંસાર ના રડવાનો મોકો આપતો હતો કે ના હસવાનો. બસ, એનું હ્રદય તો એક જ ટહુકાર કરી રહ્યું હતું, “સાસુમા છેતરી ગયાં.”

મોડે દશ વાગ્યે અનિતાએ પરિક્ષિત સાથે વાત કરીને ફોન દેવીકાબેનને આપવાનું કહ્યું. દેવીકાબેને હેલ્લો કહેતાં જ અનિતા લાગણીભીના રૂંધાયેલા સ્વરે બોલી. “મમ્મી! તમે તો સાસુમાના રૂપમાં માની બરોબરી કરી દીધી મમ્મી! ”

અનિતા આગળ કંઈ બોલે એના પહેલાં દેવીકાબેન બોલ્યાં, “વેવલાવેડા બંધ કર ચાંપલી! જે કહેવું હોય તે ઘેર આવીને કહેજે. ”

અવિનાશના લગ્ન પ્રસંગે ખુદ દેવીકાબેન વચ્ચે ઉભાં રહીને પરિક્ષિત, અનિતા અને ધનંજયભાઈ સાથે સેલ્ફી લેતાં હતાં.

ધામધૂમથી લગ્ન પ્રસંગ મહાલીને ઘેર આવ્યા પછી દેવીકાબેન મોટાભાગના રવિવારે પરિક્ષિતને અનિતા સાથે સહેલગાહે કે પર્યટને મોકલતાં. ક્યારેક તેઓ પણ યાત્રાએ લઈને ઉપડી જતાં.

ક્યારેક ક્યારેક ના માથું દુખતું હોય કે ના પગ! પરંતુ ખાલીખાલી બ્હાનું બતાવીને બપોરે હાથ પગ, માથું દબાવવાનું દેવીકાબેન અનિતાને કહ્યા વગર ના રહે. પછી વારંવાર આંખો અધખુલ્લી કરીને અનિતાને જોયા કરે.

“ખબર છે મમ્મી! તમને મારા હાથોનો સ્પર્શ બહુ ગમે છે!” વાક્યનો સીધો એક જ જવાબ હોય દેવીકાબેન પાસે. “સારુ! સારુ હવે! છાનીમાની દબાવ્યા કર ચાંપલી. ”

પહેલા ખોળે લક્ષ્મીનાં વધામણાં થતાં જ દેવીકાબેન અને ધનંજયભાઈ ગાડી ભરી જલેબી લઈને અનિતાના પિયર ગયાં. દિકરીને ધરાઈને જોઈ લીધા પછી અનિતાના માથે હાથ ફેરવીને કાન પાસે મોં રાખીને ધીરેથી દેવીકાબેને અનિતાના કાનમાં કહ્યું, “હું તો અહીં પણ હારી ગઈ અલી!

આ મારા દિકરાની દિકરીય સાવ તારા ઉપર ગઈ છે ચાંપલી! ”

અનિતાના મોં પર સાસુમા પ્રત્યેનો પરમ સંતોષ સ્પષ્ટ વરતાતો હતો. તો એનો આત્મા એને આનંદિત કરી રહ્યો હતો.’ધીરજનાં ફળ મીઠાં અનિતા. વહુ થઈ ને રહી તો સાસુય સાસુ બની ગઈને છેવટે!”

લેખક – નટવરભાઈ રાવળદેવ થરા.

તા. 12/05/2022