“સાસુ પણ ક્યારેક વહુ હતી” એક સાસુએ કહેલી આ વાતો ક્યાંકને ક્યાંક દરેક ઘરમાં ઉપયોગી સાબિત થઈ શકે છે

0
936

હા, લગ્નની છેલ્લી સિઝનમાં હું પણ સાસુ બની ગઈ છું. આમ તો હું મારા ચોવીસ વર્ષના પુત્રની મોટી બહેન જેવી દેખાઉં છું, પણ હા, મારું પદ ચોક્કસ વધી ગયું છે. હવે તે દરેક ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે જે વહુ બન્યા પછી મારા માથે હતા. સગાંવહાલાં, મિત્રોની નજરમાં હું બહુ શાંતિ સ્વભાવની સ્ત્રી છું. લોકો તો એમ પણ કહે છે કે મારી વહુએ કેટલાં સારાં કર્મો કર્યાં હશે કે તેને આવી સાસુ મળી.

અને કહે કેમ નહીં, આજ સુધી મેં વહુને ઊંચા અવાજે ઠપકો પણ આપ્યો નથી. એ અલગ વાત છે કે ઘરે આવતાં જ હું રોજની ઘટનાઓ વિશે તરત જ દીકરાને જાણ કરું છું. વહુને આપવામાં આવેલી બધી સારી સાડીઓ મેં રાખી છે. અરે, ફેશન બદલતાં વાર નથી લાગતી. એક જ ફેશનની આટલી બધી સાડીઓનું તે શું કરશે? એમ જ પડી રહેશે તો એજ સાડીઓ આવતી કાલે ફક્ત આપવા-લેવામાં ઉપયોગી થશે.

એટલું જ નહીં તેના ઘરેણાં, અમે ચડાવેલો ડાયમંડ સેટ, બધું મારી પાસે છે. આજકાલ ચોરોનું કાંઈ કહેવાય નહિ. તેથી મેં તેના તમામ ભારે દાગીના મારા લોકરમાં રાખ્યા છે. હા, ક્યારેક હું તેમને પહેરું છું. એ વાતની પણ ખબર રહેવી જોઈએને કે કંઈક ખૂટ્તું નથી ને. ઘરે મિત્રો અને સગાંવહાલાં આવતાં જ વહુ જે રોજના કામ કરે છે, તે પણ હું તેને કરવા દેતી નથી. દીકરી અને વહુ બધા સરખા છે. હા, એ અલગ વાત છે કે વહુને કંઈ બનાવતા ન આવડતું હોય કે ખરાબ બનાવ્યું હોય, તો હું ચૂપચાપ સંબંધીઓને તે ચખાડી દઉં છું. વહુ પ્રત્યે તેમની અપેક્ષા વધારવાનો શું ફાયદો?

વહુ ભાગ્યે જ તેના ઘરે જાય છે, પણ તેની ગેરહાજરીમાં હું તેનો રૂમ, તેનો કબાટ સાફ કરતી રહી છું અને સામાન વ્યવસ્થિત ગોઠવતી રહું છું. છેવટે, મારી વહુ પ્રત્યે મારી પણ કેટલીક ફરજ છે. એ અલગ વાત છે કે એ સમય દરમિયાન મને એ જાણવા મળે છે કે મારી વહુ પાસે બીજું શું છે. તે એક રીતે સારું પણ છે. એવી ભેટો અચાનક થયેલી પાર્ટીઓમાં આપવા માટે ઉપયોગી થાય છે.

સવાર સવારમાં સત્સંગમાં ગયા વિના મને શાંતિ મળતી નથી. સત્સંગના ઘણા ફાયદા છે – એક તો એક કે બે કલાક માટે ભગવાનનું ધ્યાન થઈ જાય છે. બીજું, બધી બહેનપણીઓ પાસેથી તેમની વહુઓના નવા સમાચાર અને નુસખા મળે છે. અને ત્રીજું, ટેબલ પર ગરમા-ગરમ નાસ્તો તૈયાર મળે છે.

મેં મારી વહુને ક્યારેય વધુ ફેશનેબલ કપડાં પહેરવા દીધા નથી. આપણી પણ એક સંસ્કૃતિ છે કે નહિ. આ જીન્સ વગેરે તો આપણી પરંપરા નથી. સાડી એ આપણો ભારતીય પહેરવેશ છે, ભલે એમાં દોડતી વખતે પગ લપસી જાય અને કોઈ પડી જાય. માથું ઢાંકવું એ આપણી સભ્યતાની નિશાની છે.

પ્રતિકારત્મક ફોટો

વહુ ભલે બીજી જ્ઞાતિની હોય, દિકરાની પસંદ અને લવ મેરેજથી આવી હોય, પણ આપણા જ ઘરમાં રહે છે ને? હું સાસુ બનીને ખૂબ ખુશ છું. બધા પડોશીઓ મારા ઉદાહરણ આપે છે. વહુ પણ મારી બધી વાત માની લે છે, અને ક્યારેક ન સ્વીકારે તો મારી તબિયત બગડી જાય છે. પછી ECG ના બિલ અને ડૉક્ટરના બિલ જોયા પછી તે આપોઆપ માની જાય છે. મેં ક્યારેય દહેજની માંગણી કરી નથી. આ ઉંમરે પૈસાની માયાનું શું કરીશ? હા, પાડોશની વહુઓ તહેવારો પર સાસરિયાઓ માટે ગિફ્ટ લઈને આવે છે, તે હું મારી વહુને ચોક્કસ જણાવી દઉં છું. હવે માણસે પોતાના મહોલ્લાના પણ સમાચાર રાખવા જોઈએ ને.

વહુની સંભાળ કેવી રીતે રાખવી તે મારી પાસેથી શીખવું જોઈએ. તેના પીએચડીના અભ્યાસને મેં અટકાવ્યો નથી અને તેને નોકરી પણ કરવા દીધી. નોકરી કરતી વહુ હોવાને કારણે તેના પ્રત્યે મારાં લાડ કદી ઘટ્યા નથી. સાંજે વહુ આવીને આદુ વાળી ચા અને ભોજન બનાવે છે. તેના હાથની બનેલી ચા પીધા વિના પથારીમાંથી ઉઠાય ક્યાં છે? વહુ ભલે લગ્ન અને અન્ય ફંકશનમાં હાજરી આપી આવે, પણ ત્યાંથી જે ગિફ્ટ આવે છે તે હું રાખું છું. હવે વડીલોને મળવાનું ધ્યાન તો મારે જ રાખવાનું છે. એ બિચારીને શું ખબર કે ક્યાં કઈ વસ્તુ આપવી?

મહિલા સશક્તિકરણના કારણે મેં ક્યારેય વહુને ભાવનાત્મક રીતે નબળી પડવા દીધી નથી, જ્યારે પણ તે રડે છે ત્યારે હું તેના આંસુઓને ‘મગરના આંસુ’ કહીને બોલાવું છું. બસ, પછી તે રડવાનું બંધ કરે છે. છેવટે, તેને મજબૂત બનાવવું પણ મારું કામ છે.

જ્યારે પણ વહુ ઘર, ઓફિસ, બાળકોથી ફ્રી હોય ત્યારે હું મારી બ્લાઉઝના કામ, સાડીને ફોલ લગાડવાનું કામ તેને સોંપી દઉં છું. છેવટે, સીવણ અને ભરતકામની કુશળતાને જીવંત રાખવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સીવણ ભરતકામ કરશે નહીં તો તે કેવી રીતે નિપુણ બનશે અને આ બધા કામમાંથી સમય ન મળવાને કારણે તે મેકઅપ ક્યાં કરી શકશે. પછી તે સિમ્પલ રહે છે. અને કહેવાય છે કે સાદગીમાં પણ સુંદરતા હોય છે.

દીકરા અને વહુ બંને પાસેથી ઘરનો ખર્ચ સરખા ભાગે લઉં છું. સમાનતાનો સમય છે. હું તેને સમજદારીપૂર્વક ખર્ચું છું. હું પરણેલા પુત્ર અને કુંવારા પુત્રને સમાન ખર્ચ આપું છું. હું મારા શિસ્તબદ્ધ, દુરદ્રષ્ટિ અને સહકારી વલણને કારણે ખૂબ પ્રખ્યાત છું. વહુની લાગણીઓને હું જેટલી સમજું છું તેટલું બીજુ કોઈ નહીં સમજે. અને સમજુ કેમ નહિ, છેવટે સાસુ પણ ક્યારેક વહુ હતી ને.