સાસુ શરીરનું બહાનું બનાવીને બેસી રહેતી, પછી એક દિવસ આવ્યો દીકરીનો ફોન ને આ રીતે અક્કલ ઠેકાણે આવી

0
15100

રાધાબેન એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારના વડા હતા. તે પોતાના પુત્ર શુભમ અને પુત્રવધૂ મનીષા સાથે રહેતા હતા. એક દીકરી સીમા હતી જે લગ્ન પછી મુંબઈ સ્થાયી થઈ ગઈ હતી. રાધાબેનના પતિનું ઘણા સમય પહેલા અ-વ-સા-ન થઈ ગયું હતું. શુભમ અને મનીષાના લગ્નને પાંચ વર્ષ થયા હતા પરંતુ આજ સુધી તેમને કોઈ સંતાન નથી.

રાધાબેનની પુત્રવધૂ મનીષા પણ નોકરી કરતી હતી, જે રાધાબેનને બિલકુલ પસંદ ન હતું. તે વહેલી તકે દાદી બનવા માંગતા હતા, પણ મનીષા અને શુભમ સારી રીતે જાણતા હતા કે મનીષા માટે અત્યારે નોકરી કેટલી જરૂરી છે. રાધાબેન પોતાના પુત્ર શુભમને આ અંગે વાત કરતા તો શુભમ કોઈને કોઈ બહાનું કાઢીને વાત ટાળી દેતો. તેથી જ તે મનીષાને પરેશાન કરવાના બહાના શોધતા રહેતા જેથી તેણી નોકરી છોડી દે. અને હવે મહામારીમાં જાણે તેમની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી.

જો કે રાધાબેન દિલના ખરાબ નથી, પણ પૌત્રની ઈચ્છામાં અંધ બનીને તે આવું કરતા હતા. પોતાના ઉંમરની બહેનપણીઓને દાદી બનતા જોઈ તેમનું હૃદય ઉદાસ થઈ જતું. તે દિવસે પણ ઘરમાં કંઈક આવું જ બન્યું હતું. ઓફિસમાં વધારે કામના કારણે થાકેલી મનીષા બીજા દિવસે મોડે સુધી સૂતી રહી અને રાધાબેનને સારો મોકો મળ્યો.

“આ શું છે વહુ, તું હજી સૂતી છે, તને ખબર છે કે સવારના દસ વાગ્યા છે. બિચારો શુભમ પણ ક્યારનો ઉઠ્યો છે અને ઓફિસનું કામ કરવા લાગ્યો છે અને તું હજુ સૂઈ રહી છે. ચાલ ઉઠ અને બધા માટે ચા-નાસ્તો બનાવ. મારાથી કંઈ થતું નથી, નહીંતર હું ક્યારેય તારા ભરોસો બેસી ન હોત, હું જ બધું કરી લેત.”

“માફ કરજો મમ્મી, મોડી રાત સુધી પ્રેઝેન્ટેશન બનાવી રહી હતી, તેથી સુવામાં મોડું થઈ ગયું અને અત્યારે સમયની ખબર ન રહી. તમે જાવ, હું જલ્દી જ આવું છું.”

“હા, હા, થીક છે, મારું કાંઈ નહિ પણ શુભમનું તો જો, તેને કંઈ જોઈએ છે કે નહીં, તે બિચારો ક્યારનો ઉઠ્યો છે. હે ભગવાન, કૃપા કરીને મને જલ્દી સાજી કરી દે, જેથી હું મારા પુત્રની સંભાળ રાખી શકું.” રાધાબેને મહેણું સંભળાવવાની રીતે કહ્યું.

મનીષા ફટાફટ પોતાની દૈનિક ક્રિયા પુરી કરીને હોલમાં આવી, શુભમ તેના લેપટોપ પર ઓફિસનું કામ કરી રહ્યો હતો. તે રસોડામાં ગઈ, ચા બનાવી અને પછી રાતના વાસણો સાફ કર્યા, કચરા-પોતા કર્યા.

હકીકતમાં, મહામારીના વધતા જતા પ્રમાણને કારણે શહેરમાં લોકડાઉન હતું તેથી કામવાળી યુવતી પણ આવતી ન હતી. મનીષા પોતે એક ઈન્ટરનેશનલ કંપનીમાં કામ કરતી હતી, તેના ઓફિસનો સમય નક્કી ન હતો, મોટે ભાગે તેણીએ મોડી રાત સુધી કામ કરવું પડતું હતું. ગઈકાલે પણ તેનું કામ મોડે સુધી ચાલ્યું હતું તેથી તે મોડેથી સૂઈ ગઈ હતી.

મનીષાએ જોયું કે તેની સાસુ પોતાના રૂમમાં પોતાની બહેનપણી સાથે ફોન પર વાત કરી રહી હતી. વાતચીતમાં પોતાનું નામ સાંભળતા મનીષા સાસુની વાત સાંભળવા લાગી.

“અરે શારદા, તું પણ તારી વહુને વધુ પડતી માથે ન ચડાવ. જો તું તારી વહુને વધુ ઉડવા દઈશ તો કાલે ઉઠીને તે પોતાની નોકરીના ચક્કરમાં તને ઘરની નોકરાણી બનાવી દેશે. હું શરૂઆતથી જ મનીષાની નોકરીની વિરુદ્ધ હતી, હવે શોખ છે તો નોકરી કરે, પણ સાથે સાથે ઘરના કામ પણ કરવા પડે ને. હું શરીરના દુ:ખાવાનું બહાનું બનાવીને બેસી જાઉં છું, નહીંતર બધા કામનો બોજ મારા માથે આવી ગયો હોત. હું કાંઈ મફતની નોકરાણી થોડી છું. હું તો કહું છું કે તું પણ આમ જ કર.”

સાસુની વાત સાંભળીને મનીષાની આંખોમાં આંસુ આવી ગયા. તે સાસુ જેને તે બીમાર માનીને રાત-દિવસ તેમની સેવા કરે છે, તેને એક ગ્લાસ પણ ઉપાડવા નથી દેતી તે નાટક કરે છે. પોતે આખો દિવસ ઘર અને ઓફિસનું કામ કરીને થાકી જાય છે છતાં કોઈ કામ માટે ના નથી પાડતી, તેને આ ફળ મળ્યું છે. માન્યું કે તે મારી નોકરીની વિરુદ્ધ છે, પરંતુ જો ઘરની લોન ચાલતી ન હોત તો તે ક્યારેય નોકરી ના કરતે.

શુભમનો બોજ ઓછો કરવા માટે જ તો તે આ કામ કરતી હતી. આ મુશ્કેલ સમયમાં તે સાસુની સાથે એવી કોઈ પણ વાત પર દલીલ કરવા માંગતી ન હતી, જેનાથી ઘરનું વાતાવરણ બગડે. તેથી તેણીએ તેની અવગણના કરી અને ત્યાંથી જતી રહી. પણ રાધાબેનનું માન તેણીની આંખોમાંથી ચોક્કસથી ઓસરી ગયું હતું.

બીજા દિવસે સવારે રાધાબેનની દીકરી સીમાનો મુંબઈથી ફોન આવ્યો. સીમાના સાસુ તેની પાસે મુંબઈ આવ્યા હતા. આદત મુજબ રાધાબેને જેવી જ સીમાના સાસુની નિંદા કરવાનો પ્રયાસ કર્યો કે તરત જ સીમાએ તેમને ઠપકો આપ્યો.

“મમ્મી, તમે મારી સાસુ વિશે જરાય ખરું-ખોટું બોલશો નહીં. તમને ખબર છે કે તમારા ચક્કરમાં મેં તેમની સાથે કેટલું ખરાબ વર્તન કર્યું હતું, પરંતુ આજે મને તેમની કિંમત ખબર પડી છે. તમે તેમના અહીં આવવાનો વિરોધ કરતા હતા, પણ આજે એ અહીં ન હોત તો ખબર નહિ અમારું શું થાત. તમે જાણો છો કે મારું નોકરી કરવું કેટલું જરૂરી છે, મહામારીને કારણે અહીં પણ ખરાબ હાલત છે, બધું ઘરેથી જ કરવું પડે છે.

મારા દીકરાનું બેબી કેર સેન્ટર પણ બંધ છે. હું અને રાજેશ ફુલ ટાઈમમાં વ્યસ્ત રહીએ છીએ, આવા સંજોગોમાં દીકરાની સાથે આખા ઘરના બધા કામ એકલા મારા સાસુએ સંભાળી લીધા છે. મને કંઈ કરવા દેતા નથી. જો તે ન હોત તો અમારી હાલત ખરાબ થઈ જાત. સાચે જ મમ્મી, તે કોઈ સામાન્ય સ્ત્રી નથી, પરંતુ મારા માટે તો તે દેવી સમાન છે. મેં તેમનું આટલું અપમાન કરું છતાં…. આટલું કહીને સીમા રડવા લાગી અને ફોન મૂકી દીધો.”

સીમાની વાત સાંભળીને રાધાબેનની આંખો પણ આંસુથી ભરાઈ આવી. તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. મનીષા તેમની કેટલી કાળજી રાખે છે, તેમની કડવીથી કડવી વાતનું ખોટું નથી લગાડતી, સામો જવાબ પણ નથી આપતી. અત્યારનો સમય તો એકબીજાને પ્રોત્સાહિત કરવાનો છે, બધી ફરિયાદો ભૂલીને એકબીજાને મદદ કરવાનો છે, પણ તે સ્વાર્થમાં આંધળા કેવી રીતે થઈ ગયા. તે કેવી રીતે એટલી બધી ખરાબ થઈ ગઈ કે આવા મુશ્કેલ સમયમાં પોતાના પરિવારને મદદ પણ કરી શકતી નથી.

રાધાબેને તરત જ મનીષાને બોલાવીને તેના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, “મનીષા, આજથી ઘરના કામકાજની અડધી જવાબદારી મારી રહેશે. આજ સુધી મેં તને જે પણ કહ્યું અને તારી સાથે ખરાબ વર્તન કર્યું તે બદલ મને માફ કરી દેજે. ચાલ હવે તું જા અને આરામ કર, હું ભોજન બનાવીશ.”

સાસુનું બદલાયેલું રૂપ જોઈને મનીષાની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા. અને તેની સાસુ માટે તેના મનમાં જે આદર હતો તે ફરી પાછો આવી ગયો.

મિત્રો, આપણા જીવનમાં મુશ્કેલ સમય આવે છે ત્યારે જ આપણે એકબીજાના મહત્વને સમજી શકીએ છીએ. પોતાની ભૂલોને સમજીને અને આગળ આવીને માફી માંગવાથી વ્યક્તિ નાનો નહીં પણ બહુ મોટો બની જાય છે. રાધાબેનની જેમ.