એવું તે શું થઈ ગયું કે સારી સાસુ માંને પણ બનવું પડયું ખરાબ સાસુ માં, વાંચો નાનકડી સ્ટોરી

0
2044

સુનિતા અને તેની સાસુ શારદાબેનનું ખૂબ સારું વર્તન હતું, તેઓ માં દીકરીની જેમ રહેતા હતા. સુનિતા જે દિવસથી તેમના ઘરમાં આવી છે ત્યારથી બંને વચ્ચે માં દીકરી જેવો સંબંધ બંધાઈ ગયો છે. સુનિતાને કોઈ વસ્તુ ન આવડે તો શારદાબેન તેને સારી રીતે સમજાવીને તેને શીખવાડે, એકદમ પોતાની દીકરી જેવુ, પણ થોડા દિવસો પહેલા શારદાબેન સુનિતા સાથે સારું વર્તન કરતી નહોતી એટલે સુનિતા રસોડામાં કામ કરતી કરતી વિચાર કરતી હતી.

સુનિતા રસોડામાં કામ કરતી-કરતી મનોમન બોલતી હતી કે મમ્મી(સાસુમાં)ને શું થઈ ગયું છે. અચાનક મારા સાથે આવો વહેવાર કેમ કરવા લાગી છે. મારી કોઈ ભૂલ ન હોવા છતાં મારા પર ગુસ્સો કરવા લાગી છે અને જો મારાથી નાનકડી ભૂલ પણ થઈ જાય તો મે ઘણી મોટી ભૂલ કરી નાખી તેવું વર્તન કરે છે. તેઓ એવું વર્તન કરે છે કે હું તેમની સૌથી મોટી દુશ્મન છું અને પોતાની મિત્રો જોડે પણ મારી ફરિયાદ વગેરે કરતી રહે છે.

સુનિતાએ એક દિવસ પોતાના પતિને આ વિષે ફરિયાદ કરી, તેણે પણ એ વાતને ઇગ્નોર કરતા કહી દીધું કે આ બધું તેમની ઉંમરના કારણે થઇ રહ્યું છે ધીમે ધીમે આદત પડી જશે. પણ સુનિતા આ જવાબથી સંતુષ્ટ ના થઈ. તે વિચારતી કે આટલું બધું કર્યા પછી પણ આ પરિણામ.

સુનિતાએ ફોન કરીને તેની સાસુની ફરિયાદ નણંદ જોડે કરી અને દરેક વાત જણાવી દીધી. બીજા દિવસે નણંદ ઘરે આવે છે અને સુનિતાને કહે છે મમ્મી સાથે હું વાત કરી લઈશ તમે ફક્ત રૂમની બહાર ઊભા રહીને તેમની વાતો સાંભળજો.

નણંદ અંદર જાય છે અને પોતાની માં ને તેના ખરાબ વ્યવહાર વિષે પૂછે છે તો શારદાબેન હસતા હસતા જવાબ આપે છે કે અમારા ઓલ્ડ એજ ગ્રૂપમાં એક વાર્ષિક નાટક થવાનું છે જેમાં મને ખરાબ સાસુનું પાત્ર મળ્યું છે અને નાટકમાં જે પહેલો નંબર લાવશે તેને ટ્રોફીની સાથે ઇનામ પણ મળશે. આ ઉંમરમાં મને જો કોઈ ટ્રોફી અને ઇનામ મળશે તો તમે બધા કેટલા ખુશ થશો. તું પાછી આ વાત તારા ભાઈ-ભાભીને કેતી નઈ હું તેમને નાટકના દિવસે સરપ્રાઈઝ આપવા માંગુ છું.

આ તરફ સુનિતા હસતા હસતા પોતાનું માથું દીવાલ પર અથડાવવા લાગે છે અને પોતાને જ મૂર્ખ અને ગેરસમજ બદલ અંદરો અંદર હર્ષના આંસુથી છલકાઈ જાય છે.