જો સાસુ-વહુ અને ઘરના અન્ય સભ્યો રાખશે આ વાતોનું ધ્યાન તો હંમેશા રહેશે સુખી.

0
652

ભગવાનનો માનો આભાર, વાસ્તુ બનાવશે સાસુ-વહુના સંબંધ મજબૂત, જાણો કઈ રીતે.

આજથી નહીં, પણ સાસુ નામનો જન્મ થયો ત્યારથી આ ધારણા બનેલી છે કે સાસુ એ છે જે શ્વાસ અટકાવી દે. લગ્ન થાય એટલે માત્ર એક વ્યક્તિ સાથે સંબંધ જોડાય એવું નથી, પરંતુ સમગ્ર પરિવાર સાથે સંબંધ જોડાય છે. લગ્ન સાથે, સ્ત્રી માત્ર એક નવા જીવનમાં પ્રવેશતી નથી, પરંતુ એક નવું ઘર અને ઘણા નવા સંબંધોમાં પણ જોડાય છે. તેની પાસેથી આ સંબંધોને સુંદર રીતે સંભાળવાની પણ અપેક્ષા રાખવામાં આવે છે. જો તમે આ અપેક્ષાઓ પૂરી કરશો તો તમારું પારિવારિક જીવન ખુશીઓથી ભરાઈ જશે.

સંબંધો પરસ્પર પ્રેમ, સ્નેહ અને સંવાદિતા દ્વારા રચાય છે. સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ પણ સ્નેહ, વહાલ અને આત્મીયતાથી જ ટકાઉ બને છે. સમયની સાથે આ સંબંધ પણ બદલાઈ રહ્યો છે. સમય જતાં પરિવારો નાના થતા ગયા અને વર્તમાન સાસુ પણ વધુ શિક્ષિત અને ફેશનેબલ બની અને નવા વિચારોને અનુરૂપ બની. છતાં પણ બીજા પરિવારની દીકરી ઘરમાં વહુ તરીકે પ્રવેશે, તો તેને સમજણની જરૂર છે.

સાસુ સાથે થનાર સંઘર્ષને કેવી રીતે ટાળવો?

હંમેશા યાદ રાખો કે સાસુ સસરા તમારા માતા-પિતા જેવા છે તેઓ તમારા માતા-પિતા નથી હોતા. તેથી તેમની સરખામણી ક્યારેય ન કરો. જો તમારા મમ્મી-પપ્પા તમારા નખરા સહન કરતા હતા તો એનો અર્થ એ નથી કે તમે સાસરિયાંમાં પણ આવી કોઈ અપેક્ષા રાખો. ખુલ્લા દિલ અને મગજથી શરૂઆત કરો. પહેલાથી જ કોઈ વિચાર મનમાં બનાવીને રાખવાથી સંબંધ શરૂ થાય તે પહેલા જ તેમાં કડવાશ આવી જાય છે.

જો શક્ય હોય તો લગ્ન પહેલાં તમારા સાસરિયાઓને મળવા માટે સમય કાઢો. આનાથી તેમને પણ તમારી આસપાસ રહેવાની આદત પડી જશે. આ માટે તેમની સાથે લંચ કે કોફીનું આયોજન કરો.

વડીલોની મર્યાદા રાખો. જો તે કોઈ વાત પર કંઈક કહે છે, તો પછી દલીલ ન કરો, પરંતુ ધ્યાનથી સાંભળો. જો કોઈ એવી તક મળે કે તમને બોલવાનું જરૂરી લાગે ત્યારે આરામથી તેમની સામે પોતાની વાત સૂચનની જેમ મૂકો.

તેમની કેટલીક આદતોને તમારી દિનચર્યામાં સામેલ કરો. આનાથી તેમના માટે તમને અપનાવવામાં પણ સરળતા રહેશે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે તમારી ઓળખ ગુમાવવી દેવાની છે. શરૂઆતમાં નાના સરપ્રાઈઝ આપીને તમે સરળતાથી તેમના દિલ જીતી શકો છો. તેમની પસંદગીનો ખોરાક તૈયાર કરવો અથવા ગિફ્ટ ખરીદવી તે યોગ્ય રહેશે.

સાસુ અને વહુ વચ્ચેના સંઘર્ષને દૂર કરવાના ઉપાય:

ઘરમાં તુલસીનો છોડ વાવો અને દરરોજ તેની પૂજા કરો. સવારે અને સાંજે દીવો પ્રગટાવો. આ ઉપાય કરવાથી ઘરમાં હંમેશા શાંતિનું વાતાવરણ બની રહે છે. જો ઘરમાં હંમેશા અશાંતિ રહેતી હોય, તો ઘરના મુખ્ય દરવાજાની બહાર શ્વેતાર્ક (સફેદ આંકડાના ગણેશ) લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

પ્રતીકાત્મક ફોટો

જો ઘરમાં કોઈ અશુભ શક્તિના કારણે ઝઘડા થતા હોય, તો દરરોજ સવારે ગાયના દૂધમાં ગંગાજળ મિશ્રિત કરીને ઘરમાં છાંટવાથી ઘરની શુદ્ધિ થાય છે અને અશુભ શક્તિનો પ્રભાવ ઓછો થાય છે.

ઘરના વાસણો પડવા અને અથડાવાનો અવાજ ન આવવા દો. ઘરને સજાવીને સુંદર રાખો. પુત્રવધૂએ સૂર્યોદય પહેલા ઘર સાફ કરવું જોઈએ અને ઘરની બહાર કચરો ફેંકવો જોઈએ અને પિતૃઓની પૂજા કરવી જોઈએ. દરરોજ પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવો. રોટલી બનાવતી વખતે જ્યારે તવો ગરમ હોય ત્યારે તેના પર પહેલા ઠંડુ પાણી છાંટો અને પછી રોટલી બનાવો.

વાસ્તુથી સાસુ-વહુનો સંબંધ કેવી રીતે સુધારવો?

વાસ્તુ શાસ્ત્રના નિયમો પ્રમાણે પરિવારના સભ્યોએ ઘરમાં ક્યાં રહેવું અને સૂવું જોઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ, જેથી તેમની વચ્ચેના સંબંધો મધુર બને. વાસ્તુ શાસ્ત્રના નિયમો પ્રમાણે પરિવારના વડીલોએ નેઋત્ય ખૂણામાં (દક્ષિણ-પશ્ચિમ) સૂવું જોઈએ. આ ખૂણામાં રહેવાથી આત્મવિશ્વાસ વધે છે અને તે નિર્ણય લેવામાં સક્ષમ બને છે, દક્ષિણ દિશામાં માથું રાખવાથી વ્યક્તિમાં નેતૃત્વની ક્ષમતા વધે છે.

પરિવારનો કોઈપણ સભ્ય દક્ષિણ-પશ્ચિમ દિશામાં રહે છે, તે ઘરમાં પ્રભાવશાળી બને છે, તેથી સ્પષ્ટ છે કે ઘરના મોભી અને તેમની પત્નીએ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રહેવું જોઈએ અને પુત્રવધૂનો બેડરૂમ ત્યાં ન હોવો જોઈએ.

જે મહિલાઓ ઘરના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં રહે છે, તેમના મનમાં ઉચ્ચતાની લાગણી આવવા લાગે છે, તેઓ પોતાનું અલગ ઘર બનાવવાના સપના જોવા લાગે છે. તેથી, અપરિણીત છોકરીઓ માટે આ ખૂણામાં નિવાસ કરવો શુભ છે, જેથી તેઓના જલ્દી લગ્ન થઈ શકે. નવી વહુને વાયવ્ય ખૂણામાં બિલકુલ ન રાખો, તેનાથી તેમનામાં પરિવારથી અલગ થવાનો ભાવ આવશે.

વાસ્તુ શાસ્ત્રના નિયમો પ્રમાણે, નેઋત્ય ખૂણો (દક્ષિણ-પશ્ચિમ) ઘરનું સૌથી શક્તિશાળી સ્થાન છે, જેમાં સાસુએ સૂવું જોઈએ. જો સાસુ ન હોય તો મોટી વહુએ સૂવું જોઈએ. તેનાથી નાનીએ પશ્ચિમ દિશામાં સૂવું જોઈએ, ત્રીજા નંબરની નાની વહુએ પૂર્વ દિશામાં સૂવું જોઈએ.

જો તમારું પૂજા મંદિર સીડીની નીચે બનેલું છે તો તે ખૂબ જ ખોટું છે. તેની ખરાબ અસરને લીધે વહુ અને સાસુ વચ્ચે ઝગડા થાય છે, અને તમારા ઘરમાં અશાંતિ રહેશે. એટલા માટે સીડીઓ નીચે ઘર મંદિર ના રાખવું જોઈએ.

પરિવારના મોભી, સાસુ કે મોટી પુત્રવધૂએ ક્યારેય ઉત્તર-પૂર્વ(ઈશાન ખૂણામાં) દિશામાં ન સૂવું જોઈએ, તેનાથી પરિવારમાં અસર ઓછી થાય છે અને હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાય છે, વૃદ્ધાવસ્થામાં અગ્નિ ખૂણામાં રહી શકે છે.

એક અદ્ભુત મંત્ર :

વાસ્તુદેવતા એ તમામ દેવતાઓનું સ્વરૂપ હોવાથી, નિયમિત દેવ પૂજામાં વિશેષ મંત્ર સાથે વાસ્તુદેવનું ધ્યાન કરવું એ વાસ્તુ દોષોને દૂર કરવાનો સરળ ઉપાય માનવામાં આવે છે. જે ઘરમાં કોઈપણ જાતની તોડફોડ કર્યા વિના વાસ્તુ દોષ દૂર કરવા માટે પણ અસરકારક સાબિત થઈ શકે છે. તેને આ રીતે અનુસરો.

દરરોજ ઈષ્ટદેવની પૂજા સમયે હાથમાં સફેદ ફૂલ અને સફેદ ચંદન લઈને નીચે લખેલા વેદમંત્રથી વાસ્તુદેવનું ધ્યાન કરો અને પરિવારમાંથી તમામ કલેશ, પરેશાનીઓ અને દોષો દૂર કરવાની પ્રાર્થના કરો અને ફૂલ, ધૂપ અર્પણ કરો. ઈષ્ટદેવને ફૂલ ચઢાવો. દીવો અને આરતી કરો.

વાસ્તોષ્પતે પ્રતિ જાનીહ્યસ્માન્ ત્સ્વાવેશો અનમીવોઃ ભવાન્।

યત્ ત્વેમહે પ્રતિ તન્નો જુષસ્વ શં નો ભવ દ્વિપદે શં ચતુષ્પદે.।।

ઋગ્વેદના આ મંત્રનો સાદા શબ્દોમાં અર્થ છે – હે વાસ્તુદેવતા, અમે સાચા હૃદયથી તમારી પૂજા કરીએ છીએ. અમારી પ્રાર્થના સાંભળો, તમે અમને રોગ, પીડા અને ગરીબીમાંથી મુક્ત કરો. ધન અને સમૃદ્ધિની અમારી ઈચ્છા પૂર્ણ કરો. વાસ્તુ વિસ્તાર કે મકાનમાં રહેતા પરિવારના તમામ સભ્યો, પ્રાણીઓ અને વાહનોને શુભ અને મંગળમય બનાવો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી સ્પીકિંગ ટ્રી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.