‘સથવારો’ – બે મિનિટનો સમય કાઢીને આ હ્રદયસ્પર્શી ટુંકી વાર્તા જરૂર વાંચજો, કંઈક સમજવા મળશે.

0
1649

અમરેલીનું નાનુ બસ સ્ટેન્ડ એટલે આજુબાજુના ગામડાઓનાં હટાણાનુ કેન્દ્ર.

બસમાથી ઉતરતા વેત જ આજુબાજુમા શાકમાર્કેટ, કરીયાણા-ગંધિયાણા, ફરસાણ, કપડાની બજાર. એટલે મોટાભાગનુ હટાણુ પતાવીને ન્યાથી જ બસ પકડાય જાય. આખો દિવસ ધમાચકડી પછી જેમ જેમ સુરજદાદા હેઠા ઉતરતા જાય એમ ગામડીયાઓનો ઘોંઘાટ શાંત પડતો જાય.

શહેરની લાઈટો ઝબકી ઊઠી, નાના બસ સ્ટેન્ડે મુસાફરોની ઘણી જ ભીડ હતી. ગામડામાંથી આવેલા માણસો હટાણું કરીને પોતપોતાના ગામની બસની રાહ જોતા હતા. ગામની છેલ્લી બસ ચૂકી ન જવાય તેથી આવતી જતી એકે એક બસ કાળજીપૂર્વક જોતા હતા.

ભાઈ, દેરડીવાળી ગઈ? ‘ એક અવાજ મારી પાછળ આવ્યો. મેં પાછળ જોયું. સાઠેક વર્ષના એક વૃદ્ધ બગલમાં પોટલું દબાવી, હાફળાં ફાફળાં આવીને મને પૂછતાં હતાં.

તેણે જૂનું ધોતિયું ખમીસને ઝીર્ણશીર્ણ થયેલો મેલો કોટ પહેર્યો હતો. માથે એવું જ મેલું દાટ પનિયું વીંટયું હતું. થોડાંક દિવસની ચડેલી દાઢીના ધોળાં વાળ વરવાં લાગતા હતાં.

‘’ હા … ” મેં તેની સામે જોઈને કહ્યું.

પેલા વૃદ્ધના ચહેરા પરથી કરચલીઓ સળવળવા લાગી. તેમણે મારી સામે અણગમતી નજરે જોયું. જાણે મારો જવાબ એને ગમ્યો નહિ. વધુ ચોકસાઈ કરવા એણે પૂછયું, ‘ ઓલી રાંઢિયા થઈને હાલે ઈ હો? ‘

‘ એ મને ખબર નથી, પણ દેરડી હમણાં જ ગઈ. ‘

‘ નો બને … ‘ વૃદ્ધે માથું ધુણાવ્યું ‘ જાય જ નૈ … ‘ મારી સામે અવિશ્વાસ ભરી નજર નાખીને એ વૃદ્ધ બીજા પાસે ગયા. તેને પૂછ્યું ,

‘ હા ગઈ . ‘

બસ સ્ટેન્ડે શીંગ ચણા વેચતા નાનજીને પૂછયું, ‘ હૈ ભાઈ, દેરડીવાળી બસ ગઈ? ‘

હા, બાપા, હમણાં જ ગઈ… ‘ ખલાસ…’ , નાનજીનો જવાબ એટલે કોઇને પૂછવા પણુ જ નહિ.

વૃદ્ધ ઢિલાઢફ થઇ ગયા.

આસપાસ નજર ફેરવી પોતાના ગામના કોઈ મુસાફરો છે કે નહિ, તેની ખાતરી કરી લીધી અને પહાડ જેવડો નિસાસો નાખ્યો , ‘ ભારે કરી … હવે? ‘

ત્યાં જ વૃદ્ધની નજર દૂર પડી. તેના ચહેરા પર ચમક આવી. એ પોટલું દબાવતા દોડયા. ‘ અરે ! મગન? તું? દેરડી તો ગઈ.. ! ‘

‘ ગઈ? ‘ મગન ટાઢકથી બોલ્યો, તેના મોં પર બસ ગઈ તેનો જરાપણ ઉચ્ચાટ નહતો.

‘ હા … ‘ વૃદ્ધના ચહેરા પર થોડો ઉજાસ પથરાયો. કારણ કે તેને લાગ્યું કે બસ ચૂકી જવામાં તે એકલા નથી મગન પણ છે. હવે મગનનો સથવારો મળી ગયો. એ જરૂર કંઇક માર્ગ કાઢશે.

‘ તું કયાંથી આવે છે? ‘ વૃદ્ધે મગન પાસે રહેલી બેગ સામે જોયું.

‘ સુરતથી આવું છું. ‘ મગન આવતા જતા વાહન પર નજર નાખતો હતો.

‘ તો હવે કેમ કરશ્યું? ‘ વૃદ્ધે આશાભરી નજરથી મગન સામે જોયું.

અને એક મોટરસાઈકલવાળો ત્યાંથી નીકળ્યો. મગને હાથ ઊંચો કર્યો ને એ મોટરસાઈકલ પર મગન રોફથી બેસીને ચાલતો થયો.

વૃદ્ધ અદ્રશ્ય થતાં મગનને તાકી રહ્યા. આ મગન?

ના.. આ મગનો નહિ.. આ કરમશીભાઈનો મગનો નૈ… નકર ઈ મને મૂકીને નો જાય….. એક સહારો પણ છુટી ગયો અને વૃદ્ધની બગલમાંથી પોટલું ફસકીને નીચે પડી ગયું.

મૂળ કથા- વાસુદેવ સોઢા

(સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગૃપ)