માત્ર ચૌદ વરસની ચારણ કન્યાએ સાવજને ભગાડ્યો હતો, વાંચો તેના પર બનેલી ઝવેરચંદ મેઘાણીની આ કવિતા.

0
231

સાવજ ગરજે

વનરાવનનો રાજ ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવતકુળનો અરિ ગરજે

કડ્યપાતળિયો જોદ્ધો ગરજે

માં ફાડી માતેલો ગરજે

જાણે કો જોગંદર ગરજે

નાનો એવો સમંદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે

બાવળના જાળામાં ગરજે

ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે

ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે

ઉગમણો, આથમણો ગરજે

ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે

વાડામાં વાછડલાં કાંપે

કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડા કાંપે ઝાડ તણાં પાંદલડા કાંપે

પહાડોના પથ્થર પણ કાંપે

સરિતાઓનાં જળ પણ કાંપે

સૂતાં ને જાગતાં કાંપે

જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે !

કેવી એની આંખ ઝબૂકે

વાદળમાંથી વીજ ઝબૂકે

જોટે ઊગી બીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે

હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે

વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે

સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !

જોગી જાણે ગુફા ઉઘાડે !

જમરાજાનું દ્વાર ઉઘાડે !

પૃથ્વીનું પાતાળ ઉઘાડે !

બરછી સરખા દાંત બતાવે

લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે

બહાદુર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે

ફરસી લેતો ચારણ ઊઠે

ખડગ ખેંચતો આહીર ઊઠે

બરછી ભાલે કાઠી ઊઠે

ગોબો હાથ રબારી ઊઠે

સોટો લઈ ઘરનારી ઊઠે

ગાય તણા રખવાળો ઊઠે

દૂધમલા ગોવાળો ઊઠે

મૂછે વળ દેનારા ઊઠે

ખોંખારો ખાનારા ઊઠે

માનું દૂધ પીનારા ઊઠે !

જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રે‘જે

ત્રાડ પડી કે ઊભો રે‘જે !

ગીરના કુત્તા ઊભો રે‘જે !

કાયર દુત્તા ઊભો રે‘જે !

પેટભરા ! તું ઊભો રે‘જે !

ભૂખમરા ! તું ઊભો રે‘જે !

ચોર-લૂ ટારા ઊતો રે‘જે !

ગા-ગોઝારા ઊભો રે‘જે !

ચારણ કન્યા

ચૌદ વરસની ચારણ-કન્યા

ચૂંદડિયાળી ચારણ-કન્યા

શ્વેતસુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા

લાલ હિંગોળી ચારણ-કન્યા

ઝાડ ચડંતી ચારણ-કન્યા

પહાડ ઘૂમંતી ચારણ-કન્યા

જોબનવંતી ચારણ-કન્યા

આગ-ઝરંતી ચારણ-કન્યા

નેસ-નિવાસી ચારણ-કન્યા

જગદમ્બા-શી ચારણ-કન્યા

ડાંગ ઉઠાવે ચારણ-કન્યા

ત્રાડ ગજાવે ચારણ-કન્યા

હાથ હિલોળી ચારણ-કન્યા

પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો

રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો

હાથીનો હણનારો ભાગ્યો

જોગનાથ જટાળો ભાગ્યો

મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઈ તું નારીથી ભાગ્યો

નાનકડી છોડીથી ભાગ્યો !

– ઝવેરચંદ મેઘાણી

સંપાદન : હસમુખ ગોહીલ, લેક્ચરર,ટેક.હાઈ,કપડવંજ

સાભાર જીતેન્દ્ર બગ્દરીયા (કાઠિયાવાડી સાહિત્ય અને વાર્તા ગ્રુપ)

ફોટો પ્રતીકાત્મક છે