સ્વાવલંબી અને મહેનતી કામવાળીની આ સ્ટોરી આપણને ઘણી ઉપયોગી અને સારી વાતો શીખવે છે, વાંચજો જરૂર.

0
797

સોનાલી :

મુંબઈની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં, 2000/- જેવા સસ્તા ભાડામાં, પહેલા માળે રહેતી સોનાલી સવારે પાંચના ટકોરે જાગી જતી. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી હોવાથી તેના ઘરે નળની સગવડ નહોતી. પાણી ભરવા માટે તેને ગ્રાઉન્ડ ફ્લોર માં આવવું પડતું. પાણી ભરવા માટે લાઇનમાં ઊભી રહેતી. અને રોજ સવારે એકલા હાથે પાણીની બાલટીઓ પહેલા માળે લઈ જઈને પાણીનો ડ્રમ ભરતી અને બીજું વધારાનું પાણી ઘરના અન્ય કામ માટે ભરી રાખતી.

પાણી ભરવાનું કામ પતાવીને સ્નાન કરતી અને પછી પૂજાપાઠ કરતી. તેનો પુત્ર અને પતિ સુતા હોય ત્યારે જ સવારનો નાસ્તો અને બપોરની રસોઈ બનાવી લેતી.

સોનાલી સ્વાવલંબી તેમજ સ્વભાવે શાંત હતી. તે વાતો ઓછી અને કામ વધારે કરતી. બીજી બધી માવસીઓ(કામવાળી બાઈ)ની જેમ ગપ્પા મારવામાં તેને કોઈ રસ નહોતો. તેના ચહેરા પર હંમેશા એક હળવું સ્મિત રહેતુ. તેને જે વધ્યું ઘટ્યું આપો તે ખાઈ લેતી પણ ક્યારેય સામેથી કશું માંગતી નહોતી. તેના પતિનો સ્વભાવ તેનાથી વિરૂદ્ધ જ હતો. તેનો પતિ બબ્બન એક નંબરનો ડા રુ ડિયો હતો. ક્યારેક કામ કરતો તો ક્યારેક છોડી દેતો. અને ઘરે બેસી રહેતો. સોનાલીને મળતો પગાર ક્યારેક ચોરી લેતો, તો ક્યારેક જુટવી લેતો.

સોનાલી એક જ સોસાયટીના 8 ઘરે કામ કરતી હતી. શેઠાણીઓ તેના કામથી ખૂબ જ ખુશ રહેતી. કારણ કે તે પોતાનું કામ ખૂબ જ ઇમાનદારીપૂર્વક કરતી. તેના ઘર અને સોસાયટી વચ્ચે 45 મિનિટ નું અંતર હતું. છતાં પણ તે હંમેશા સવારે ચાલીને આવતી. અને સાંજે બસમાં જતી. થાકીને લોથપોથ હોવા છતાં ઘરે પહોંચીને પોતાના પુત્રને ભણાવતી અને સાંજની રસોઈ કરતી. રાત્રે કામથી પરવારતા તેને ૧૧-૧૧.૩૦ વાગી જતા. આ તેનો રોજનો નિત્યક્રમ હતો.

ભયંકર વાવાઝોડા ની આગાહી થઇ હોવા છતાં પણ આજે સોનાલી કામ પર આવી હતી. રોજની જેમ આજે પણ સોનાલી પોતાનું કામ કરી રહી હતી. તેના મોબાઈલની ઘંટડી રણકી. તેણે મોબાઈલમાં જોયું તો તે નંબર તેના પતિનો હતો. તેણે ફોન ઉપાડ્યો. હંમેશાં સ્મિત કરતી સોનાલીનો ચહેરો વાત કરતા કરતા ફિક્કો પડી ગયો.

તેણે ફોન મુક્યો પછી શેઠાણીએ પૂછ્યું, “શું થયું?” જેમતેમ હિંમત એકઠી કરીને તેણે કહ્યું, “ભાભી, વાવાઝોડાના કારણે મારા ઘરનું છાપરું ઉડી ગયું. મારે હમણાં જ ઘરે જવું પડશે.” તેણે ઘરે જવા માટે શેઠાણી ની પરવાનગી માંગી. શેઠાણીએ જવાની હા પાડી, અને મદદ માટે પૈસા સામા કર્યા. તો તેણે તે પૈસા ન લીધા અને કહ્યું કે, મારી પાસે થોડા જમા કરેલા પૈસા છે તેનાથી કામ ચાલી જશે.

હંમેશા બસમાં જતી સોનાલી આજે રીક્ષા કરીને તેના ઘરે પહોંચી. તેણે ઘર તરફ નજર કરી તો આખું છાપરુ જ ઉડી ગયું હતું. આકાશ સ્પષ્ટપણે દેખાતું હતું. કેટલાંક કપડાં પણ ઉડી ગયા હતા. ટીવી નો ફ્યુઝ ઉડી ગયો હતો અને ઇલેક્ટ્રિસિટીના વાયરો તૂટીને વેરવિખેર થઈ ગયા હતા. પંખો પણ સાવ તૂટી ગયો હતો. સોનાલીના ચહેરા પર ઉદાસી નું મોજું ફરી વળ્યું. પણ આ તો કુદરતનો કોપ હતો. તેના આગળ કોઈનું જોર ના ચાલે.

આ બધું સમેટતા અને ઘરનું રીપેરીંગ કરતા તેને ચાર દિવસ લાગ્યા. આટલી મોટી આફત આવવા છતાં પણ તેના ચહેરા પર ચાર દિવસ પછી પહેલાની જેવું જ હળવું સ્મિત હતું.

એને આટલી બધી તકલીફ હોવા છતાં પણ તે ક્યારેય ફરિયાદ નહોતી કરતી. એને જોઈને હંમેશા એમ જ થતું , આટલી તકલીફ હોવા છતાં પણ તે ચહેરા પર સ્મિત રાખી શકે છે, તો આપણે શા માટે આટલી ફરિયાદ કરીએ છીએ? એની તકલીફ સામે આપણી તકલીફ તો કંઈ જ નથી.

સલામ છે આ સોનાલીને અને તેની જેવી લાખો સ્ત્રીઓને. જે દિવસે સખત પરિશ્રમ કરીને પોતાની શેઠાણીઓને ખુશ રાખે છે અને રાત્રે પોતાના વ્ય સની પતિને.

લેખક – મીના સાવલા કારીઆ (Meena Savla Karia) (અમર કથાઓ ગ્રુપ)