પતિ પત્ની વચ્ચેનો “એય.. તમને કહું છું” નો આ એકદમ સંવેદનશીલ બનાવ તમારી આંખો ભીની કરી દેશે.

0
1026

એય તમને કહું છું :

રંજનના અ-વ-સા-નને મહિનો થઈ ગયો. આજે બધી વિધિઓ પુરી થઈ ગઈ. આવેલ મહેમાનો જતા રહ્યા. હેમંત બગીચાને એ બાંકડે જઈ બેઠો, જ્યાં અવાર નવાર પતિ પત્ની બેસતાં.

હેમંત શિક્ષક હતો. ઘરમાં સુખી હતો. એક દિકરા અને દિકરીને ભણાવી ગણાવી પરણાવી દીધા હતા. બન્નેને બાળકો પણ હતાં. પોતાની નિવૃત્તિને ત્રણ માસની વાર હતી ત્યાં અચાનક આવેલી ટુંકી માંદગીમાં રંજન ચાલી નિકળી.

એની નજર સામે ભૂતકાળના યાદગાર પાના ઉથલવા માંડ્યા.

લગ્નની બીજી રાત હતી. રંજન એના માથા પર હાથ ફેરવતાં બોલી હતી.. “તમે ચાલાક નથી. માસ્તર જ છો. સાચું બોલજો. તમને કાલે ખોટું લાગ્યું હતું ને? હું તમારી વહુ છું. એવા લાડ તો કરીશ. તમારે પણ તોફાન કરવું જોઈએને. ચાદર ઓઢાડીને મને ચીંટીયો કેમ ના ભર્યો?”

ગઈ રાતે એ પાણી પીવા ઉઠ્યો ત્યારે રંજને કહેલું.. “એય.. તમને કહું છું.. મને ટાઢ વાય છે.. ચાદર ઓઢાડો.”

એણે પતિ તરીકે અહં ઘવાયો હોય તેમ, ખચકાતાં ખચકાતાં ચાદર ઓઢાડી હતી.

તે પછી, એને રંજનનું “એય.. તમને કહું છું..” બરાબર સમજાઈ ગયું હતું.

બીજો પ્રસંગ યાદ આવ્યો.

રજાનો દિવસ હતો. રંજન રોટલીનો લોટ બાંધી રહી હતી. એના કોરા છુટા વાળ આગળ આવી ગયા હતા. એણે બુમ મારી.. “એય.. તમને કહું છું.. મારા વાળ સરખા કરો તો.. મારા હાથ લોટવાળા છે.”

એ દિવસે વાળ સરખા કર્યા પછી રંજનને ગમે તેવું ખુબ તોફાન કર્યું હતું.

તો વળી ત્રીજી વાત યાદ આવી.

એક દિવસ જમતી વખતે, પોતે અડધી રોટલી પડતી મેલી ઉભો થઈ ગયો. રંજનની બુમ સંભળાઈ.. “એય.. તમને કહું છું.. આ રોટલી એંઠી કેમ મુકી.. ખાઈ જાવ.”

એણે પાછા જઈને કોળીયો તૈયાર કર્યો ત્યાં રંજન બોલી.. “આટલું બધું પરાણે ખાશો તો પચશે નહીં. પેટમાં દુ:ખશે.” એમ કહી પોતાનું મોં ખોલ્યું. હેમંતે કોળીયો આપ્યો અને ગાલ તાણ્યો.

વિચારોમાં ને વિચારોમાં સાંજ પડી ગઈ. અંધારું થવા આવ્યું. હેમંતને ભણકારો થયો.

“એય.. તમને કહું છું.. હવે ક્યાં સુધી બેસી રહેવું છે? ઘરે ચાલોને. આવો ત્યારે પાનાચંદની દુકાન વાળે રસ્તે ચાલજો. કચોરી લેતા આવજો.”

રંજનને પાનાચંદ કંદોઈની કચોરી બહુ ભાવતી.

– જયંતીલાલ ચૌહાણ ૧૯ -૯ -૨૧