શેઠે સંતને અત્તરની મોંઘી શીશી આપી પણ સંતે તેને નદીમાં ઠાલવી દીધું, શેઠને આ રીતે આપ્યું બ્રહ્મજ્ઞાન.

0
387

મથુરામાં એક સંત રહેતા હતા. તેમના ઘણા શિષ્ય હતા. તેમાંથી એક શેઠ જગતરામ પણ હતા. જગતરામનો ઘણો મોટો વેપાર હતો. તે વેપારની બાબતમાં દુર દુરના પ્રવાસ કરતા રહેતા હતા.

એક વખત તે વેપાર માટે કન્નોજ ગયા. ક્ન્નોજ તેના સુગંધિત અત્તર માટે પ્રસિદ્ધ છે. તેમણે અત્તરની એક મોંઘી શીશી સંતને ભેંટ આપવા માટે ખરીદી.

શેઠ જગતરામ થોડા દિવસો પછી કામ પૂરું કરીને પાછા મથુરા આવ્યા. બીજા દિવસે સંતની ઝૂંપડીમાં તેમને મળવા ગયા. સંત ત્યાં ન હતા. અન્ય લોકોને પૂછતાં જાણવા મળ્યું કે, તે યમુના કાંઠે ગયા છે, સ્નાન-ધ્યાન માટે.

જગતરામ ઘાટ તરફ ચાલી નીકળ્યા. જોયું કે સંત ગોઠણ ભર પાણીમાં ઉભા રહી યમુના નદીમાં કાંઈક જોઈ રહ્યા છે અને હસી રહ્યા છે.

ઝડપથી ચાલીને તે સંત પાસે પહોંચ્યા. પ્રણામ કરીને બોલ્યા તમારા માટે કન્નોજથી અત્તરની શીશી લાવ્યો છું.

સંતે કહ્યું : તો મને આપો. શેઠ જગતરામે અત્તરની શીશી સંતના હાથમાં આપી દીધી. સંતે તરત તે શીશી ખોલી અને બધું અત્તર યમુનામાં નાખી દીધું અને સ્મિત કરવા લાગ્યા.

જગતરામ આ દ્રશ્ય જોઈને ઉદાસ થઇ ગયા અને વિચાર્યું કે, એક વખત પણ અત્તરનો ઉપયોગ ન કર્યો, સુંઘયું પણ નહિ અને બધું અત્તર યમુનામાં નાખી દીધુ.

તે કાંઈ ન બોલ્યા અને ઉદાસ મને ઘરે પાછા આવી ગયા. પછી જયારે તેમની ઉદાસી થોડી ઓછી થઇ તો તે સંતની પાસે તેમના દર્શન માટે ગયા.

સંત ઝૂંપડીમાં એકલા આંખો બંધ કરીને બેઠા હતા અને ભજન ગાઈ રહ્યા હતા. હલચલ થઇ તો શેઠને દ્વાર ઉપર જોયા. પ્રસન્ન થઈને તેમને પાસે બોલાવ્યા અને કહ્યું : તમારું અત્તર ઘણું કામ લાગી ગયું. શેઠે આશ્ચર્ય સાથે સંત તરફ જોયું અને પૂછ્યું, હું કાંઈ સમજ્યો નહિ.

સંતે કહ્યું : તે સમયે યમુનામાં રાધાજી અને શ્રીકૃષ્ણની હોળી થઇ રહી હતી. મેં તમારું લાવેલું અત્તર પાણીમાં નાખી દીધું. જયારે શ્રીકૃષ્ણ ઉપર રંગ નાખવા માટે પિચકારી પાણીમાં નાખી, ત્યારે તમારું અત્તર પિચકારીના પાણી સાથે શ્રીકૃષ્ણના શરીર ઉપર જતું રહ્યું અને ભગવાન શ્રીકૃષ્ણ અત્તરની સુગંધથી મહેકવા લાગ્યા.

તમારા લાવેલા અત્તરે શ્રીકૃષ્ણ અને શ્રી રાધા રાણીની હોળીમાં એક નવો રંગ ભરી દીધો. તમારા કારણે મને પણ શ્રીકૃષ્ણ અને શ્રી રાધા રાણીની કૃપા પ્રાપ્ત થઇ. શેઠ જગતરામ આંખો ફાડી સંતને જોતા રહ્યા. તેમને કાંઈ સમજાતું ન હતું.

સંતે શેઠની આખોમાં અવિશ્વાસની ઝલક જોઈ તો કહ્યું – કદાચ તમને મારી કહેલી વાત ઉપર વિશ્વાસ નહિ આવી રહ્યો હોય. જાવ મથુરાના તમામ શ્રીકૃષ્ણ રાધાના મંદિરોના દર્શન કરી આવો. પછી કાંઈ કહેજો.

શેઠ જગતરામ મથુરામાં આવેલા તમામ શ્રીકૃષ્ણ રાધાના મંદિરમાં ગયા. તેમને તમામ મંદિરોમાં શ્રીકૃષ્ણ રાધાની મૂર્તિ માંથી તેમના અત્તરની સુગંધ આવી રહી હતી.

શેઠ જગતરામનું અત્તર શ્રીકૃષ્ણ અને શ્રી રાધા રાણીએ સ્વીકાર કરી લીધું હતું. તે સંતની ઝૂંપડીમાં પાછા આવ્યા અને સંતના ચરણોમાં પડી ગયા. શેઠની આંખો માંથી આંસુઓની ધારા વહેવા લાગી.

સંતની આંખો પણ પ્રભુ શ્રીકૃષ્ણની યાદમાં તાજી થઇ ગઈ.

શેઠ જગતરામને ખબર પડી કે, આ સંત મહાત્મા ભલે આપણી જેવા દેખાઈ રહ્યા હોય, પણ તે દરેક સમયે ઈશ્વરમાં મન લગાવી રાખે છે. અને આપણા જેવાને એ સ્થિતિ ત્યારે પ્રાપ્ત થશે. જયારે આપણી ભક્તિ વધશે, ભગવાનનું નામ-સ્મરણ વધશે અને આપણી શ્રદ્ધા વધશે.

જય શ્રી કૃષ્ણ.