કોઈપણ સેવા કાર્ય કરતી વખતે ન કરવું જોઈએ આ કામ, વિનોબા ભાવેના આ પ્રસંગ પરથી સમજો વાત.

0
417

આચાર્ય વિનોબા ભાવે લોકો પાસે ભૂદાન કરાવવાના હેતુથી ગામડે ગામડે ફરી રહ્યા હતા. તે બધાને સમજાવતા હતા કે તમારી પાસે વધારે જમીન હોય તો વધારાની જમીન દાનમાં આપી દેવી જોઈએ. આ જમીન એવા લોકોને ઉપયોગી થશે જેમની પાસે જમીન નથી.

વિનોબાજી જ્યારે આવી વાતો કરતા ત્યારે લોકો જાણતા હતા કે, આ વ્યક્તિ પાસે ન તો પૈસા છે, ન તો કોઈ સત્તા છે, ન તો તેમને કોઈ લોભ છે. તેઓ અન્ય લોકો માટે જમીન માંગી રહ્યા છે. એટલા માટે લોકો તેમને ઘણું દાન આપતા હતા.

ધીમે ધીમે વધુને વધુ લોકો વિનોબાજીને ઓળખવા લાગ્યા, વિનોબાજીનું સન્માન કરવા લાગ્યા. તેમને 40 લાખ એકરથી વધુ જમીન દાનમાં મળી હતી. તેઓ હજારો માઈલ ચાલતા હતા. ઘણા લોકો સેનાની જેમ તેમની સાથે ચાલતા હતા.

તે સતત ચાલતા રહેતા હતા આથી ઘણી વખત લોકો તેમને પૂછતા કે, તમે થાકતા નથી? તો તે કહેતા કે, સેવાનો આનંદ જ અલગ હોય છે. તેઓ દેશના ખૂણે ખૂણેમાં ગયા.

એક દિવસ તેમને સૌથી વધુ જમીન દાનમાં મળી. તે સમયે તેમના સાથીઓ ચાલી ચાલીને થાકી ગયા હતા. આથી તેમનો ઉત્સાહ વધારવા તેમણે મજાકમાં કહ્યું, ‘આજે આટલી જમીન મળી છે, તો બધા ધ્યાન રાખજો કે હાથમાં માટી ચોંટી ન જાય. અને જો ચોંટી જાય, તો તેને ખંખેરી નાખજો.

આ વાત સાંભળી બધા સમજી ગયા કે વિનોબાજી શું કહેવા માગે છે. તેમણે કહ્યું હતું કે, ‘આપણને જે પણ દાન મળી રહ્યું છે તેનો એક કણ પણ પોતાના અંગત ઉપયોગમાં લેવાનો નથી. આને ત્યાગ કહેવાય છે.’

શીખ – કોઈપણ સેવા કાર્ય કરતી વખતે તેમાં અંગત લાભનો વિચાર ન કરવો જોઈએ. સેવામાં ખાનગી હિતને દૂર રાખવું જોઈએ. સેવા કરતી વખતે તમને તમારો ફાયદો દેખાય તો એ સેવા નહીં સોદો કહેવાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.