સેવાને ‘વેઠ’ માની ઘરેથી નીકળેલી મહિલા સાથે જે થયું તેણે તેની આંખ ઉઘાડી દીધી, વાંચો શીખ આપતી લઘુકથા.

0
681

લઘુકથા “વિકલાંગ”

લેખક – માણેકલાલ પટેલ.

ટેક્સી ઉપડી ત્યારે પાછળની સીટ ઉપર બેઠેલી માનસી ડ્રાઇવરને કંઈ કહેવા જતી હતી ત્યારે જ આગળની સીટ પર બેઠેલી મહિલા મુસાફરે કહ્યું : બહેનજી ! આપ માસ્ક સરખું પહેરો !

માનસી આમેય ગુસ્સામાં તો હતી જ. પણ, કોઈ દલીલ કર્યા વિનાને એણે માસ્ક નાક ઢંકાય એ રીતે સરખું કર્યું. ખોળામાં રહેલા બાળકને પણ સરખું માસ્ક પહેરાવી એણે કહ્યું : ” હવે તો કો-રો-ના ઘટી ગયો છે એટલે…….”

“તોયે કાળજી રાખવી જરૂરી છે.” આગળથી અવાજ આવ્યો.

ચાર રસ્તે રેડ લાઇટ હોતાં ટેક્સી ઉભી રહી. થોડીવારે એક ભિખારીએ આવી ડ્રાઇવર પાસે હાથ લંબાવ્યો.

ડ્રાઇવરે પાંચ રૂપિયાનો સિક્કો બારીમાંથી આપ્યો અને પેલા ભિખારીએ એ લીધો ત્યારે માનસીને કમકમાટી આવી ગઈ.

ભિખારીના બન્ને હાથ કાંડાથી કપાયેલા હતા.

થોડે આગળ જઈ પાછી ટેક્સી ઉભી રહી. પહેલી સીટમાં બેઠેલ મુસાફરને નીચે ઉતરવામાં મદદ કરવા ડ્રાઇવર બહાર આવ્યો.

એણે હાથ પકડીને એ મુસાફરને જાળવીને નીચે ઉતારી સીટ નીચે રાખેલ બે બગલ ઘોડી એમના હાથમાં આપી.

માનસી આ જોઈ રહી હતી.

પોલિયો ગ્રસ્ત એની નણંદની સેવાને વેઠ માની સાસુ સાથે ઝગડો કરી પિયર જવા નીકળેલી માનસીએ ડ્રાઇવરને પૂછ્યું : ” ભાઈ ! પાછા ક્યારે વળવાનું છે?”

– માણેકલાલ પટેલ (અમર કથાઓ ગ્રુપ)