સેવકે કહ્યું ભગવાન હું તમારી જગ્યાએ મૂર્તિ બનીને ઉભો રહું છું તમે બહાર ફરી આવો, પછી જે થયું તે સમજવા જેવું છે

0
960

એકવાર ભગવાનને તમનો સેવક કહે છે, ભગવાન – તમે એક જગ્યાએ ઉભા ઉભા થાકી ગયા હશો. એક દિવસ હું તમારી જગ્યાએ મૂર્તિ બનીને ઊભો રહી જાઉં, તમે મારું સ્વરૂપ ધારણ કરીને બહાર ફરી આવો.

ભગવાન માની જાય છે. પરંતુ એક શરત મૂકે છે કે, જે કોઈ પ્રાર્થના કરવા આવે છે, તારે તેમની પ્રાર્થના બસ સાંભળી લેવાની અને કઈ પણ બોલવાનું નહીં. મેં તે બધા માટે આયોજન કરી રાખ્યું છે.

સેવક માની જાય છે. સૌપ્રથમ એક વેપારી મંદિરમાં આવે છે અને કહે છે કે પ્રભુ, મેં એક નવું કારખાનું નાખ્યું છે, તેને ખૂબ સફળ કરજો. તે માથું નમાવે છે, ત્યારે તેનું પર્સ નીચે પડી જાય છે. તે પર્સ લીધા વિના જ ત્યાંથી નીકળી જાય છે.

સેવક બેચેન થઈ જાય છે, તે વિચારે છે કે તેને બોલાવીને જણાવું કે તારું પર્સ પડી ગયું છે, પરંતુ શરતને કારણે તે કહી શકતો નથી.

એ પછી એક ગરીબ માણસ આવે છે અને ભગવાનને કહે છે કે ઘરમાં ખાવા માટે કંઈ નથી. ભગવાન મદદ કરો. ત્યારે જ તેની નજર નીચે પડેલા પર્સ પર પડે છે, તે ભગવાનનો આભાર માને છે અને પર્સ લઈને ચાલ્યો જાય છે.

હવે ત્રીજી વ્યક્તિ આવે છે, તે નાવિક હતો. તે ભગવાનને કહે છે કે હું 15 દિવસ માટે વહાણ સાથે દરિયાઈ સફર પર જઈ રહ્યો છું, હે ભગવાન યાત્રામાં કોઈ અડચણ ન આવે એવા આશીર્વાદ આપો.

ત્યારે જ પાછળથી પેલો વેપારી પોલીસની સાથે આવે છે અને કહે છે કે આ વ્યક્તિ મારા પછી આવ્યો છે. આ એ જ છે જેણે મારું પર્સ ચોર્યું છે, પોલીસ નાવિકને લઈ જાય છે, ત્યારે જ સેવક બોલી ઉઠે છે કે આણે કાંઈ નથી કર્યું. પર્સ તો બીજો વ્યક્તિ લઇ ગયો છે.

હવે સેવકના કહેવાથી પોલીસ પેલા ગરીબ વ્યક્તિને તે ઘરે પહોંચે તે પહેલા જ પકડીને જેલમાં પુરી દે છે.

પછી રાત્રે જ્યારે ભગવાન આવે છે ત્યારે સેવક ખુશીથી આખી વાત સંભળાવે છે. ભગવાન કહે છે, તે કોઈનું કામ સારું કર્યું નથી, પણ બગાડ્યું છે.

તે વેપારી ખોટો ધંધો કરે છે, તેનું પર્સ પડી ગયું તો તેનાથી તેને કઈ ફરક પાડવાનો નથી. આનાથી તેના પાપ ઓછા થઈ ગયા હોત, કારણ કે તે પર્સ ગરીબ માણસને મળ્યું હતું. પર્સ મળવાથી તેના બાળકો ભૂખ્યા ન રહ્યા હોત.

રહી વાત નાવિકની તો, તે જે મુસાફરી કરવાનો હતો ત્યાં તોફાન આવવાનું હતું, જો તે જેલમાં રહેતે, તો તેનો જીવ બચી ગયો હોત, તેની પત્ની વિધવા થવાથી બચી ગઈ હોત, તેં બધું ગડબડ કરી નાખ્યું.

ઘણી વખત આવી સમસ્યાઓ આપણા જીવનમાં પણ આવે છે, જ્યારે આપણે વિચારીએ છીએ કે આવું ફક્ત મારી સાથે જ કેમ થયું. પરંતુ તેની પાછળ ભગવાનનું પ્લાનિંગ હોય છે.

શિક્ષણ : જ્યારે પણ કોઈ સમસ્યા આવે. ઉદાસ ન થાઓ, આ વાર્તા યાદ રાખો અને વિચારો કે જે થાય છે તે સારા માટે જ થાય છે.