ફી ના પૈસાથી સેવંતીલાલે જે કર્યું તેનું પુણ્ય ચારધામ યાત્રા કરતાંય વધુ છે, જાણો એવું તે શું કર્યું?

0
374

‘એકવાર મને કહી દો કે જાત્રા કરવા તમે લઈ જવાના નથી, એટલે હું મારા ઠાકોરજીને ઠાલાં ઠાલાં વચન આપીને ઋણમાં બંધાઉ નહીં.’ રમાગૌરીએ એક દિવસ સેવંતીલાલને પ્રેમભર્યો ઠપકો આપ્યો.

‘બસ, આ વેકેશન પડે એટલે આપણે 100 % ચારધામ યાત્રાએ ઉપડી જવું છે.’ સેવંતીલાલ હસતાં હસતાં કહ્યું. ‘આ મારું પ્રોમિસ છે. ઓ..કે..!’

‘ઓ.. કે..!’ રમાગૌરી ક્યારેય વિરોધ નહોતાં કરતાં એ સમજતાં’તા કે ટૂંકી આવકમાં પોતાના પરિવારનું ભરણપોષણ કરવાનું અને સાથે-સાથે પિતરાઈભાઈના અકાળે દુનિયા છોડી જવાથી એ પરિવારનું પણ ભરણપોષણ કરવાની જવાબદારી ‘એમના’ માથે છે. જોકે આમ છતાં પણ રમાગૌરી ક્યારેક અકળાઈ ઉઠતાં. ભલે ચારધામની યાત્રા ન થાય તો વાંધો નહીં, પણ સોમનાથ સુધીય જો આ દુનિયા છોડતા પહેલાં એકવાર જઈ અવાય તોય આ ફેરો પાકયો એમ લાગે !

છેલ્લા લગભગ દસેક વેકેશનથી રામાગૌરી આ માગણી કરતાં અને સેવંતીલાલ આજ રીતે ઉડાઉ જવાબ આપી દેતા. સેવંતીલાલનો આવો જવાબ સાંભળી રમાગૌરી આમ તો મોં બગાડીને રહી જતાં, પણ અંદરથી એ હરખાતા- એ વાતે કે આટઆટલા વર્ષોથી હું યાત્રાએ જવાની વાત કરું છું પણ ક્યારેય એ ચિડાયા નથી…. કયારેય એમણે મોં બગાડીને મને હડધૂત નથી કરી. બસ, સેવંતીલાલની ‘ના’ માં પણ રમાગોરીને પ્રેમ અનુભવાતો હતો.

સાબરકાંઠામાં આવેલા મેઘરજ તાલુકાની એક પ્રાથમિક શાળામાં સેવંતીલાલ શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી ત્યારથી પોતાના વર્ગનું અને નિવૃત્તિના પાંચ વર્ષ પહેલાં આચાર્ય બન્યા ત્યારે આખી શાળાનું 100% રિઝલ્ટ એમણે લાવી બતાવ્યું છે. સેવંતીલાલે જ્યારે શિક્ષક તરીકેનો ઈન્ટરવ્યૂ આપ્યો ત્યારે ઇન્ટરવ્યૂ લેનાર અધિકારીને એમણે કહેલું : સાહેબ મારામાં ચાર પ્રકારની નબળાઈ છે. પહેલી નબળાઈ પ્રમાણિકતા છે. એના વગર હું જીવી નહીં શકું.

બીજી નબળાઈ મારી નિયમિતતા છે. સૂરજ ઊગવામાં મોડો પડ્યો. પણ શાળામાં હું ક્યારેય મોડો નહીં પડું. મારી ત્રીજી નબળાઈ છે નિષ્ઠા. જ્યાં સુધી મારા કામમાં મને સફળતા નહીં મળે ત્યાં સુધી એ કામમાં હું રચ્યોપચ્યો રહીશ. શ્વાસ લેવામાં ગફલત થઈ જાય તો મને મંજુર છે પણ મારી જવાબદારી અદા કરવામાં ક્યાંય મારાથી ગફલત થઈ જાય તે મને મંજુર નથી. અને મારી ચોથી નબળાઈ છે નિખાલસતા. હું પોતે પારદર્શી બનીને બીજાને પણ પારદર્શી બનાવવાનો ધ્યેય રાખતો રહ્યો છું.’

‘આ ચાર સદગુણોને તમે તમારી નબળાઈ કહો છો?’ મારે આવી નબળાઈવાળા શિક્ષકને જ પસંદ કરવો છે. આવતા મહિનાની પહેલી તારીખથી તમારે મેઘરજ તાલુકાની સ્કૂલમાં આસિસ્ટન્ટ શિક્ષક નો ચાર્જ સંભાળી લેવાનો છે.’

‘થેન્ક્યુ સર!’ કહીને સેવંતીલાલ એ સમયે જ ઊભા થયેલા…. આજે આટલા વર્ષો પછી પણ એ જ શાળાના શિક્ષણ યજ્ઞમાં તન- મનથી કાર્ય કરી રહ્યા છે. હા, આજે પણ ! નિવૃત્ત થયા પછી પણ સેવંતીલાલ એ જ ગામના અને એ જ શાળાના આર્થિક રીતે નબળા પણ બૌદ્ધિક રીતે સબળા વિદ્યાર્થીઓને ભણાવે છે.

‘રમા,’ એક દિવસ ઘરમાં પ્રવેશતા જ ખુશીના સમાચાર આપ્યા, ‘આ વેકેશનમાં આપણે 110 % ચારધામ યાત્રાએ જઈશું.’

‘કેમ, નાની મોટી કોઈ લોટરી લાગી છે કે શું?’ રમાગૌરીએ સ્મિત કરીને કહ્યું. ‘કે પછી રસ્તામાં આવતાં આવતાં ખુલ્લી આંખે એવું કોઇ સપનું આવ્યું?’

‘લોટરી પણ નથી લાગી અને સપનું પણ નથી આવ્યું.’ સેવંતીલાલે કપડાં બદલતાં કહ્યું. ‘આવતીકાલે દાસ કાકા મને 10000 રૂપિયા આપવાના છે.’

‘દસ…’ રમાગૌરીને આશ્વર્ય થયું.’

‘10000 ?! તમે ઉછીના તો નથી માગયા ને?’

‘અરે હોય ગાંડી,’ સેવંતીલાલ હસી પડ્યા, આખી જિંદગી મારા વિધાર્થીઓને શીખવતો રહ્યો છું કે સુખી થવું હોય તો ઉછીના પૈસા લેવાનું ના રાખશો… અને હું કોઈની પાસેથી ઉછીનાં નાણાં લઈ આવું, એવું બને ખરું?’

‘તો પછી આટલા બધા રૂપિયા….’ રમાગૌરીને બોલતાં અટકાવી સેવંતીલાલે કહ્યું, ‘ છેલ્લા ચાર-પાંચ વર્ષથી એમના દીકરાને હું ટ્યુશન ભણાવતો અને સાથે એમના સાળાના બે દીકરાને પણ ભણાવતો…. તને મારા સ્વભાવની ખબર તો છે કે મને સંબંધ કમાવવામાં રસ છે, રૂપિયા કમાવવામાં નહીં. આજે એ ત્રણેય છોકરા હોશિયાર બની ગયા છે અને અમદાવાદની સારી કોલેજમાં ભણે છે.

આજે બોલાવીને તેમણે મને કહ્યું, માસ્તર, કાલે ઘેર આવીને મારા માથા પરથી થોડો બોજ ઓછો કરી જજો.’ પહેલા તું કઈ સમજ્યો નહીં, પણ પછી એમણે મને ટ્યુશનના પૈસાની વાત કરી… મેં ઘણીય ના પાડી પણ દાસ કાકા માન્યાજ નહીં…એ તો આજે જ મને 10000 રૂપિયા આપવાના હતા, પણ.. મેં જ ના પાડી મને એમ કે આ બાબતે તું શું કહે છે. એ રૂપિયા લેવાય કે ના લેવાય?’

‘લેવાય.’ રમાગોરીએ વ્યવહારિકતા બતાવી. ‘એમાં કશું ખોટું નથી. તમે વિદ્યાનું દાન કર્યું તે વાત સાચી, પણ ગુરુ દક્ષિણા વગરની વિધા ટકતી નથી એવું તમે એકવાર કહેલું, યાદ છે?’

‘એટલે તો મેં તારા પર છોડીને દાસ કાકાના ઘેર આવતી કાલે જવાનું નક્કી કર્યું.’ ‘બસ ત્યારે, આ દસ હજાર આવી જાય એટલે આપણી ચારધામની યાત્રા નક્કી!’

બીજા દિવસની સવારે લગભગ દસ વાગ્યે સેવંતીલાલ શાળાએ જવા નીકળ્યા ત્યારે રમાગૌરીએ યાદ દેવડાવતા કહ્યું.’ પછી પલા દાસકાકાને ત્યાં જવાનું ભૂલતાં નહીં.’

‘અરે હા…’ સેવંતીલાલે ઘરમાં પાછા ફરીને કહ્યું,’ સારું થયું તે યાદ દેવડાવ્યું. દાસકાકાનો દીકરો કોલેજમાં ભણવા ગયો એની ખુશીમાં શુભેચ્છાના પ્રતીક તરીકે હું એક પેનસેટ લઈ આવ્યો છું. એ લઈ જવાનુ તો હું ભૂલી ગયો’તો.!’

સાંજે દાસ કાકા ના ઘેરથી દસ હજાર રૂપિયાનું બંડલ લઈને સેવંતીલાલ ચારધામ યાત્રાનું પ્લાનિંગ કરતા-કરતા ઘર તરફ જઈ રહ્યા હતા અને એની નજર તાલુકા સ્કૂલની પાછળના ફળિયામાં એકઠા થયેલા ટોળાં પર પડી.

‘શું થયું ?’ નજીક જઈને સેવંતીલાલે એક ઓળખીતા વિધાર્થીને પૂછ્યું.

‘સાહેબ,’ પેલાએ કહ્યું, આપણી સ્કૂલ નો પલો રત્નો ખરોને…. ગયા એપ્રિલની પહેલી તારીખે એપ્રિલ ફૂલ બનાવવા માટે તુટેલી ખુરશી ગોઠવીને તમને પાડી નાખેલા….એ રત્નાના બાપને લો હીની ઊલટીઓ થઈ છે… રત્નો પૈસાની વ્યવસ્થા કરવા ગયેલો, પણ ખાલી હાથે પાછો આવીને અંદર બેઠો બેઠો રડે છે.’

‘રતન’ સેવંતીલાલે ઘરમાં જઈ રત્નાની પીઠ પસવારતા કહ્યું, ‘લે આ દસ હજાર રૂપિયા, ઊભો થા અને તાત્કાલિક કોઈ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી મેઘરજ કે મોડાસાની હોસ્પિટલમાં લઈ જા દીકરા. આમ બેસી ન રહેવાય.’

એ દિવસે સાંજે ઘરે પહોંચીને સેવંતીલાલે સઘળી હકીકત પત્નીને કહી સંભળાવી ‘તું નારાજ તો નથી ને !’ તણે પોતાની વાત પૂરી કરતાં પૂછ્યું.

‘તમેય ખરા છો !’ રમાબહેને આંખના ખૂણે ઊપસી આવેલાં અશ્રુબુંદોને સાડીના પાલવ વડે લૂછતાં કહ્યું. ‘એક ગરીબ વ્યક્તિનેમો તના મુખમાંથી ઉગારી એની જીવનરૂપી યાત્રાને ટકાવી રાખવાનુ જે પુણ્ય તમે કમાયા છો તે પુણ્ય મારે મન ત્રિલોકની યાત્રાથી મળતા પુણ્યથી જરાય ઓછું નથી. હું તમારી પત્ની છું. તમારાં પાપ અને પુણ્ય બંનેમાં તમારી ભાગીદાર છું. તો પછી આ પુણ્ય ઉપર પણ મારો અડધો હક્ક કરો કે નહીં?’

રમાગૌરી બોલતા રહ્યાં અને સેવંતીલાલ ચૂપચાપ પત્નીની આંખોમાં આંખો પરોવી તેને જોઈ રહ્યા. માટી ખાઈ ચુકેલા કૃષ્ણના ખુલ્લા મુખમાં જેમ યશોદાને બ્રહ્માંડના દર્શન થઈ રહ્યા હતા એવી જ રીતે સેવંતીલાલને પત્નીની આંખોમાં.

– સાભાર નકુમ ચંદુ (અમર કથાઓ ગ્રુપ)