શબરી અને શ્રીરામ પર બનેલા આ ભજન વાંચી પરમ શાંતિનો નુભવ કરીએ.

0
755

ભજન 1 : શબરી ઘેર રામ પધાર્યા…

શબરી ઘેર રામ પધાર્યા, શું કરું મે’માની

સાત ભુવનના નાથ પધાર્ય, ઝૂંપડી મારી નાની… શબરી

એક ખૂણે ધૂળનો ઢગલો, બીજે ખૂણે વાની

પાનના તો પડિયા વાળિયા,પ્રેમના ભરિયા પાણી… શબરી

નાહી ધોઇ બાજોઠ બેસાડ્યા, તિલક કીધાં તાણી

ચરણ ધોઇ શરણ લીધા, શરણમાં લપસાણી….શબરી

ત્યાં તો ઓલા બોર સાંભરિયા, કરંડિયો લીધો તાણી

જુગના જીવન જમવા બેઠા, મનમાં હરખાણી… શબરી

મીઠા મેવા ને ભાવનાં ભોજન, પ્રેમની પાનદાની… શબરી

તુલસીદાસની વિનતિ, રાય ઉર લેજો તાણી

દાસ ઉપર દયા ન કરી, ચરણ લીધા તાણી…શબરી

ભજન 2 : સરોવર કાંઠે શબરી બેઠી…

સરોવર કાંઠે શબરી બેઠી, રટે રામનું નામ

એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ…ટેક0

વડલા નીચે ઝૂંપડી એની, માતપિતા નહીં બાંધવ બેની,

એકલી એક જ ધ્યાને બેઠી, ગાંડી કહે ગામ… એક દિન

ઋષિનાં વચનો હૈયે રાખી, દૂર દૂર ઘણી નજરો નાખી,

ફળફૂલ લાવે ભોગ ધરાવે, કરી એનું કામ…. એક દિન

રાત દિવસ ને વર્ષો ગયાં, શબરીબાઇ તો ઘરડાં થયાં,

ઝગમગે એક આશા જ્યોતિ, સુકાયા હાડ ને ચામ…. એક દિન

આજે વનમાં વેણુ વાગે, વસંત સેના નીકળી લાગે

શીતળ મંદ સુગંધી વાયુ, વાતો ઠામોઠામ …. એક દિન

આજ પધાર્યા શબરીના સ્વામી, ધન્યતા ભીલડી આજે પામી

શ્રદ્ધા વેલી પાંગરી આજે, વૃત્તિ પામી વિરામ…. એક દિન

સજળ નયને રૂપ નિહાળે, પ્રભુ મળ્યા છે લાંબે ગાળે

ગદ્ ગદ્ કંઠે રોમાંચ થયા, ને શરીર થયું સૂમસામ…. એક દિન

શબરીને પ્રભે સ્વસ્થ જ કીધી, લક્ષ્મણે ભક્તિ જોઇ લીધી

જળપાત્ર માગી પ્રભુજી બોલ્યા, ભોજનની છે હામ…. એક દિન

છાબ ભરીને બોરાં લાવી, ચાખી ચાખીને આપતી આવી

ભાવ ધરી આરોગ્યાં પ્રભુજીએ, લીધો ઘડી વિશ્રામ…. એક દિન

પંપાપુરની ભીલડી આ તો, જગમાં જેની અમર વાતો

રામ સિધાવ્યા રાવણ હણવા, શબરી ગઇ સ્વધામ …. એક દિન

ભજન 3

રામ રમે સોગઠે

હે મારો રામ રમે સોગઠે રે, ધરમના સોગઠે રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

હે પહેલી બાજી રમિયા રામ અવધપુરીમાં જઈ,

તિલક તાણીયાં રે, તિલક તાણીયાં રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

હે બીજી બાજી રમિયા રામ જનકપુરીમાં જઈ,

ધનુષ તોડીયા રે, ધનુષ તોડીયાં રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

હો ત્રીજી બાજી રમિયા રામ ક્રિષ્કીન્ધામાં જઈ,

વાલી માર્યો રે,વાલી માર્યો રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

હે ચોથી બાજી રમિયા રામ લંકાનગરી જઈ,

રાવણ માર્યો રે,રાવણ માર્યો રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)

હે મારો રામ રમે સોગઠે રે,ધરમના સોગઠે રે,

હે એવી સવળી બાજી છે મારા રામની…(૨)