“શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી” ગાયો આ આખું ભજન.. મગજ એકદમ શાંત થઈ જશે, વાંચો અંદર.

0
1181

શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, દુઃખ કાપો;

દયા કરી શિવ દર્શન આપો.

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા;

હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો,

દયા કરી શિવ દર્શન આપો.

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂતટોળી;

ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો,

દયા કરી શિવ દર્શન આપો.

નેતિનેતિ જ્યાં વેદ વદે છે, મારું ચિતડું ત્યાં જવા ચાહે છે;

સાર જગમાં છે તું, વસુ તારામાં હું, શક્તિ આપો,

દયા કરી શિવ દર્શન આપો.

હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી;

થાક્યો મથી મથી, કારણ મળતું નથી, સમજણ આપો,

દયા કરી શિવ દર્શન આપો.

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખું;

મારા મનમાં વસો, હૈયે આવી વસો, શાંતિ આપો,

દયા કરી શિવ દર્શન આપો…