જેને સમાજ નથી સ્વીકારતો એવા લોકોને આ મંદિરમાં મળે છે શરણ, પાંડવોએ પણ લીધી અહીં શરણ.

0
274

ભારતનું તે અનોખું મંદિર જ્યાં શરણમાં આવેલા લોકોની ભોલેનાથ કરે રક્ષા, વાંચો આ મંદિરનો રોચક ઈતિહાસ.

ભારતીય મંદિરો માત્ર પૂજા સ્થળ જ નથી હોતા, પણ તેઓ ઘણી પરંપરાઓ અને સ્ટોરીઓનું ઘર પણ હોય છે. તમને દેશના લગભગ દરેક મંદિર સાથે જોડાયેલી કોઈને કોઈ રસપ્રદ સ્ટોરી ચોક્કસથી જોવા મળશે. શંગચુલ મહાદેવ મંદિર (Shangchul Mahadev Temple) પણ તેમાંથી એક છે. હિમાચલ પ્રદેશના કુલ્લુના શાંનગઢ ગામમાં આવેલું આ મંદિરમાં ઘર છોડીને ભાગી ગયેલા પ્રેમીઓને આશરો મળે છે.

પ્રેમીઓની રક્ષા કરે છે ભગવાન : શંગચુલ મહાદેવ મંદિર કુલ્લુ ક્ષેત્રની સૌંજ ખીણમાં આવેલું છે. અહીં મહાભારત કાળના ઘણા ઐતિહાસિક વારસા છે. જેનો એક ભાગ આ લીલુંછમ મેદાન અને મંદિર પણ છે. મંદિરનો વિસ્તાર લગભગ 128 વીઘામાં છે. તે વુડકટ શૈલીમાં બનાવવામાં આવ્યું છે. અહીં ચારે બાજુ ઘનઘોર પાઈનના વૃક્ષો જોવા મળે છે. ઉપરાંત, આ સ્થળ ગ્રેટ હિમાલયન નેશનલ પાર્કનો એક ભાગ છે, જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.

આ મંદિરની રસપ્રદ વાત એ છે કે અહીં પ્રેમી યુગલોને આશ્રય મળે છે. એટલે કે જો કોઈ દંપતી પોતાના ઘરેથી ભાગી જાય છે અને લગ્ન કરીને અહીં આવે છે, તો ભગવાન તેમની રક્ષા કરે છે. અહીં જાતિ, ધર્મ વગેરે જોવામાં આવતા નથી. જે ભગવાનની શરણમાં આવે છે, તેમનું રક્ષણ થાય છે. તેમના ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

બસ એકવાર કોઈ પ્રેમી યુગલ અહીં પહોંચી જાય, પછી ગામના લોકો બધી જવાબદારી સંભાળે છે. પોલીસ પણ અહીં દખલ કરી શકતી નથી. એવું પણ કહેવાય છે કે, અહીં ફરજ બજાવનાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ પણ મેદાનમાંથી પસાર થતી વખતે પોતાની ટોપી અને બોક્સ ઉતારી દે છે.

દરેક વ્યક્તિએ નિયમોનું પાલન કરવું પડે છે : અહીં કેટલાક નિયમો છે, જેનું દરેકે પાલન કરવું પડે છે. જેમ કે, અહીં કોઈ વ્યક્તિ ડા-રુ, સિ-ગારેટનું સેવન કરી શકતા નથી. ચામડાનો કોઈ પણ સામાન લઈ જઈ શકાતો નથી. અહીં ઘોડાઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે. મોટા અવાજમાં વાત કરી શકાતી નથી, તો પછી ઝઘડા તો બહુ દૂરની વાત છે.

વળી, જ્યાં સુધી સમાજ અને સમાજના રિવાજો તોડીને લગ્ન કરનારા પ્રેમીઓનો મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી તેમને અહીંથી કોઈ હટાવી શકતું નથી. મંદિરના પૂજારીઓ, બ્રાહ્મણો તેમને સુરક્ષા પૂરી પાડે છે.

મહાભારતકાળમાં પાંડવોએ આશ્રય લીધો હતો : દંતકથા અનુસાર, પાંડવોએ અહીં આશ્રય લીધો હતો. એવું કહેવાય છે કે, પાંડવો તેમના વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા. આ દરમિયાન કૌરવો તેમની પાછળ પાછળ અહીં પહોંચ્યા હતા. ત્યારે શંગચુલ મહાદેવે કૌરવોને રોક્યા અને કહ્યું હતું કે, આ મારો પ્રદેશ છે અને જે કોઈ મારી શરણમાં આવે છે તેમનું કોઈ પણ કાંઈ બગાડી શકતું નહિ. એ પછી કૌરવો મહાદેવના ભયથી ત્યાંથી જતા રહે છે.

ત્યારથી લઈને આજ સુધી જ્યારે પણ સમાજમાંથી બહાર કાઢવામાં આવેલા કોઈ વ્યક્તિ કે પ્રેમી યુગલ અહીં શરણ લેવા પહોંચે છે, ત્યારે ભગવાન પોતે જ તેમની રક્ષા કરે છે. તેમનો જ નિર્ણય માન્ય ગણાય છે. તમને જણાવી દઈએ કે, કુલ્લુમાં આવેલું આ મંદિર હંમેશા ખુલ્લું રહે છે. એવું કહેવાય છે કે, લાકડામાંથી બનેલા આ ત્રિસ્તરીય મંદિરમાં વર્ષ 1998 માં આગ લાગી હતી. તે સમયે ઘણું નુકસાન થયું હતું. પરંતુ ભક્તોએ ક્ષતિગ્રસ્ત સ્થળ પર મંદિરનું પુનઃ નિર્માણ કર્યું.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.