ગૃહસ્થ પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે
न्यायगतधनस्तत्वज्ञाननिष्ठोSतिथिप्रिय: |
श्राध्दकृत्सत्यवादि च गृहस्थोSपी हि मुञ्च्यते ||
ગૃહસ્થ પણ ન્યાયપૂર્વક ધનનું ઉપાર્જન કરી, અતિથિઓનો સત્કાર કરી, (નિત્ય-નૈમિત્તિક) શ્રાદ્ધ કર્મોનુ અનુષ્ઠાન કરતા કરતા, સત્યવાદી થઇ, નિરંતર આત્મતત્વના ધ્યાનમાં રહી મુક્તિ પ્રાપ્ત કરે છે.
[याज्ञवल्क्यस्मृति – प्रायश्चितध्याय – यतिधर्म प्रकरणम् – 3.4.205]
સમસ્ત જગત દેવતાઓથી વ્યાપ્ત છે.
ऋषिभ्य: पितरो जाता: पितृभ्योदेव मानवा: |
देवेभ्यस्त जगत्सर्वम् चरस्थाण्वनुपूर्वश: ||
ઋષિઓ દ્વારા પિતૃઓ, પિતૃઓ દ્વારા દેવતાઓ અને દેવતાઓ દ્વારા મનુષ્યો જન્મ્યા. આમ દેવતાઓ દ્વારા જ સમસ્ત જડ-ચેતનનો જન્મ થયો.
[मनुस्मृति – 3.202]
જીવન લક્ષ્ય ભુલાવનારી કામમય સૃષ્ટિ
विश्वस्य वृद्धिं स्वयमेव काङ्क्षन्प्रवर्तकं कामिजनं संसर्ज |
तेनैव लोक: परिमुह्यमान: प्रवर्धते चन्द्रमसेव चाब्धि: ||
મનોમય સૃષ્ટિથી સૃષ્ટિનો વિસ્તાર ન થતા, કામે (કામનાએ) મનુષ્યમાં થોડી કામ શક્તિ આપી જેથી વિસ્તાર થાય. પરંતુ મનુષ્યએ તેનો દુરુપયોગ કરી આખી સૃષ્ટિનો (સમુદ્રની જેમ) વિસ્તાર બનાવી પોતે (ચંદ્ર ની જેમ) આ કામમય સૃષ્ટિથી મોહિત થઇ પોતાનું જીવન લક્ષ્ય જ ભૂલી ગયો.
[सर्व वेदान्त सिद्धान्त सार संग्रह – 57]
સંગ ની અસર
सन्तप्तायसि संस्थितस्य पयसौ नामापि न ज्ञायते मुक्ताकारतया तदेव नलिनीपत्रे स्थितं राजते |
स्वात्यां सागरशूक्तिमध्यपतितं सन्मौक्तिकं जायते प्रायेणाधममध्यमोक्तम गुण: संसर्गतो जायते ||
તપી રહેલ લોઢા ઉપર જળ બિંદુ ટકતું નથી, જ્યારે કમળ પત્ર ઉપર મોતીનો આકાર ધારણ કરી લે છે. તથા સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રના છીપલામાં પડેલ એ ટીપું મોતી બની જાય છે. નીચ, મધ્યમ અને ઉત્તમ સંગથી આવા ગુણો બને છે.
[शतबोध शतक – 16]
ધર્મસ્થાને સર્વજન સાધુઓ નથી હોતા
नगरे सद्रश: सर्वे भवन्ति धनिनो नहि |
मठेSपि साधवो ज्ञानक्रियाभ्यां न हि साद्रशा: ||
જેમ નગરમાં સર્વ સમાન ધનવાન નથી હોતા, એમ મઠ (ધર્મસ્થાન) માં પણ જ્ઞાન અને ક્રિયા દ્વારા સમાન સર્વજન સાધુ નથી હોતા.
[द्रष्टान्त शतक – 60]
શરીરને પોતાનાથી પૃથક જાણવું
माता पित्रोर्मलोद्भूतं मलमान्समयं वपु: |
त्यक्त्वा चण्डालददूरं ब्रह्मभूय कृति भव ||
માતા-પિતા ના મેલમાંથી બનેલ આ શરીર મળ અને માંસથી ભરેલ છે; અત: ચંડાળની જેમ એને ત્યાગી, દૂર કરી બ્રહ્મરૂપ થા અને કૃતાર્થ બન.
[अध्यात्मोपनिषद – 6]
આદિત્યહૃદય સ્તોત્ર મહિમા (અગસ્ત્ય મુનિ શ્રી રામને કહે છે)
एनमापत्सु क्रुच्छ्रेषु कान्तारेषु भयेषु च |
कीर्तयन् पुरुष: कश्चिन्नावसीदति राघव ||
વિપત્તિમાં, કષ્ટમાં, દુર્ગમ માર્ગમાં, તથા અન્ય કોઈ ભયમાં જે આ (આદિત્યહૃદય) સૂર્યદેવનું કીર્તન કરે છે, એને કોઈ દુઃખ ભોગવવું નથી પડતું.
[आदित्यह्रदयस्तोत्रम् – 25]
દિવ્ય આભૂષણો
गुणो भूषयते रूपं शीलं भूषयते कुलम् |
सिध्धिर्भूषयते विद्यां भोगो भूषयते धनम् ||
ગુણો થી રૂપ શોભા પામે છે, શીલ (ચરિત્ર) થી કુલ દીપે છે, સિદ્ધિ દ્વારા વિદ્યા સુશોભિત છે અને ભોગ એ ધનનું ભૂષણ છે.
[सुभाषितरत्नभाण्डागार, सामान्य नीति – 2.643]
ભક્તો ની પણ શુશ્રુષા કરવી
अर्चायामेव हरये पूजां य: श्रध्दयेहते ।
न तद्भक्तेषु चान्येषु स भक्त: प्राकृत: स्मृत: ।।
જે ભગવાનની મૂર્તિ પૂજા, સાકાર સ્વરૂપની અર્ચના તો શ્રદ્ધા થી કરે છે પરંતુ ભગવદ્ભક્તોની તથા અન્ય લોકોની વિશેષ સેવા નથી કરતો તે સાધારણ શ્રેણીનો ભક્ત – વૈષ્ણવ છે.
[श्रिमद्भाग्वत् – 11.2.47]
વધુ આવતા અંકે.
સાભાર અલબેલા સ્પીક્સ.