જાણો પંચકેદારમાંથી એક કલ્પેશ્વર મહાદેવ સાથે જોડાયેલી રોચક વાતો.

0
490

ઉત્તરાખંડમાં શિવજીના પાંચ પૌરાણીક મંદિરોનો એક સમૂહ છે, જેને પંચકેદારના નામથી ઓળખવામાં આવે છે. આ સમૂહમાં કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ, મધ્યમહેશ્વર અને કલ્પેશ્વર મહાદેવ મંદિર સામેલ છે. કલ્પેશ્વર મંદિરને છોડીને બીજા ચાર મંદિર શિયાળામાં ભક્તો માટે બંધ રહે છે, કારણ કે અહિયાંનું વાતાવરણ ઘણું ઠંડુ થઇ જાય છે અને હવામાન માણસ માટે અનુકુળ નથી રહેતું. અહિયાં સમયે સમયે બરફવર્ષા પણ થાય છે.

આજે યાત્રા કરીએ કલ્પેશ્વર મહાદેવની.

ભગવાન શિવને સમર્પિત હિંદુ મંદિર છે, જે સમુદ્રસપાટીથી 2,200 m (7,217.8 ft) જેટલી ઊંચાઈ પર ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ પ્રદેશમાં મનોહર એવા ઉરગામ ખીણ પ્રદેશમાં આવેલ છે.

ગઢવાલ પ્રદેશના કેદારખંડ ક્ષેત્રમાં પંચકેદાર યાત્રા દરમિયાન આ મંદિરની મુલાકાત પાંચમા અને અન્ય ચાર મંદિરો કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ તથા મધ્યમહેશ્વરની મુલાકાત કર્યા પછી છેલ્લા ક્રમે કરવાની હોય છે.

પંચકેદાર મંદિરોમાં કલ્પેશ્વર એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન મંદિર દર્શન અર્થે ખુલ્લું રહે છે. અહીં પથ્થરના નાના મંદિરમાં, એક ગુફા માર્ગ દ્વારા પ્રવેશ કરી, ભગવાન શિવની જટા (વાળ)નું પૂજન કરવામાં આવે છે. તેથી ભગવાન શિવને જટાધારી પણ કહેવામાં આવે છે. અગાઉ આ સ્થળની મુલાકાત લેવા માટે 12 km (7.5 mi) જેટલું અંતર નજીક ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલા હેલંગ ખાતેથી જવું પડતું હતું, પરંતુ હવે સડક માર્ગ દ્વારા ઉપર આવેલા લ્યારી ગામ સુધી જઈ શકાય છે, જ્યાંથી પગપાળા માત્ર 3.5 કિ. મી. જેટલું અંતર ચાલી કલ્પેશ્વર પહોંચી શકાય છે.

અડધા કાચા અને અડધા પાકા એવા આ માર્ગ પર મોટરસાયકલ અથવા કાર દ્વારા જઈ શકાય છે, પરંતુ ચોમાસા દરમિયાન વરસાદને કારણે આ માર્ગને ભારે નુકસાન થાય છે, આથી નાના વાહન ચલાવવું સલાહભર્યું નથી.

મંદિર સાથે જોડાયેલી કથા : પંચકેદારનાં મંદિરોની સ્થાપના સાથે મહાકાવ્ય મહાભારત ની ઐતિહાસિક કથામાં આવતા પાંડવોની દંતકથા સાંભળવા મળે છે કે, જ્યારે પાંડવો તેમના કુરુક્ષેત્ર યુ ધદરમિયાન થયેલ પાપનું પ્રાયશ્ચિત કરવા ભગવાન શિવ પાસે પહોંચ્યા, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે ભગવાન શિવ એમને મળવા માગતા નથી. તેમ જ એમણે છૂપાવા માટે વૃષભનું રૂપ ધારણ કર્યું હતું.

પરંતુ જ્યારે ભગવાન શિવના આ સ્વરૂપને પાંડવ ભાઈઓ પૈકીના ભીમે ઓળખી લીધું અને તેણે વૃષભની પુંછડી તેમ જ પગ પકડવા પ્રયાસ કર્યો. પરંતુ આ વૃષભ ગુપ્તકાશી ખાતે ભૂગર્ભમાં અદ્રશ્ય થઈ ગયા હતા. ત્યારબાદ, તે ફરીથી પાંચ અલગ અલગ સ્વરૂપોમાં પ્રગટ થયા: તેમની ખૂંધ કેદારનાથ ખાતે દેખાયા હતા, તેમના બાહુ (હાથ) તુંગનાથ ખાતે દેખાયા હતા, તેમના મસ્તકનો ભાગ રુદ્રનાથ ખાતે દેખાયો હતો, પેટ અને નાભિ મધ્યમહેશ્વર ખાતે દેખાયા અને તેમની જટા (વાળ) કલ્પેશ્વર ખાતે દેખાયા હતા.

અન્ય કથા કહે એમ છે કે આ સ્થળ લોકકલ્યાણનું કાર્ય કરતા સંતોને ધ્યાન કરવા માટેનાં મનપસંદ સ્થળ હતુ. એમાં ઋષિ દુર્વાસાએ આ મંદિર પાસે આવેલ કલ્પવૃક્ષ (ઈચ્છા પરિપૂર્ણ કરનારું દિવ્ય વૃક્ષ) હેઠળ ધ્યાન ધરી તપશ્ચર્યા કરી હતી. આ ઉપરાંત એમ કહેવાય છે કે દુર્વાસા મુનિ દ્વારા પાંડવોના માતા કુન્તીને એક વરદાન આપ્યું હતું કે “તે પ્રકૃતિના કોઈપણ સ્વરૂપનું આહ્‌વાન કરી પ્રગટ કરી શકે છે અને તેની પાસે ગમે તે જોઈતી વસ્તુ પ્રાપ્ત કરી શકે છે”.

આ મંદિર ખાતે પૂજારીઓ તરીકે આદિ શંકરાચાર્યના શિષ્યો દસનામી અને ગોસાંઈઓ કાર્યરત છે.

ભૌગોલીક માર્ગદર્શન :

કલ્પેશ્વર મંદિર હિમાલય પર્વત શ્રેણીમાં ઉરગામ ખીણ ખાતે આવેલ છે, જે નજીકના ઉરગામ નામના ગામથી 2 km (1.2 mi) જેટલા ટૂંકા અંતરે આવેલ છે. કલ્પેશ્વર અને હેલંગ વચ્ચેના કાચા-પાકા માર્ગ પરથી અલકનંદા નદી અને કલ્પગંગા નદીનું સંગમ-સ્થળ જોઈ શકાય છે. કલ્પગંગા નદી અહીંની ઉરગામ ખીણમાં થઈને વહે છે. આ ઉરગામ ખીણ એક ગાઢ જંગલ વિસ્તાર છે. આ ખીણ ખાતે સફરજનના વૃક્ષો અને સીડીની માફક બનાવેલાં ખેતરો દેખાય છે, આ ખેતરોમાં બટાકા ઉગાડવામાં આવે છે.

કલ્પેશ્વર પહોંચવા માટે ઋષિકેશ થી ઉરગામ સુધી સડક માર્ગ ઉપલબ્ધ છે, જેનું ઋષિકેશથી અંતર 253 km (157.2 mi) જેટલું છે. ઋષિકેશ-બદ્રીનાથ વચ્ચેના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલા હેલંગ થી ઉરગામનો રસ્તો બદલવો પડે છે. અગાઉ આ માટે માર્ગ અસ્તિત્વમાં ન હતો, આથી હેલંગ થી કલ્પેશ્વર વાયા ઉરગામ 10 km (6.2 mi) જેટલા અંતર માટે પગપાળા જવું પડતું હતું. પરંતુ વર્તમાન સમયમાં હેલંગ થી ઉરગામ સુધી જીપ ચાલી શકે તેવો કાચો-પાકો માર્ગ ઉપલબ્ધ છે.

ઉરગામ થી કલ્પેશ્વરનું અંતર માત્ર ૨ (બે) કિલોમીટર જેટલું ચાલીને જવું પડે છે. કલ્પેશ્વરથી સૌથી નજીકનું વિમાનમથક જોલી ગ્રાન્ટ, દહેરાદૂન 272 km (169.0 mi) જેટલા અંતરે અને નજીકનું રેલ્વેમથક ઋષિકેશ 255 km (158.4 mi) જેટલા અંતરે આવેલ છે. પગપાળા માર્ગમાં બટાકાનાં ખેતરોની વચ્ચે બુઢા કેદાર મંદિર જોવા મળે છે. ઉરગામ ખાતે ધ્યાન બદરી મંદિર પણ જોવા મળે છે, જે સપ્ત બદરી (સાત બદરી) તરીકે ઓળખાતાં સાત બદરીનાથનાં મંદિરો પૈકીનું એક મંદિર છે.

સંકલન – અમરકથાઓ

(સાભાર રાધા પટેલ, અમર કથાઓ ગ્રુપ)