શીલવંત સાધુને વારે વારે નમીએ, પાનબાઈ
જેના બદલે નહિં વ્રતમાન રે,
ચિતની વૃત્તિ જેની સદા ય રે’વે નિરમળી ને
જેને મહારાજ થયા મહેરબાન રે…
શીલવંત સાધુને વારે વારે નમીએ, પાનબાઈ
શત્રુ ને મિત્ર રે એકે નહિં ઉરમાં,
જેને પરમારથમાં ઝાઝી પ્રીત રે,
મન કરમ વાણીએ સત વચનુંમાં ચાલે ને
રૂડી પાળે એવી રીત…
શીલવંત સાધુને વારે વારે…
આઠે પહોરે મન મસ્ત થઈ રે’ વે,
જેને જાગી ગિયો તુરિયાનો તાર રે,
નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને
સદાય ભજનનો આહાર રે…
શીલવંત સાધુને વારે વારે…
સંગતું કરો તો એવાની રે કરજો ને,
ત્યારે ઊતરશો ભવ પાર રે,
ગંગાસતી એમ જ બોલિયાં ને,
જેને વચનંની સાથે વેવાર રે…
શીલવંત સાધુને વારે વારે…