શિષ્યએ ગુરુને કહ્યું તમારા ઓરડામાં સાપ છે, આ સાંભળીને ગુરુ ગભરાયા નહીં પણ કંઇક એવું કર્યું જે સમજવા જેવું છે

0
2077

ક્યારેક અજ્ઞાનતાના કારણે આપણે કારણ વગર ડરી જઈએ છીએ અને બીજાને પણ ડરાવીએ છીએ. એટલા માટે કોઈપણ વાતનો નિષ્કર્ષ કાઢતા પહેલા સારી રીતે સમજી વિચારીને પછી જ તે કોઈને જણાવો. આપણે બધાએ અજ્ઞાનતામાં નિષ્કર્ષ કાઢવાનું ટાળવું જોઈએ અને સમજી વિચારીને કોઈ નિર્ણય લેવો જોઈએ.

માત્ર પોતાના અનુમાનથી કોઈને સાચા કે ખોટા માનવા એ સૌથી મોટી મૂર્ખતા છે. આજે અમે તમને એક એવા પ્રસંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો નિષ્કર્ષ એ છે કે જાણ્યા અને તપાસ્યા વગર કંઈપણ વાતનું અનુમાન ન કરવું જોઈએ.

જ્યારે શિષ્યએ દોરડાને સાપ સમજી લીધો :

એક નગરમાં એક સંત તેમના આશ્રમમાં રહેતા હતા. ત્યાં સંતનો એક શિષ્ય પણ રહેતો હતો. એક દિવસ તેણે સંતને પૂછ્યું કે “ગુરુજી, આપણા જીવનમાં શિક્ષણ શા માટે જરૂરી છે?”

સંતે કહ્યું કે “એક દિવસ તમને જાતે જ આ પ્રશ્નનો જવાબ મળશે.” આ વાતને ઘણા દિવસો વીતી ગયા. એક રાત્રે સંતે શિષ્યને એક પુસ્તક આપ્યું અને તેને ઓરડામાં મૂકી આવવા કહ્યું. શિષ્ય એ પુસ્તક લઈને ગુરુના ઓરડામાં ગયો. ઓરડામાં પ્રકાશ નહતો.

જ્યારે શિષ્ય ઓરડામાં ગયો, ત્યારે તેને તેના પગમાં કંઈક અનુભવ થયો. તેને લાગ્યું કે ઓરડામાં સાપ છે. તે તરત જ દોડીને બહાર આવી ગયો.

શિષ્યએ સંતને કહ્યું કે “તમારા ઓરડામાં સાપ છે.”

ગુરુએ કહ્યું કે “તમને કોઈ ભ્રમ થયો હશે. સાપ ઓરડામાં કેવી રીતે પ્રવેશી શકે?” પરંતુ, શિષ્યએ ફરીથી પોતાની જ વાતનું રટણ કર્યું.

ગુરુએ શિષ્યને કહ્યું કે “દીવો પ્રગટાવ અને તેને ઓરડામાં લઈ જા. જો સાપ હશે તો તે અજવાળું જોઈને ચાલ્યો જશે.

ગુરુની વાત માનીને શિષ્ય ઓરડામાં પહોંચ્યો. ત્યાં દીવાના પ્રકાશમાં તેણે એક દોરડું જોયું જે જમીન પર પડ્યું હતું. શિષ્ય ભૂલથી દોરડાને સાપ સમજી બેઠો હતો.

બહાર આવ્યા પછી શિષ્યએ આખી વાત ગુરુને કહી. ગુરુએ કહ્યું કે “દીકરા, આ દુનિયા પણ એક અંધારા ઓરડા જેવી છે. અહીં આપણી પાસે જ્ઞાનનો પ્રકાશ ન હોય, તો આપણે દોરડાને સાપ સમજવા લાગીએ છીએ. જો આપણે શિક્ષણ નહીં લઈએ, તો આ દુનિયામાં આપણે સારા-ખરાબ, સાચા-ખોટાનો ભેદ સમજી શકીશું નહીં. શિક્ષણ વિના, આખા જીવનમાં ભ્રમ થતો રહશે.”

શિષ્યને તેના પ્રશ્નનો જવાબ મળી ગયો.

લાઈફ મેનેજમેન્ટ : ઘણા લોકો કોઈ વસ્તુ વિશે વિચાર્યા વિના ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે, જયારે ખરેખર તેઓને સત્યનું જ્ઞાન હોતું જ નથી. આવી સ્થિતિમાં તેઓ પોતાના અનુમાનથી જ સાચા-ખોટાનો નિર્ણય લે છે, જે ખરેખર ખોટો છે. કોઈપણ નિષ્કર્ષ કાઢતા પહેલા કાળજીપૂર્વક સમજવું અને વિચારવું જોઈએ.