શિષ્ય ગુરુ માટે પાણી લાવ્યો પણ તે કડવું હતું, છતાં ગુરુએ કર્યા તેના વખાણ, જાણો કેમ

0
394

કેટલાક લોકોને સારામાં પણ ખરાબ શોધવાની આદત હોય છે. તેમનું ધ્યાન લોકોના ગુણ કરતાં લોકોના અવગુણ પર વધુ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ સારું કામ કરે છે ત્યારે પણ આવા લોકો તેમનામાં દોષ શોધે છે.

જે લોકો સતત બીજાના દોષો શોધતા હોય છે, તેમની છબી લોકો વચ્ચે નકારાત્મક બની જાય છે. આજે અમે તમને એક એવી ઘટના જણાવી રહ્યા છીએ, જેનો સાર એ છે કે આપણે લોકોના સારા ગુણ શોધવા જોઈએ.

જ્યારે કડવા પાણીને પણ ગુરુએ કહ્યું મીઠુ :

ઉનાળાના દિવસોમાં એક શિષ્ય પોતાના ગુરુને મળવા તેમના આશ્રમમાં જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે એક કૂવો જોયો. શિષ્યને તરસ લાગી હતી. શિષ્યએ તે કૂવાનું પાણી પીધું. તે પાણી ખૂબ જ મીઠું અને ઠંડુ હતું. શિષ્યએ વિચાર્યું કે ગુરુજી માટે પણ આ મીઠું અને ઠંડુ પાણી લઈ જાઉં.

એમ વિચારીને તેણે પેલા કૂવાનું પાણી પોતાના વાસણમાં (ચામડામાંથી બનેલા પાત્રમાં) ભર્યું. જ્યારે તે શિષ્ય ગુરુના આશ્રમમાં પહોંચ્યો ત્યારે તેણે ગુરુજીને બધી વાત કહી. ગુરુએ પણ શિષ્ય પાસેથી પાણી લીધું અને તે પાણી પી ને સંતોષ અનુભવ્યો.

(તમામ ફોટા પ્રતીકાત્મક છે)

ગુરુએ શિષ્યને કહ્યું કે “આ પાણી ખરેખર ગંગાજળ સમાન છે.”

શિષ્ય રાજી થયો. ગુરુજીના મુખ માંથી વખાણ સાંભળીને શિષ્ય તેમની પરવાનગી લઈને પોતાના ગામ પાછો ગયો. થોડી વાર પછી આશ્રમમાં રહેતો બીજો શિષ્ય ગુરુજી પાસે આવ્યો અને તેણે તે પાણી પીવાની ઈચ્છા વ્યક્ત કરી.

ગુરુજીએ તે શિષ્યને પાણી ભરેલું પાત્ર આપ્યું. શિષ્યએ એક ઘૂંટ પાણી પીધું અને ખરાબ મોં કરીને બધું પાણી થૂંકી દીધું.

શિષ્ય બોલ્યો, “ગુરુજી, આ પાણીમાં તો કડવાશ છે અને આ પાણી ઠંડું પણ નથી. તમે તે શિષ્યની નકામી પ્રશંસા કરી.”

ગુરુજીએ કહ્યું, “દીકરા, આ પાણીમાં મીઠાશ અને ઠંડક ન હોય તો શું થયું, આ પાણીને લાવનારના મનમાં તો છે ને. જ્યારે તેણે પાણી પીધું હશે, ત્યારે તેના હૃદયમાં મારા માટે પ્રેમ જાગ્યો એ અગત્યનું છે. મને પણ તારી જેમ આ પાત્રમાં રહેલું પાણી ગમ્યું નહિ. પણ હું આવું કહીને તેનું દિલ દુભાવવા માંગતો ન હતો. તેણે જ્યારે આમાં પાણી ભર્યું હશે ત્યારે તે ઠંડું હશે, પણ આ પાત્ર સ્વચ્છ ન હોવાને કારણે અહીં આવતા સુધીમાં પાણી પહેલા જેવું રહ્યું ન હોય, પરંતુ તેને લાવનારના મનનો પ્રેમ જરાય ઓછો થયો નથી.”

બોધ : જો કોઈ વ્યક્તિ તમારા માટે સમર્પિત છે, તો તમારે પણ તેને પ્રેમથી જવાબ આપવો જોઈએ. બીજાના દિલને ઠેસ પહોંચાડનારી બાબતોથી બચી શકાય છે અને દરેક ખરાબમાં પણ સારું શોધી શકાય છે.