શિવ પ્રાતઃ સ્મરણ સ્તોત્ર અર્થ સહીત : દરરોજ સવારે આ સ્તોત્રના પાઠથી કરો દિવસની શરૂઆત.

0
383

સવારે કરવામાં આવતી ભગવાન શિવની સ્તુતિ ગુજરાતીમાં અર્થ સાથે.

પ્રાતઃ સ્મરણ એટલે સવારે કરવામાં આવતું ભગવાનનું સ્મરણ. શિવ પ્રાતઃ સ્મરણ સ્તોત્ર એક નાનકડું ત્રણ શ્લોકોનું શિવ સ્તોત્ર છે, એટલે કે ભગવાન શિવની નાની, સુંદર, ત્રણ શ્લોકની સ્તુતિ છે. શિવ પ્રાતઃ સ્મરણ સ્તોત્રના દરેક શ્લોકમાં, આપણે ભગવાન શિવને નમન કરીએ છીએ જે વિશ્વના દુ:ખ અને કષ્ટોને દૂર કરે છે. શિવ પ્રાતઃ સ્મરણ સ્તોત્રનો પાઠ કરવાથી દિવસની શુભ શરૂઆત થાય છે.

આ સ્તોત્રનો દરેક શ્લોક ભગવાન શિવના સ્વરૂપનું વર્ણન કરે છે, જેમ કે ગંગાધર, આશીર્વાદ આપનાર હાથની મુદ્રા, વિકારશૂન્ય વગેરે. આ સાથે તેમના મહિમાનું પણ વર્ણન છે, જેમ કે સાંસારિક ભય અને રોગને પરાજિત કરનાર, આદિદેવ, વિશ્વનાથ વગેરે. અને પછી દરેક શ્લોકના અંતે, ભોલે બાબાને નમસ્કાર કરવામાં આવે છે, જે રોગો અને દુઃખોથી મુક્તિ માટે અનન્ય ઔષધ રૂપ છે.

તેથી, જો સવારે પથારીમાંથી ઉઠતાની સાથે જ શિવ પ્રાતઃ સ્મરણ સ્તોત્રનો પાઠ કરવામાં આવે, તો મન પ્રસન્ન થઈ જાય છે, અને ઉર્જાથી ભરપૂર દિવસની શરૂઆત થાય છે.

“શિવ પ્રાતઃ સ્મરણ સ્તોત્ર”

1) પ્રાતઃ સ્મરામિ

ભવભીતિહરં સુરેશં

ગઙ્ગાધરં

વૃષભવાહનમમ્બિકેશમ્।

ખટ્વાઙ્ગશૂલ

વરદાભયહસ્તમીશં

સંસારરોગહરમૌષધમદ્વિતીયમ્॥

ભાવાર્થ :

જે સાંસારિક ભયને હરવાવાળા છે અને જે દેવતાઓના સ્વામી છે, જેઓ ગંગાજીને ધારણ કરે છે, જેમનું વાહન વૃષભ છે, જો અંબિકાના સ્વામી છે, જેમના હાથમાં ખટવાંગ, ત્રિશુલ છે અને વરદ અભય મુદ્રા છે, એટલે કે હાથની આશીર્વાદ આપનારી મુદ્રા છે, તે સંસાર રોગને હરવાના નિમિત્ત અદ્વિતીય ઔષધ રૂપ મહાદેવજીને હું પ્રમાણ કરું છું.

વરદ એટલે – આશીર્વાદ આપવાની મુદ્રા, વરદાન આપનાર, વરદાતા, આશીર્વાદ, કૃપા, વરદાન.

ખટવાંગનો અર્થ થાય છે – શિવના હાથનું એક આયુધ, અસ્ત્ર.

2) પ્રાતર્નમામિ ગિરિશં

ગિરિજાર્ધદેહં

સર્ગસ્થિતિ

પ્રલયકારણમાદિદેવમ્।

વિશ્વેશ્વરં

વિજિતવિશ્વમનોભિરામં

સંસારરોગહરમૌષધમદ્વિતીયમ્॥

ભાવાર્થ :

ભગવતી પાર્વતી જે શરીરનો અડધો ભાગ છે (ભગવાન શિવનું અર્ધનારીશ્વર સ્વરૂપ – શિવ અને પાર્વતી), જે સંસારની રચના, સ્થિતિ અને પ્રલયના કારણ છે, આદિદેવ છે, વિશ્વનાથ છે, વિશ્વ વિજયી અને મનોહર છે, સાંસારિક રોગોનો નાશ કરવા માટે અદ્વિતીય અને ઔષધ રૂપ તે ગિરીશ એટલે કે શિવજીને હું સવારમાં નમસ્કાર કરું છું.

3) પ્રાતર્ભજામિ

શિવમેકમનન્તમાદ્યં

વેદાન્તવેદ્યમનઘં

પુરુષં મહાન્તમ્।

નામાદિભેદરહિતં

ષડ્ભાવશૂન્યં

સંસારરોગહરમૌષધમદ્વિતીયમ્॥

ભાવાર્થ :

જે અંતથી રહિત, આદિદેવ છે, વેદાંતથી જાણી શકાય છે, પાપ રહિત અને મહાન પુરુષ છે તથા જે નામ વગેરે ભેદોથી રહિત, વિકારોથી શૂન્ય, એટલે વિકારો રહિત, સંસાર રોગને હરવાના નિમિત્ત અદ્વિતીય ઔષધ છે, હું તે શિવજીને સવારે ભજું છું.